કાપડના વ્યવસાયિકો ના બાકી પેમેન્ટની તકરારનુ એક જ જગ્યાએ સમાધાન થાય તેવી વ્યવસ્થા કરવા રજૂઆ ત
વ્યાપારી અગ્રણીઓએ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરી કે છેલ્લા વર્ષોમાં વ્યાપારીઓ સાથે ૧૦૦ કરોડથી વધારેનું ચીટીંગ થયું છે
અમદાવાદની ઓળખ એવા કાપડ બજારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચોક્કસ વેપારીઓ દ્વારા ઉધારમાં માલ લઈને ઉઠમણાં કરવામાં આવી રહ્યા છે. છેલ્લા વર્ષોમાં ૧૦૦ કરોડથી વધારેનું ચીટીંગ થયું હોવાથી વેપારીઓ દ્વારા ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સમક્ષ ટેક્સટાઇલ એન્ટી ફ્રોડ સેલ બનાવવાની માંગ કરવામાં આવી હતી. તેને કારણે વેપારીઓ સાથે થતા છેતરપિંડીના તમામ કિસ્સાઓનું એક જ સ્થળે સમાધાન થઇ શકે અને વેપારીઓ નિર્ભય બનીને ધંધો કરી શકે.
મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત તથા અન્ય વેપારી અગ્રણીઓએ જણાવ્યું હતું કે લગભગ છેલ્લા સવાસો વર્ષથી અમદાવાદને દેશના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદનુ કાપડ માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં વેચાઈ રહ્યું છે. કાપડના ધંધામાં વેપારીઓને ચોક્કસ સમયની ક્રેડિટ આપવાની પ્રથા છે. જેને કારણે કેટલાક લેભાગુ વેપારીઓ સ્થાનિક બજાર ના દલાલોની મદદથી કરોડો રૂપિયાનું કાપડ ઉધાર ખરીદી લઈ પેઢીનું ઉઠમણું કરી દેતા હોય છે. એને કારણે નિર્દોષ વેપારીઓનો ધંધો બંધ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે.
શહેર બહારના શહેરોના વેપારીઓને ઉધાર માલ આપ્યા બાદ તેનું પેમેન્ટ કઢાવતા વ્યાપારીઓને આંખે પાણી આવી જતા હોય છે. જોકે મહાજન આવી પરિસ્થિતિમાં વેપારીઓની સાથે રહે છે. હવે આ પ્રકારની તકરારોની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવતી હોય છે પરંતુ પોલીસ પાસે કામનું ભારણ હોવાથી વેપારીઓની ફરિયાદોનો નિકાલ આવતો નથી.
જો તંત્ર દ્વારા કાપડના વેપારીઓ માટે જ એક અલગ સેલની રચના કરવામાં આવે અને આવી તમામ ફરિયાદો ત્યાં જ થાય અને સેલ માટે ફાળવવામાં આવેલા અધિકારીઓએ તેની તપાસ કરે તો વેપારીઓ સાથે થતા ચીટીંગ ની ઝડપી તપાસ થાય અને વેપારીઓને ન્યાય મળે.
જેના માટે કાપડના વેપારીઓ એ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે. ગૌરાંગભાઈ ભગતના જણાવ્યા મુજબ વેપારીઓની રજૂઆત સાંભળી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ય આ મુદ્દે તાકીદે યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી.