1/9/2020
‘વડીલો ની કલમે…સંગાથે’
‘તું હીરે….’
-સુશ્રી સુષ્મા શેઠ
હજુતો મીઠી નીંદર માણતી આંખો પૂરેપૂરી ઉઘડે તે પહેલાં મોબાઈલમાં ટીનનન.. થયું. બાજુમાં રાખેલા ફોને સવાર પાડી દીધી. જોઉં, નજોઉં વિચારતો સુનિલ પડી રહ્યો ત્યાંતો ફરી બીજું ટીનનન. એક મીઠો રણકો અને પછી ચુપકીદી.
બહાવરા ફંફોસતા હાથોએ નરમ ઓશિકા નીચે ઘૂસીને છુપાયેલો મોબાઈલ શોધી કાઢ્યો. અર્ધ ઉઘડેલી આંખોએ તેમાં જોયું, સમય હતો ૦૬:૧૧ am . તે ફરી ઊંઘી જવા મથ્યો. પરંતુ ઊંઘાયું નહીં. શું હશે? કોનો મેસેજ હશે? વિચારોમાં અટવાતા મગજે સંપૂર્ણ જાગૃત થઇ જવું પડ્યું.
આંખો ચોળતા સ્ક્રીનપર નજર નાખી. સત્તર નવા નોટિફિકેશન્સ હતાં. હમણાંનો આવેલો તાજો મેસેજ ખોલ્યો. જયશ્રીકૃષ્ણ સાથે પ્રભુજીનો ફોટો હતો. તેણે કંટાળાપૂર્વક તે જોતાં , જોડેલા બે હાથના સિમ્બોલનો ફોટો મૂકી સામે રીપ્લાય કરી દીધો અને સાથે પાંચ- છ ફૂલના સિમ્બોલ પણ મૂકી દીધા.
બાજુના ઓરડામાંથી આરતીની ઘંટડીનો મધુર રણકાર સંભળાયો. બા વહેલી ઉઠી પૂજા, આરતી, દીવો કરતી. સ્મિતાને બારી- બારણાં બંધ કરવાની સૂચના આપતાં, તેણે પડખું ફેરવ્યું ,”સાલું કોઈ નિરાંતે ઊંઘવા નથી દેતું” બબડતો તે ફરી ઊંઘવા મથ્યો.
માંડ દસ મિનિટ થઇ હશે ત્યાંતો ફરી મોબાઈલમાં ટીનનન વાગ્યું. તેણે ગુસ્સાથી રીન્ગર ઓફ કરી દીધું. પણ ચેન ન પડ્યું. મોબાઈલ ઊંચકી સૂતાંસૂતાં મેસેજીસ વાંચવા માંડ્યા. ઓહોહો… સવારના પહોરમાં સલાહ શિખામણોનો ધોધ વરસેલો. અઢળક મેસેજીસથી ઇનબૉક્સ છલકાઈ ગયેલું.
ગુડ મોર્નિંગથી લઈને, પાણી પીવાના ફાયદા, મધુ- પ્રમેહ મટાડવાના વિવિધ નુસખા, યોગની મુદ્રાઓ, ઉઠીને ચાલવા જવાના ફાયદા, સાંપ્રત પરિસ્થિતિને લગતા જોક્સ, ટૂચકાંઓ, જીવતરના પાઠ શીખવતી વાર્તાઓ અને રાજકારણને લગતા વાદ-વિવાદ. ઉપરાંત ઘણું ઘણું. તેણે ઝડપથી નજર ફેરવી. પૂરેપૂરું વાંચ્યા વગર બીજા ગ્રુપ તેમજ મિત્રોને ફોરવર્ડ કર્યું.
હાશ! એક કામ પત્યું. આતો રોજિંદો ક્રમ થઇ પડેલો. બાજુના પૂજા-રૂમમાં ડોકાવાની સુનિલ તસ્દી ન લેતો, મોબાઈલમાંજ સુતા-જાગતા ભગવાનના દર્શન થઇ જતા.
જુદાજુદા ફળોના વિવિધ ફાયદાનો લેખ મોબાઈલમાં વાંચતા-વાંચતા તે ડાઇનિંગ-ટેબલપર બ્રેકફાસ્ટ કરવા બેઠો.
