હજારો-લાખો વર્ષોથી ધર્મો અને શાસ્ત્રો જનસમુદાયને વૈરાગ્યની મહત્તા શીખવે છે. કેમ કે વૈરાગ્ય એ મુક્તિનો માર્ગ છે પરંતુ જ્યાં સુધી મુક્તિ કે વૈરાગ્યને તેના સાચા સ્વરૂપમાં યથાર્થ રીતે સમજી ન શકાય ત્યાં સુધી તો વૈરાગ્યના નામે આપણે આપણી પોતાની જાતને ત્રાસ આપતા કે હેરાન કરતા જ રહીશુ. જેનાથી કદાચ વિકૃતિ વધી શકે પણ મુક્તિ ન મળે. માત્ર દુઃખ અને બંધનનો અહેસાસ તીવ્ર બને. શાસ્ત્રો અનુસાર વૈરાગ્યનો અર્થ છે “રંગો સે પરે” એટલે કે રંગોથી ઉપર ઉઠવું, રંગોથી મુક્તિ મેળવવી. જીવનના અલગ અલગ રૂપ-રંગ અને સંસારની માયાથી મુક્તિ મેળવવી. પરંતુ રંગોથી મુક્તિને લોકોએ થોડા જુદા અર્થમાં લીધું અને અનેક પ્રશ્નો સર્જાયા. વૈરાગ્યની સાધના કરનારે વૈવિધ્યપૂર્ણ કલરફુલ દુનિયા તેમ જ સાત રંગોનો જીવનમાંથી છેદ ઉડાડવા માંડ્યો અને જીવનને નીરસ જીવવાનો અભ્યાસ શરુ કર્યો. વાસ્તવમાં રંગોથી મુક્તિનો અર્થ છે રંગોથી ઉપર ઉઠવું એટલે રંગોની માયામાં ન ફસાતા પારદર્શી (રંગમુક્ત)બનવું. સાચું તો છે! કેમ કે આપણે સમગ્ર જીવન દુઃખ અને બંધનનો અહેસાસ કરીએ છીએ કારણ કે પારદર્શી બની શકતા નથી એટલે કે જીવન જેવું છે તેવું જોઈ શકતા નથી. આપણા પોતાના રંગીન ચશ્મા એટલે કે રાગ-દ્વેષ, ગમો-અણગમો જેવા પૂર્વગ્રહિત ચશ્માથી સર્વ કઈ નિહાળીએ છીએ, જેના કારણે સંસારને, સંબંધોને, સૃષ્ટિને તેના વાસ્તવિક રૂપ-રંગમાં જોવાનું અને માણવાનું ચૂકી જઈએ છીએ. આપણને કોઈ ગમી જાય કે આપણે કોઈનાથી પ્રભાવિત થઈ જઈએ એટલે તેના પ્રત્યેનો આદરભાવ વધી જાય છે, આપણે તેની સાથે ખુબ સારા અને વિનમ્ર બનવાના પ્રયત્નો કરીએ છીએ. વળી તે વ્યક્તિની કોઈ ખરાબી કે અવગુણો આપણે જોઈ શકતા નથી. એ જ રીતે જ્યારે આપણું કોઈ ખરાબ કરે અથવા કહો કે કિસ્મત અનુસાર આપણું ખરાબ થવાનું જ હોય તેમાં કોઈ નિમિત્ત બને કે પછી આપણી નજરમાં એટલે કે આપણા ચશ્મા અનુસાર તે વ્યક્તિ “up to the mark” ન લાગતા તેને આપણે મૂર્ખ, અયોગ્ય, અભદ્ર અને હીન સમજવા માંડીયે છીએ. પછી તેની અનેક સારી બાબતો પણ આપણને દેખાતી બંધ થઈ જાય છે. બંને કિસ્સામાં આપણે તે વ્યક્તિને તેના વાસ્તવિક સ્વરૂપમાં જોવાનું ચૂકી જઈએ છીએ, આને કહેવાય પારદર્શિતાનો અભાવ. સાચો વૈરાગ્ય કેળવવા માટે પારદર્શી કે રંગમુક્ત થવું પડે એટલે કે પૂર્વગ્રહમુક્ત, પ્રભાવમુક્ત