રાત્રીના અંધકારને ચીરતી એક ટ્રેઇન.

રાત્રીના અંધકારને ચીરતી એક ટ્રેઇન સડસડાટ પસાર થઇ રહી હતી. બધા મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે એક મુસાફરે સાવ અચાનક ચાલતી ગાડીને ઉભી રાખવા માટે ચેઇન ખેંચી. ગાડી ઉભી રહી ગઇ. રેલ્વેકર્મચારીઓ જે ડબ્બામાંથી ચેઇન ખેંચવામાં આવી હતી તે ડબ્બામાં પહોંચ્યા. એક સામાન્ય પહેરવેશ પહેરેલા માણસે ચેઇન ખેંચી હતી.

રેલ્વે કર્મચારીઓએ આ માણસને ચેઇન ખેંચવાનું કારણ પુછ્યુ. એ માણસે કહ્યુ, “ અહીંયાથી થોડુ આગળ જતા રેલ્વેના પાટાઓ તુટેલા છે એટલે બહુ મોટો અકસ્માત નિવારવા માટે મે ચેઇને ખેંચી છે.” જવાબ સાંભળીને રેલ્વેકર્મચારી સહીત ડબ્બામાં બેઠેલા તમામ લોકોને આ માણની મૂર્ખામી પર હસવું આવ્યુ. આવી કાળીડીબાંગ રાત્રીમાં આ માણસને તુટેલા પાટા ક્યાંથી દેખાયા ? લોકોને લાગ્યુ કે આ કોઇ પાગલ માણસ છે.

રેલ્વેના જવાબદાર અધિકારીએ પુછ્યુ, “ તમે કેવી રીતે કહો છો કે આગળ પાટા તુટેલા છે ? “ પેલા માણસે જવાબ આપતા કહ્યુ, “ હું વ્યવસાયે ઇજનેર છું ગાડીના વ્હીલના પાટા સાથેના ઘર્ષણને કારણે જે અવાજ થાય છે એ અવાજના આધારે હું કહું છું કે આગળ પાટા તુટી ગયેલા છે.” રેલ્વે અધિકારીએ એક કર્મચારીને તપાસ કરવા માટે ટોર્ચ લઇને આગળ મોકલ્યો.

થોડીવારમાં પેલો કર્મચારી તપાસ કરીને આવ્યો એણે રેલ્વે અધિકારીને રીપોર્ટ આપ્યો કે ખરેખર અહીંથી થોડે દુર પાટા તુટેલા જ છે. માત્ર અવાજ ઉપરથી પાટા તુટેલા છે એવુ કહેનાર આ ઇજનેર એટલે ભારતરત્ન એવોર્ડથી સન્માનિત થયેલા વિશ્વના શ્રેષ્ઠ ઇજનેર એમ. વિશ્વેશ્વરૈયા.

જે ક્ષેત્રમાં પડીએ એ ક્ષેત્રને આપણી જાત સમર્પિત કરીને એમાં ઓતપ્રોત થઇ જઇએ તો આપણે દરેક પણ એમ.વિશ્વેશ્વરૈયા જ છીએ.