” સ્મિતા, મોડું થાય છે, જલ્દી નાસ્તો પીરસ.” કહેતાં તેણે કાપેલા ફળની પ્લેટને દૂર હડસેલી. “આવું બધું સવારમાં ચાવવાનો ટાઈમ નથી” બોલતા તેણે બટર લગાવેલા ટોસ્ટ અને ગરમાગરમ તળેલી કટલેટ્સ ઝાપટી. નજર તો ફોનમાંજ ખોડાયેલી હતી. હાથ યંત્રવત જમતા હતાં અને મોઢું ચાવતું હતું. મન પરોવાયેલું મેસેજીસ જોવામાં.
જાણે કોઈ સાધુમુનિ જળકમળવત સ્થિતિમાં રહી આ સંસારની મોહમાયાથી અલિપ્ત રહે તેમ સુનિલનો આત્મા ‘એક મોબાઈલ હી’ માં પુરેપુરો નિમગ્ન થઇ ગયેલો.
તૈયાર થઈ ઓફિસે જવા ગાડી સ્ટાર્ટ કરી. ઉફ્ફ્ફ. આજે ઘરે મોબાઇલ ચાર્જ કરવાનો રહી ગયેલો. બેટરી ‘લો’ બતાવતી હતી. તેને પણ ‘લો’ ફીલ થઈ આવ્યું. ચેન ન પડ્યું.
ત્યાંતો મોબાઈલ રણક્યો. “સાંજે વહેલો આવજે.શોપિંગ કરવા જઈશું” પત્નીનો અવાજ સાંભળતાં, “ફોન મૂક ડ્રાઈવિંગ કરું છું” કહી તેણે રસ્તાપર નજર ઠેરવી. મોબાઈલને પ્રેમથી પંપાળી દૂર કર્યો.
ફરી ફોન રણક્યો. ખાસ મિત્રનું સ્ક્રીનપર નામ વાંચતા, નથી ઉપાડવો તેવું નક્કી કર્યા છતાંય ફોન ઉપાડાઇ ગયો. “હેઈ, હાવ આર યુ?” ચિરપરિચિત અવાજની પૃછાનો ઉત્તર, “ગુડ” આપવા જતાં પોલીસની સીટી સંભળાઈ. પોલીસે ગાડી સાઈડમાં લેવડાવી. ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલમાં વાત કરવાના ગુનાસર દંડ ફટકાર્યો. સવારના પહોરમાં ચાંલ્લો ચોંટ્યો.
ટ્રાફિકના કડક નિયમો આલેખતો લેખ કોઈ ગ્રુપના મેસેજમાં ચમક્યો. ટીનન.. થયું અને પછી બંધ થયેલા મોબાઈલ સ્ક્રીનપર કાળો રંગ છવાયો. પોલીસ પાવતી ફાડવાની કાર્યવાહી કરે ત્યાંસુધી સુનિલે વીલા મોઢે તે મેસેજ વાંચી લીધો.
ઓફિસે પહોંચી સુનિલે પહેલું કામ મોબાઇલ ચાર્જ કરવાનું હાથ ધર્યું. પરંતુ ચાર્જર તો ઘરે હતું! ! હવે? અકળામણ થઈ આવી.
પાણીનો ગ્લાસ ટેબલપર મુકતા પિયૂન શંકરને સમજાઈ ગયું કે સુનિલશેઠ મૂડમાં નથી. કડક કોફીનો ઓર્ડર આપી દીધા બાદ, પિયૂનને મોબાઈલનો ચાર્જર લાવવા માટે ઘરે દોડાવ્યો.
” બીજું બધું પછી કરજે” શેઠે કોફી જેવીજ કડક સૂચના આપી, “પાછો રસ્તે પાનના ગલ્લે ના ઉભો રહી જતો.”
બેટરી હવે દસ ટકાજ બચી હતી. “શી રીતે નમ્રતાથી સહુ સાથે વર્તવું” તે એક લેખ વાંચી તેણે મોબાઇલને મરતો બચાવ્યો એટલેકે સ્વીચ ઓફ કરી દીધો.
આગળના દિવસનો ઓર્ડર પૂરો નહીં થવાથી સ્ટાફના વરિષ્ટ કર્મચારી શિંદેને બોલાવી તેમને તેણે રીતસર ધમકાવી નાખ્યા. મોઢા સુધી એક
ગાળ પણ આવી ગઈ.
અેકાઉન્ટ્સના પેપરોમાં એક કાગળ ન મળવાથી બધી ડાયરીઓ, કાગળો ફેંદી, ઉપરતળે કરી નાખ્યા. ડ્રોઅરો પછાડ્યા.