થવું પડે. જે સમગ્ર જીવન દરમિયાન થઈ શકાતું નથી એટલા માટે શાસ્ત્રો સાક્ષીભાવ કેળવવાની સલાહ આપે છે. પરંતુ સાક્ષીભાવ એટલે શું? તેને પણ આપણે ઊંડાણપૂર્વક યથાર્થ સમજી શકતા નથી. સાક્ષીભાવ એટલે કોઈ કાર્યના કર્તા ન બનવું. એનો અર્થ એ બીલકુલ નથી કે કોઈ કાર્ય કર્યા વગર નિર્બળ અને આળસુ બની બેસી રહેવું. પરંતુ લોકો એવું સમજે છે કે કર્તા ન બનવું એટલે કાર્ય ન કરવું આમ કશું જ ન કરવાનો અર્થ છે જીવન છોડી દેવું કે સંબંધો છોડી દેવા અને ગિરનારની ગુફામાં કે આશ્રમમાં જઈને રહેવું. પરંતુ આશ્રમમાં કે ગિરનારની ગુફામાં જીવન તો દરેક જગ્યાએ એક સરખું જ છે. માત્ર તમારા ચશ્મા એટલે કે જીવનને જોવાની તમારી દ્રષ્ટિ બદલાય છે. આમ પણ વ્યક્તિ જીવનથી ભાગીને જશે ક્યાં? કેમ કે જ્યાં જશે ત્યાં જીવનનું અસ્તિત્વ તો રહેવાનું જ. આમ વૈરાગ્ય એટલે જીવનથી ભાગવું નહીં પરંતુ જીવનને તેના વાસ્તવિક રૂપમાં જોવું. (પારદર્શી બની, રંગમુક્ત બની) જીવનમાં ન તો વિનમ્ર બનવાનો પ્રયત્ન કરવો ન અહંકારી, ન ક્રોધી બનવાનો પ્રયત્ન કરવો કે ન શાંત, ન મમતાયુક્ત બનવું કે ન મમતામુક્ત બનવું. કેમ કે કંઈપણ બનવાનો પ્રયત્ન કરીએ એટલે સ્વને કે ઓરીજનલને ચૂકી જવાય છે. માત્ર શાંત થઈ, સ્થિર થઈ, સંપૂર્ણ જાગૃતતા સાથે સંસારને અનુભવો કે જોવો એ જ સાચો સાક્ષીભાવ છે. આ રીતે જ દુનિયા, સંસાર અને સમગ્ર અસ્તિત્વ જેવું છે તેવું દેખાવા માંડે છે અને આપોઆપ વૈરાગ્ય આવી જાય છે. કેમ કે જો વિનમ્ર બનવા જશો અને તમે વાસ્તવમાં એવા નહીં હોવ તો વિનમ્ર બનવાની ક્રિયા તમને બોજ લાગશે અને તમે એનાથી થાકી જશો. વળી એક દિવસ એવો ચોક્કસ આવશે કે તમે રીબેલીયન બની નમ્રતાને ધિક્કારવા માંડશો અને ફરી એક અસહજ ઘટના ઘટશે એટલે કે ફરી તમે સ્વથી વધુ દૂર થઈ જશો. ટૂંકમાં પારદર્શી થવું એટલે જ વૈરાગ્ય. જે જેવું છે તેવું જોવું અને તેને બદલવાનો પ્રયત્ન ન કરવો. માત્ર કર્તાના ભાવનો ત્યાગ કરવો કેમ કે વસ્તુ જેવી છે તેવી આપણે જોઈ શકતા નથી ત્યારે આપણને એ કાં તો અયોગ્ય અથવા યોગ્ય લાગે છે, જેના કારણે આપણે નાહક તેને બદલવાનો પ્રયાસ કરીએ છીએ અને પ્રયત્ન કરતાની સાથે જ આપણે કર્તા બની જઈએ છીએ. હવે કર્તા બન્યા એટલે અહંકાર કે નિરાશા બેમાંથી એક દુઃખ તો જીવનમાં આવવાનું જ. કેમ કે જે બાબત આપણે બદલવાનો પ્રયત્ન