તે ઉંમરમાં મારાથી પાંચ વર્ષ મોટો. આ નાની બેનીનું પારણું ઝુલાવતો એનો એ જ નાનકડો હાથ જ્યારે મમ્મી પપ્પા બહાર ગયા હોય ત્યારે મારી પાસે સરકી મારા બંને ગાલ તેના ટચુકડા બે હાથ વચ્ચે પકડી લઈ મને કાલીઘેલી બોલીમાં ડોકું હલાવી કહેતો, “માલી નાની બેની તું ડલ નૈ, હું તાલી પાછે છું હં.” અને હું તેનો હાથ પકડી નિરાંતે ઊંઘી જતી. ઘુઘરીયાળો બાવો મને ઉપાડી જશે તો? એવી મારી ભોળી નિર્દોષ સવાલો કરતી આંખોને તે કહેતો, “ડર નહિ હું છું ને.”
પહેલી વાર નિશાળે જતાં અજાણી જગ્યાએ નવા નવા લોકો વચ્ચે જવાનો ડર ગાયબ હતો કેમકે તે મારી સાથે હતો. ટ્રાફિકથી ભરેલો રસ્તો ક્રોસ કરતી વખતે મારો હાથ આપોઆપ તેના હાથમાં પકડાઈ જતો. હા ત્યારેય તે હતો. મારી બાજુમાં જ.
હોમવર્ક કેમ થશે તેની ચિંતા નહોતી અને ગણિતના અઘરા દાખલા સહેલા લાગતા કારણકે તે હતો મારા સ્ટડી ટેબલ પર પણ. મમ્મી કે પપ્પા વઢે ત્યારે તે ક્યાંકથી ચોકલેટ લાવી આપતો અને દોડતાં પડી જવાથી જ્યારે ઘુંટણ છોલાય ત્યારે હાથ આપી, ‘કમઓન’ બોલી આંસુ લુછવા રુમાલ નજર સમક્ષ ધરી દેતો. મારી ડગમગ દોડતી શિખાઉ સાઇકલ પાછળ થાક્યા વગર તેના બે લાંબા પગ દોડતા. ક્યાંક હું પડી જઊં તો? અને સામી આવતી ગાયને જોઈ પડું પડું થતી સાઇકલની ઘંટડીમાં એનો રણકો સંભળાતો, “ડર નહિ, હું છું ને.”
દરિયા કિનારા પરથી વીણી લાવીને સંતાડી રાખેલા મારા અણમોલ છીપલાંમાંથી ચાર પાંચ ગુમ થઈ જતા અને મને ગમતું સેન્ટેડ રબર તેના કંપાસમાં પગ કરી જતું કેમકે તે હતો. સદાય મારી આસપાસ. ‘ઊપર જો ચકલી’ ચમકીને હું ફરી મારી ભોંઠી પડેલી નજર નીચે નાખું તે પહેલા મારી પ્લેટમાંની પાણીપૂરી તેના ગળા નીચે ઉતારાઈ જતી અને મંમી આગળ મેં ક્લાસ બંક કરી પિક્ચર જોયાની ચાડી પણ ક્યારેક ખવાઈ જતી. ત્યાર પછી હસતા મોઢે ખવાતી ગાળો. વળી કાન પકડીને સાવ ખોટેખોટું કહેવું, “સોરી.”
નવરાત્રિના ગરબા વખતે હમેશાં એક પડછાયો મારી પછવાડે રહેતો. એ બે આંખો મને બીજી કેટલીયે નજરોથી બચાવતી. મહા મહેનતે વાળેલી અંબોડી તે ખેંચતો પછી મારા જ ચાળા… હું રીસાઈ જતી, “જા કીટ્ટા…” ધુળેટી રમતા વખતે મને આખી રંગી નાખેલી અને મારો સરસ ડ્રેસ બગાડી, મારા દુપટ્ટાથી પોતાનું કાબરચીતરું મોઢું લુછ્યું. હું ખૂબ ઝઘડેલી અને પછી જ્યારે તેને પહેલો પગાર મળ્યો ત્યારે પોતાના માટે કશું જ ન લીધું અને મારા હાથમાં મોંઘા મજાના સલવાર કમીઝનું પેકેટ પકડાવતો બોલેલો, “લે તારા માટે.” દીવાળીના ફટાકડા ફોડતા હું ઘભરાઈને તેને મારા ભાગના ફટાકડા આપી દેતાં કહેતી, “લે તારા માટે.”
મોડી રાત્રે મને લેવા આવવા માટે તેનું ટુ-વ્હીલર તૈયાર રહેતું. “હજુ તું જાગે છે?” હું પુછું ત્યારે “આજે કોફી ચઢાવી દીધી તારા ખાતે બેની.” કહેતા એ મલકતા હોઠ સાથે તેના પહોળા ખભા પકડી હું નિશ્ચિંત બની તેની પાછળ બેસી જતી.
