“૭૨ વરસથી રોડ ઉપર ખાડા. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

“૭૨ વરસથી રોડ ઉપર ખાડા પડવાના મુખ્ય કારણો”
આમ તો પહેલી નજરે આપણને ખાડા પડવાનું મુખ્ય કારણ વરસાદ જ લાગે.. પણ એવુ નથી…જાણીએ ખાડા પડવાના મુખ્ય મુખ્ય કારણો…
૧.નેતાજી સામે ભલે એ રાજી થતી હોય. પણ પીઠ પાછળ તો એમના કહેવાતા પુરૂષાતન પર એ હસતી જ હતી.. આપણે સામાન્ય માણસ શ્વાસ રોકી શકે એટલુ પણ નેતાજી રોકાતા નહોતા.. પછી જાણે મહાન પરિશ્રમ કર્યો હોય એમ આખી રાત નસકોરા બોલાવતા.. અને પેલી પડખું ફેરવીને પૈસા ગણતી આખીએ રાત…. સવારે ગ્રાન્ટલેટર પર સહી જતી. અને રોડ ઉપર નેતાજીની ભૂખ જેટલો પહેલો ખાડો પડતો…
૨.”પપ્પા પેલી કારનું શુ થયું? તમને ખબર છે ને…? વિદેશથી કાર આયાત કરવામા કેટલી બધી ઔપચારિકતા હોય છે?”
“હા ભાઈ હા..” કહી પપ્પાએ પેન હાથમા લીધી
અને યાંત્રિક મંજૂરીના કાગળ પર સહી થઈ ગઈ. અને આપણા રોડ ઉપર કાર ઉતરી જાય એવો મોટો ખાડો થઈ ગયો..
૩.”હેપ્પી બર્થડે બેટા… “કહીને પોતાના વ્હાલ સોયા દિકરાને જગાડી પ્રેમાળ પિતાએ એના હાથમાં બાઈકની ચાવી આપી દીધી…
” વ્આઉ… સરપ્રાઇઝ.. ક્યુ છે…?”
“ઓફકોર્સ.. હાર્લી ડેવિડ હોય ને.. દિકરા..
” થેકયું ડેડી.. કહીને દિકરો પોતાનુ મોઘું બાઇક જોવા બહાર ધસી ગયો.. અને હા આપણા રોડ ઉપર બાઈકબુડ ખાડો પડી ગયો…અને તાંત્રિક મંજુરી પણ મળી ગઈ.
૪.”એક કામ કરો સાહેબ.. આ વખતે ફેમિલી સાથે થાઇલેન્ડ જતા આવો.. પછી યુરોપ ટૂરનૂ પ્લાનિંગ નેક્સ્ટ ટાઈમ કરીશુ. આ વખતે માર્જીન થોડુ ટાઈટ છે..”
” શુ મજાક કરો છો.. ફેમિલી લઈને કોણ થાઈલેન્ડ જાય.. પછી ત્યાં શુ જોવાનું?” કહીને અધિકારી એક ગંદી ગાળો બોલ્યા.
” ઓકે સાહેબ! મિત્રો સાથે જજો. બધી વ્યવસ્થા થઈ જશે.. પણ આ એસ્ટીમેટ લેટર ઉપર સહી કરતા જજો..
અને સહી થતાંની સાથે જ એસ્ટીમેટ લેટર રોડ ઉપર એક મોટું ગાબડું પાડતો ગયો….
૫. “હુ…કયાં પૈસાને હાથ અડાડું છુ…” અતિધાર્મિક એવા ઓફિસરે ભગવાનની આગળ દિવાબત્તી કરતા કહ્યુ… “એક કામ કરો કવર આ સોફા પાસે જ મુકી દો…” અગરબત્તીને જમણા હાથે પકડીને ડાબા હાથે મટીરીયલ રિપોર્ટ ઉપર અધિકારીએ સહી કરી દીધી.. અને રોડ ઉપર આપણી શ્રધ્ધા મુજબનો એક વધારે ખાડો પડી ગયો..
૬.” અરે યાર! ધર જર્જરીત થઈ ગયુ છે.. સાલુ રિનોવેશન કરાવવું છે. પણ કાંઈ મેળ જ નથી પડતો..”
” સર..! એતો થઈ જશે.. પણ પ્રધાનમંત્રી સડક યોજના વખતે આપણે ઘર રિનોવેટ નહોતુ કર્યુ?”
“હા પણ, એતો ગામડાંનું ઘર હતુ.. આતો….”
“ઓકે.. ઓક.. નો પ્રોબ્લેમ સર.. થઈ જશે..
અને ખર્ચ ના વાઉચર ઉપર સહી થઈ ગઈ..ને એક ખાડો બીજો થયો…
૭.”અમારા એ તો ભ’ઈ સાબ બવ ઢિલા.. એથિકનુ પૂંછડુ પકડી રાખે તે છોડે જ નહિ… કુલ ખરચના ખાલી દશ ટકા…? આવુ તે કેવી રીતે ચાલે…હું તો ભ’ઈસાબ એમની પ્રામાણિકતાથી બવ કંટાળી ગઈ છુ?”
“ના જ ચાલે ને… અમારા એ તો આવુ સ્હેજ પણ ના ચલાવે… એવુ હોય તો પાંચ પચ્ચી હજાર અંબાજીમાના મંદિરે મુકી આવે.. પણ કોન્ટ્રાક્ટરની હરામખોરી ના ચલાવી લે… સિધ્ધાંત એટલે સિધ્ધાંત..”
અને આ બે ભોળી ઓરતો વાતચીત પૂર્ણ કરે ત્યાં સુધીમા તો યુટિલિટી સર્ટિ અને કમ્પલીશન સર્ટી ઉપર સહી થઈ ચૂકી હતી..અને આપણે ડુબી જઈએ એટલા બે મોટા ગાબડા પડી ચુક્યા હતા..
૮.પપ્પા આ વખતે તો મારે પેલા ઐશ્વર્યારાય પહેરે છે એવો ડાયમંડ નેકલેસ જોઈએ જ.. નવી આવેલી પુત્રવધુએ સસરાને લાડ કરતા કહ્યું.. પુત્રવધુએ દિકરી સમાન માનતા કોન્ટ્રેક્ટાકટરે કહયુ
“મળી જશે… પછી… ખુશ?”
થેકયું ડેડી… વહાલસોઈ પુત્રવધુ હસી. એના સુંદર ગાલમા પડેલા ખાડા જોઈ કોન્ટ્રેક્ટાકટર ખડખડાટ હસી પડ્યો….
૯..જુઓ..ક્વોલિટી મેઈન્ટેઈન કરવી હશે તો લેબર ચાર્જ ઘટાડો પડશે.. મજૂરીનો નવો ભાવ સાંભળી શ્રમજીવીના પેટના ખાડા વધારે ઉંડા થયા…આપણા રોડ ઉપર જે નાના નાના ખાડા પડ્યા છે. એ એમના પેટના ખાડા છે
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા