કોરોના મહામારી સંદર્ભે ▪પેન્શન મેળવતા પેન્શનરો/કુટુંબ પેન્શનરોને વાર્ષિક હયાતીની ખરાઇ મુદ્દત બે માસ વધારાઇ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં પેન્શન મેળવતા પેન્શનરો/ કુટુંબ પેન્શનરો એ વાર્ષિક હયાતીની ખરાઇ કરવાની હોય છે. જેના માટે પેન્શનરોએ બેંક અથવા ટ્રેઝરીમાં રૂબરૂ જવાનું હોય છે. પેન્શનરો તરફ થી નાણા વિભાગ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી કે કોરોનાની આ મહામારી દરમ્યાન વૃધ્ધ-ઉંમર લાયક પેન્શનરોને બેંક અથવા ટ્રેઝરીમાં જવાનું યોગ્ય નથી. આથી ખરાઇ કરવાની મુદત વધારવી જોઇએ. જે ધ્યાને રાખી નાણા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા તેમા બે માસની મુદતનો વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે ઓટક્ટોબર-૨૦૨૦ સુધી પેન્શનરો/ કુટુંબ પેન્શનરો પોતાના હયાતીની ખરાઇ સબંધિત બેંકમાં અથવા જિલ્લા તિજોરી કચેરી અથવા પેન્શન ચુકવણા કચેરીઓમાં રૂબરૂ જઇ કરાવી શકશે. ઉપરાંત પેન્શનરો/કુટુંબ પેન્શનરો Jeevan Pramaan Portal (www.jeevanpramaan.gov.in) પર ઓનલાઇન હયાતીની ખરાઇ કરાવી શકે છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, અગાઉ પ્રવર્તમાન કોરોના મહામારીને ધ્યાને લઇ વાર્ષિક હયાતીની ખરાઇ કરવા માટે નો સમયગાળો ૩૧ ઓગષ્ટ-૨૦૨૦ સુધી લંબાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે નિયમોનુસાર પેન્શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ જે-તે વર્ષના જુન માસના અંત સુધીમાં કરાવી લેવાનું હોય છે. પરંતુ પેન્શનરો દ્વારા મળેલ રજુઆતો તેમજ પ્રવર્તમાન કોવિડ ની પરીસ્થિતિને ધ્યાને લઇ ને પેન્શનરોના હિતમાં આ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં હાલ ૪.૯૧ લાખ થી વધુ પેન્શનરો/ કુટુંબ પેન્શનરોને સમયસર ઇ-પેમેન્ટ દ્વારા દર મહિને રૂ.૧૪૦૦ કરોડ નું પેન્શન સીધુ તેમના ખાતામાં દર માસે જમા કરવામાં આવે છે.

આમ, જેમની હયાતીની ખરાઇ કરવાની બાકી છે તેવા બધાજ પેન્શનરોને આ વધારેલી મુદત દરમ્યાન એટલે કે તા.૩૧.૧૦.૨૦૨૦ સુધીમાં હયાતીની ખરાઇ સત્વરે કરાવી લેવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.
*****************