૭૪ માં સ્વાતંત્ર્યદિન પ્રસંગે વિદ્યાર્થીઓને ગાંધીજીની આત્મકથા અપાશે.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા એચ.એ.ગાંધીઅન સોસાયટી ચાલે છે. દેશના ૭૪માં આઝાદ દિન નિમિત્તે કોલેજનાં ૨૦૦ ગાંધીઅન સૈનિકોને ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” આપવામાં આવશે. ૨જી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે Essay competition નું આયોજન કરવામાં આવ્યું છે. કોલેજના વિદ્યાર્થીઓ ગાંધીજીની આત્મકથા વાંચીને પોતાના વિચારો રજૂ કરશે. ૭૪માં આઝાદ દિન પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કોલેજનાં વિદ્યાર્થીઓને ઓનલાઈન સંબોધન કર્યું હતું. પ્રિ.સંજય વકીલે દેશને આઝાદી આપવામાં જે સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો હતો તેની વાત કરી હતી. લોકશાહી, સમાજવાદ તથા બીનસાંપ્રદાયિકતાને વરેલું આપણું ભારતીય બંધારણ વિશ્વમાં શ્રેષ્ઠ બંધારણ છે. જેવી રીતે જીવન જીવવા માટે શ્વાસોશ્વાસની જરૂર પડે છે તેવી રીતે દેશની પ્રગતિ તથા તરક્કી માટે આઝાદીની જરૂર છે. તેની સાથે કોઈ સમાધાન થઇ શકે નહિ. ભારતની ૧૩૦ કરોડની જનતા આઝાદીથી જીવી શકે છે તેનો શ્રેય આપણા ભારતીય બંધારણને જાય છે. પ્રિ. સંજય વકીલે કહ્યું હતુ કે સ્કૂલો તથા કોલેજોમાં વિદ્યાર્થીઓને સ્વતંત્રતા ચળવળ, ભારતનો ઇતિહાસ તથા સંસ્કૃતી વિશે જાણકારી આપવી જોઈએ. ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” ની ૨૦૦ પુસ્તકો તરલ બકેરી તરફથી આપવામાં આવી છે.