કર્યો તેના માત્ર બે જ પરિણામ હોઈ શકે, સફળતાપ્રાપ્તિ અથવા નિષ્ફળતા. જો સફળતા મળશે તો અભિમાન વધશે અને વારંવાર આપણે કંઈક ને કંઈક બદલવાનો પ્રયત્ન કરતા રહીશું અને કાર્યના કર્તા બનતા રહીશું. વળી દુનિયાને સતત પોતાનાં ચશ્માંથી જોતા રહીશું અને કમનસીબે જો પરિસ્થિતિ બદલવામાં અસફળ રહીશું તો નિરાશા અને હતાશાની ખાઈમાં ગરકાવ થઈ જઈશું. જે આપણો આત્મવિશ્વાસ તોડી નાખશે અને તમે કંઈ જ કરવાને લાયક નહિ રહો. એટલે કે જીવનને જોઈ કે માણી શકવાનું ચૂકી જશો. વળી કર્તા બનવાને કારણે જે અહંકાર કે નિરાશા પ્રાપ્ત થશે તેમાંથી ક્રોધ ઉદભવશે કેમ કે આપણે જે જોઈએ તે ન મળતા સ્વાભાવિક રીતે આપણને ક્રોધ આવતો હોય છે. વળી તમે જે બદલાવ ઈચ્છોછો કે જે મેળવવા ઈચ્છોછો તેમાં તમારી મદદ કરનાર તમને મિત્ર લાગશે અને નડનાર દુશ્મન લાગશે. આ રીતે રાગ-દ્વેષના વમળો વધશે. કર્તા બની “આ બરાબર ન કહેવાય” એમ વિચારી ન્યાય કરવા જતા સાક્ષીભાવ છૂટી જશે. એટલે કે અસ્તિત્વ જેવું છે તેવું આપણે જોઈ શકીશું નહિ. જેવું છે તેવું ન જોઈ શકવું અથવા પોતાની બુદ્ધિ અને પૂર્વગ્રહથી (પૂર્વગ્રહહિત ચશ્મા દ્વારા) જોવું એ જ અવૈરાગ્ય છે. જે સાક્ષીભાવના અભાવથી કેળવાય છે. એટલા માટે શાસ્ત્રો વૈરાગ્ય કેળવવા સાક્ષીભાવ અને અભ્યાસને આવશ્યક ગણાવે છે. વળી એક બીજો મહત્વનો મુદ્દો પણ સમજવા જેવો છે કે પ્રકૃતિ કે પરમાત્માના ન્યાયને તોળવા વાળા આપણે કોણ? કેમ કે જ્યારે કોઈ પણ બાબતમાં આપણે “આ બરાબર છે” અને “આ બરાબર નથી” એવું કહીએ છીએ અથવા બિનજરૂરી ન્યાય તોળવા બેસી જઈએ છીએ ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે ઈશ્વરને એ જ મંજુર છે એટલે જ તો એ થયું છે. કેમ કે પરમેશ્વરની ઇચ્છા વગર તો આ અસ્તિત્વમાં એક પાંદડું પણ હલતું નથી. આપણે કોઈને દુઃખી જોઈએ તો આપણને દયા આવે છે અને એનું દુઃખ દૂર કરવા આપણે કામે લાગી જઈએ છીએ વળી એમાં સફળતા મળે પણ ખરી અને ન પણ મળે. પરંતુ એ વખતે જો આપણે એવું વિચારીએ કે આ સંસારમાં ઈશ્વરની ઇચ્છા વગર કંઈ જ થતું નથી, કદાચ કર્મની ગતિને સમજી શકીએ તેટલા આપણે સમર્થ નથી, આજે આપણને જે દુઃખી લાગે છે, જેની પરિસ્થિતિ બદલવા આપણે તત્પર થયા છીએ એ બની શકે તેના પોતાના કર્મનું પરિણામ હોય અને એ જ ઈશ્વરને મંજૂર હોય કેમ કે એ વગર તો કાંઈ ઘટવું સંભવ જ નથી. આમ આપણે સમગ્ર જીવન સારું-ખરાબ, યોગ્ય-અયોગ્ય, ન્યાય-અન્યાય, સમાનતા-અસમાનતા વગેરેના વમળોમાં ફસાયેલા રહીએ છીએ અને આપણી સમજ પ્રમાણે એટલે કે આપણા પોતાના કલરફુલ ચશ્મા દ્વારા દુનિયાને જોવાનો પ્રયત્ન કરીયે છીએ જેના કારણે દુનિયા જેવી છે તેવી જોઈ શકતા નથી. સાક્ષીભાવ પ્રાપ્ત કરી શકતા નથી, સાક્ષીભાવ વગર વૈરાગ્યની પ્રાપ્તિ અશક્ય છે અને વૈરાગ્ય વગર દુઃખમુક્તિ શક્ય નથી. ટૂંકમાં સુખનો ત્યાગ, ભોગનો ત્યાગ, સંબંધોનો ત્યાગ, સંસારનો ત્યાગ એ સાચો વૈરાગ્ય નથી. પરંતુ દુનિયાને જોવાના તમારા રંગીન ચશ્માનો ત્યાગ એ સાચો વૈરાગ્ય છે. જે રંગમુક્ત થવાથી એટલે કે પારદર્શી થવાથી પ્રાપ્ત થાય છે. આમ જે જેવું છે તેવું વાસ્તવિક રૂપમાં જોવાની કળાને વૈરાગ્ય કહેવાય. જેના દ્વારા આપોઆપ રાગ-દ્વેષ, મમતા, ઈર્ષા, અહંકાર, નિરાશા, દુઃખ અને પીડા સર્વથી મુક્ત થવાય અને આવા કષાયોથી મુક્ત થવું એટલે જ સાચો મોક્ષ. આવો મોક્ષ વૈરાગ્ય દ્વારા શક્ય છે, વૈરાગ્ય સાક્ષીભાવ દ્વારા મેળવી શકાય. પરંતુ આ સાક્ષીભાવ મેળવવા અભ્યાસની આવશ્યકતા છે કેમ કે સાક્ષીભાવ કેળવવો સહેલો નથી. તેના માટે નિયમિત પ્રયત્ન અને કઠિન તપશ્ચર્યાની અનિવાર્યતા રહેલી છે. એટલા માટે જ શાસ્ત્રો આવા પ્રયત્નોનો અભ્યાસ નિયમિત રૂપે કરવાની સલાહ આપે છે જે ખૂબ વૈજ્ઞાનિક છે. આ વાત જો સમજાઈ જાય તો સંપૂર્ણ સુખ ભોગવતા-ભોગવતા સંબંધો વચ્ચે જીવતા-જીવતા અસ્તિત્વને માણતા-માણતા અને જીવતા જીવત મુક્તિનો આનંદ અનુભવી શકાય. આર્ટીકલ વાંચ્યા બાદ જીવ માત્ર સાચો વૈરાગી બને એ જ અભ્યર્થના.
Related Posts
*અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ* યુવક પર જ્વલનશીલ પ્રવાહી છાંટી હુમલો કરાયો રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી…
દેશભરમાં અસ્થિ વિસર્જન માટે જાણીતું કરનાળી નર્મદા તટે અસ્થિ વિસર્જન માટે મોટી સંખ્યામાં ઉમટતા લોકો માટે બ્રેક લગાવાઇ.
કરનાળી જુથ ગ્રામ પંચાયત બહારથી આવતા પ્રવાસીઓ તેમ જ અસ્થિર વિસર્જન કરવા કરનારી આવતા લોકો માટે પ્રતિબંધ ફરમાવ્યો. દેશભરમાં અસ્થિ…
अहमदाबाद GPCB के सरकारी पर्यावरण अफसर को जान से मारने की धमकी देने की शिकायत हुई दर्ज.
अहमदाबाद GPCB के सरकारी पर्यावरण अफसर को जान से मारने की धमकी देने की शिकायत हुई दर्ज। 2 गिरफ्तार।