સીનીઅર સેલ્સ મેનેજરને બોલાવીને સમજાવ્યો કે પેલો ફલાણો ઓર્ડર હાથમાંથી ના સરી જવો જોઈએ, ભલેને થોડા પૈસા ચાંપવા પડે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ ઉપાડવાનો પ્રધાન મંત્રીનો સંદેશ તેણે સવારે ઘણા ગ્રુપમાં ફોરવર્ડ કરી દીધેલો. વળતા રીપ્લાયમાં ઘણાએ અંગુઠો બતાવી થમ્સ-અપનું સિમ્બોલ પાઠવેલું.
” આ શંકર ક્યાં મરી ગયો? ” તેણે બરાડો પાડ્યો અને ચાર્જર લઈને ઠંડી કેબિનમાં દાખલ થતો પિયૂન શંકર ગરમ થયેલા શેઠને જોઈ ડઘાઈ ગયો.
“શેઠ, મેડમ ના’વા ગયેલા અને બાને મળતું ન’તું”
“સારું જા તારું કામ કર” શેઠનો મૂડ શાથી બગડેલો તે શંકરને ન સમજાણું. મોબાઇલ ચાર્જ
કરવા મૂકીને સુનિલ કામમાં પરોવાયો.
કેટલા બધા મેસેજ વાંચીને ડીલીટ કરવાના હતા. વધુ એક કામ કરવાનું હજુ બાકી છે તેવું વિચારી સુનીલના ટેંનશનમાં થોડો વધારો થયો.
સવારે પત્ની સાથે વાત કરવાનો સમય નહોતો મળ્યો. પત્નીનો મોબાઈલમાં મેસેજ ચમક્યો. ‘સાંજે વહેલો આવજે. વીલ બી વેઇટિંગ ફોર યુ.’ મેસેજ વાંચી ફોન બાજુપર મૂકી દેવાને બદલે બીજા બાર-તેર મેસેજીસપર નજર ફેરવી લીધી.
પરચેઝ મેનેજરને બોલાવી ચર્ચા કરી લીધી પરંતુ સુનિલનું સમગ્ર ધ્યાન તેના મોબાઈલ ફોન પર હતું, એ શું બોલી રહેલો તે ભાગ્યેજ સમજાયું.
ઘરના ટિફિનમાં ભરેલા સાદા ભાખરી-શાક ખાવાની રુચિ કે મૂડ ન હતા. તેણે મોબાઈલ-એપમાં જૉઈ ફૂડ ઓર્ડર કરી દીધો. મોબાઈલથી પેમેન્ટ કરી દીધા બાદ નવમી મિનિટે ગરમાગરમ જમવાનું હાજર હતું. જમતા-જમતા મોબાઈલમાં એક ગેમ રમી લીધી. આજની ઝબુકતી ‘એક પર એક ફ્રી’ જેવી લોભામણી ઓફેરોપર પણ દ્રષ્ટિ ફેરવી ગયો.
ઓડકાર ખાઈ ટીશ્યુથી મોઢું લૂછતાં સુનિલે ડાઉનલોડ કરેલું મનગમતું ગીત સાંભળ્યું. ‘ તુહીરે..તુહીરે.. તેરે બીના મેં કૈસે જિઊઁ..’
હાશ હવે કૈંક મૂડ સુધર્યો.
બે- ચાર બગાસાં પરાણે આવી ગયા. ગઈ રાત્રે કેન્ડી ક્રશ રમતાં સાડા બાર થઇ ગયેલા. પત્નીના વહાલભર્યા સ્પર્શનો ઠંડો પ્રતિસાદ આપતા સુનિલે બીજી બે રમતો મોબાઈલમાં ડાઉનલોડ કરી હતી. એ રમતોનું આકર્ષણ વધુ રસપ્રદ બની જતું હતું, કદાચ. પત્નીના ખેંચાણથી દૂર કરતું. સવારે પણ મોબાઈલના ટીનનન..એ વહેલી આંખ ઉઘાડી દીધેલી. એક તુંહી ‘શ્રી મોબાઈલફોન નમઃ’
ફેસબુક ઓપન કરી તેણે સ્ટેટસ અપડેટ કર્યું- ‘ફીલિંગ ગ્રેટ’ અને પોતાની હસતી સેલફી પાડીને ફોટો શેર કર્યો. બે ફ્રેન્ડ- રિકવેસ્ટને કન્ફ્રર્મ કરી અને ત્રણ પરિચિતોના નામ આગળ ‘સેન્ડ રિકવેસ્ટ’પર ક્લિક કર્યું, જેમને તે ક્યારેય મળ્યો નહતો. બહોળા ફેસબુક- ફ્રેન્ડ્સના વિસ્તરતા, વધતા જતા વર્તુળ સામે ઘર, પત્ની, મા, મિત્રો અને કામધંધાનું પરિઘ નાનું થતું જતું હતું. પોતે મુકેલી સેલફીને લાઈકસ મળવા માંડ્યા .
વોટ્સઅપ પરનું ગઈ રાત્રે મૂકેલું ‘બીઝી’ સ્ટેટસ બદલીને તેણે ‘અવેલેબલ’ કર્યું. હજુતો કેટલાય અનરીડ મેસેજીસ વાંચવાના અને વાંચ્યા પછી વળી ડીલીટ કરવાના બાકી હતા. કામનું ભારણ ઘણું હતું.
હવે ઘર તેમજ ઓફિસનો અણમાનીતી રાણી જેવો લેન્ડલાઈન ફોન ભાગ્યેજ રણકતો. સતત રણકતા માનીતા મોબાઈલમાં લાંબી-ટૂંકી વાતો દિવસભર ચાલ્યા કરતી. મોબાઈલ સહેજેય નજરથી આઘોપાછો ન થાય તેની સતત તકેદારી લેવાતી. ફોનને પ્રેમથી પસવારી તેણે બાજુએ મુક્યો ત્યાંતો ટીનનન..થયું. બપોરે પત્નીના ઘરે વહેલા પહોંચી જવાના મેસેજ બાદ રિમાઇન્ડરમા મૂકેલું ‘ ગો હોમ અર્લી’ અચાનક ઝબક્યું અને તે ઉભો થઈ ગયો. આ ફોન ન હોત તો આવું કોણ યાદ દેવડાવત? તે મનોમન હસ્યો .
‘રિચિંગ હોમ ઈન ટ્વેન્ટી મિનિટ્સ, બી રેડી’ તેણે પત્નીને મેસેજ સેન્ડ કર્યો અને ઓફિસના કાગળિયા, ડાયરી સમેટતાં, રાઈટ ટીકમાર્ક બ્લુ થાય છે કે નહીં તે બે ચાર વાર જોઈ લીધું. સ્ટાફને સૂચનો આપી બહાર નીકળતા મોબાઈલ ચેક કર્યો, છેવટે ડબલ બ્લુ-ટીકનું નિશાન જોઈ ધરપત થઇ, સ્મિતાએ મેસેજ વાંચી લીધેલો તેની.
ઘરવાળીને આજે નારાજ નહીં કરાય, તેની કાલે વર્ષગાંઠ છે એવું વિચારતાં તેણે એ તારીખ બર્થડે રિમાઇન્ડરમા ફીડ કરી દીધી. સમયસર ઘરે પહોંચવાને બદલે હેવી ટ્રાફિકમાં અટવાયેલો સુનિલ ધાર્યા કરતા ઘરે પચ્ચીસ મિનિટ મોડો પહોંચ્યો. તૈયાર થઈને રાહ જોઈ કંટાળેલી સ્મિતા ટીવીમાં સીરીઅલ જોવામાં વ્યસ્ત થઇ ગઈ. શોપિંગનો તેનો ઉત્સાહ ઓસરી ગયો હતો.
“ડોન્ટ વરી ડાર્લિંગ, તું જે માંગે તે ઘર બેઠા હાજર થઇ જશે. તું બોલ તારે શું જોઈએ છે, આપણી પાસે મોબાઈલમાં અમેઝોન, ફ્લિપકાર્ટ, બિગબાસ્કેટ, બધાય જાદુઈ ચિરાગ હાજર છે. બસ ચાંપ દબાવતાં જીન હાજર. બોલો મેરે આકા.”
ગુગલ પર સર્ચ કરીને સુનિલે, ‘બેસ્ટ વેલ્યુ ફોર મની’ માંથી સરસ હીરાની વીંટી શોધી કાઢી. અલબત્ત, દોઢ કલાકની જહેમત પછી. તે જોતાં ઘણા સમયથી સ્મિત કરવાનું વિસરી ગયેલી સ્મિતાની આંખો ચમકી ઉઠી. છેવટે ઘરે બેસીનેજ શોપિંગ કરી લીધાનો સંતોષ માનતી તે મંદ- મંદ હસી, સહેજ માંદલું.
ઘર બહાર બંને પતિ- પત્નીને કાઢવાનો બાનો પ્રયાસ ચાલુ જ હતો, “ભાઈ હું રસોડું સાચવી લઈશ, તમે જાઓ” પણ સુનીલના ટ્રાફિકમા
ગાડી ચલાવવાના કંટાળા સામે તેઓ ચૂપ રહયા.
બાનું ટપારવાનું અને સુનિલનું ફોનમાં ડોકું ઘાલી દેવાનું જમતી વખતે ચાલુજ હતું, ” ભાઈ, જરા તારા આ લાડકા મોબાઈલ ફોનમાંથી બહાર નીકળ. ખાતાં- પીતાં તો બંધ રાખ.” તેમનો અણગમો ગુસ્સા સ્વરૂપે ઠલવાય તે પહેલા સુનિલ બોલ્યો, ” ચાલ બા આ બાજુ સાથે ઉભી રહે જોઉં, એક આપડા ત્રણેની સેલ્ફી પાડું.”
જોકે ફોટો બરાબર હસતો નહીં આવવાથી, ફરી બે વાર પાડયો. “હમમમ હવે બરાબર” બોલી તેણે ફેસબૂક્પર શેર કર્યો. સાથે એક મેસેજ પોસ્ટ કર્યો, “એન્જોયિંગ વિથ ફેમિલી”
વળી રાત્રે બારને ટકોરે હજુ મોબાઈલમાં પાનાંની ગેમ રમી રહેલા સુનિલે એક મેસેજ સ્મિતાને કર્યો. ‘હેપી બર્થડે માય વાઈફ, માય લાઈફ, લવયુ સો મચ. આય એમ નથીંગ વિધાઉટ યુ.’ લખીને ફૂલોના મોટા ગુલદસ્તાનું ચિત્ર મૂક્યું. વળી નીચે સળગતી મીણબત્તીઓવાળી કેકનું ચિત્ર હતું. તેને ફેસબુકમાં ગોઠવ્યું , ભલે દુનિયા જાણતી.
સ્મિતા બાજુમાં ઘસઘસાટ ઊંઘતી હતી. કોઈક સ્વપ્ન નીરખતી તેની બંધ આંખોના ડોળા આમથી તેમ ફર્યા. તેના બીડાયેલા ગુલાબી હોઠ મલક્યા. બે વર્ષના સુખી લગ્નજીવન બાદ સંતાન ઇચ્છતી સ્મિતા એક સુંદર સપનું જોઈ રહી હતી. એ અને સુનિલ એક રળિયામણી હિમાચ્છાદિત ડુંગરો વચ્ચેની લીલીછમ જગ્યાએ હાથમાં હાથ નાખી ફરી રહ્યા છે, બાજુમાં ખળખળ વહેતી નદી અને પંખીઓનો કલરવ. બંને પેટ ભરીને અલકમલકની ન ખૂટે તેવી વાતોમાં મસ્ત છે, ત્યાં નથી મોબાઈલ ફોન, નથી લેપટોપ કે કોમ્પ્યુટર. અને નથી ટીવી.
સુનિલે સ્મિતા તરફ એક સંતોષભરી દ્રષ્ટિ ફેંકી. મોબાઈલને સાઇલન્ટ મોડમાં મૂકીને ચૂપ કર્યો. રૂમની છતને તાકતી તેની નજર સમક્ષ એક દ્રશ્ય ઉપસ્યું. એરોપ્લેનમાં હવેથી મોબાઈલ વાપરી શકાય તેવી શોધ થવાથી મોબાઈલ ક્યારેય સ્વિચ ઓફ નહીં કરવો પડે. ત્યાંય નેટવર્ક પકડાશે.વાહ! તેને પોતાના વિચારપર હસવું આવ્યું.
મનમાં મલકાતા સુનિલે વાંચવાના બાકી રહી ગયેલા મેસેજીસ વાંચી ફોરવર્ડ, રીપ્લાય કરવા માંડ્યા. ઈ-મેઇલ ચેક કર્યા. નવા લખ્યા, સેન્ટ કર્યા. તેનો ફોન સુનિલમય થઈ ગયો.
– સુશ્રી સુષ્મા શેઠ
————–