સિનેમાના અંધારિયા હોલમાં હોરર મુવી જોતી વખતે મારા મોઢેથી તીણી ચીસ નીકળે તે પહેલાં મારી હથેળી તેના સ્નેહાળ હાથમાં સમાઈ જતી અને મને કહેતી, “ડર નહિ. હું છું ને.” ચસચસ ચૂસાતો રસપ્રચૂર બરફ ગોળો પાતળી સ્ટીકમાંથી અધવચ્ચે જમીન પર પછડાટ ખાઈ રેલાઈ જઈ મરણ પામે ત્યારે આડું જોઈ તેનું ખીખીખી… કરી ગંભીર મુખમુદ્રા ધારણ કરી મારા અસહાય ચહેરાને મનભર નીરખવું મને સમજાવી દેતું કે તે છે. બરફની માફક મારી કેટલીયે અકળામણો તે ઓગાળી દેતો. મને ન ભાવતું ભીંડાનું શાક મારી થાળીમાંથી ગુપચુપ સેરવી લેવાતું; મમ્મીને ખબર ન પડે તેમ અને મને ‘ડાહી દીકરી’નો શિરપાવ મળતો, તેની નીચી ઢળેલી નજર સામે.
પછી તો ટુ-વ્હીલરની આગલી સીટ પર બેસતો ચાલક બદલાયો. હું મનોમન મુંઝાતી હતી ત્યારે મારું મન વાંચી લેતી તેની આંખોએ સધિયારો આપતા કહ્યું, “ડર નહિ, હું છું ને, પપ્પાને વાત કરીશ.” મારો મહેંદી રચેલો હાથ કોઈકને સોંપતી વખતે, લગ્ન-વેદીમાં જવ-તલ હોમતી તેની આંખોમાંના આંસુએ મને કહ્યું, “અરે! આ તો ધુમાડાને લીધે..” અને પારકા ઘરે જતી મારી જાતને મેં કહ્યું, “ગભરાઈશ નહિ, એ છે ને.”
રાખડી બાંધી જ્યારે પસલી લેવા હાથ લંબાવું ત્યારે કહે, “શું જોઈએ છે મારી ઢીંગલીને?” અને હું કહેતી, “હેઈ બ્રો તું છે ને પછી બીજું શું જોઈએ?”
હવે આજે…? આજે એ નથી. “હું છું ને” એવું તે સદાય કહેતો હતો. મારી સાથે અંચાઈ કેમ કરી? તેની હૂંફમાં બચપણ વીતાવી, સાથે મોટી થઈ. રમી, લડી, ઝઘડી, લાડ કર્યાં પરંતુ તેને ક્યારેય ન કહી શકી, “હું છું ને.” એ જાણે હવામાં ઓગળી ગયો. મને, અમને સૌને મુકીને. એ હતો? કે નહોતો? શું આટલું સહેલું છે ‘છું’ માંથી ‘નથી’ થઈ જવું? બુચ્ચામાંથી કીટ્ટા કરી દેવું?
“હેઈ બ્રો, વ્હેર આર યુ? હું તારી સાથે કિટ્ટા નથી અને નથી રમવી મારે સંતાકૂકડી. ચાલ બહાર નીકળ. તારો થપ્પો નહીં કરું બસ! આમ રિસાઈ ન જા બ્રો. આવ, મને તારા વગરની આ દુનિયાનો ડર લાગે છે.
લુચ્ચો! હાર ચઢાવેલા ફોટામાંના હસતા ચહેરા પાછળથી તે હવે બોલતો નથી કે, “હું છું ને!” મને એવું સમજાવનાર પોતે કેવો અણસમજુ નીકળ્યો.
હેઈ બ્રો…પણ… પણ મારો અવાજ તેના સુધી કેમ નથી પહોંચતો? પહોંચાડવો જ પડશે.
મેં રાખડીની થાળી તૈયાર કરી. ઘરે પહોંચી. ભાભીના બંગડીવિહિન સૂના અડવા હાથ પર રાખડી બાંધી. તેમના કોરા નિસ્તેજ કપાળે કંકુ-ચોખા ચોડ્યા. મારા બ્રોની ‘અર્ધાંગના’ ભાભીના મોઢામાં મીઠાઈનું બટકું મુકી કહ્યું, “ડર નહિ. હું છું ને! લાવો મને આપો મારી પસલી.”
સામે મુકેલો ફોટો અમને ભેટી પડતા જોઈ હસતો હસતો કહી રહ્યો હતો, “રેશમ-સુતરના નાજુક તાંતણા સાવ કાચા નથી હોતા.” મેં અનુભવ્યું તે ત્યાં હતો અને કાયમ રહેશે અમારા હ્રદયમાં. આંખમાં ધસી આવેલા આંસુ બોલ્યા, “અરે! આ તો પ્રગટાવેલા દીવામાંથી નીકળતા ધુમાડાને લીધે…”
*—સુષમા શેઠ.*