હવે ‘યુ’ ટર્નની જગ્યા નહિ : એક તરફ કાનૂની ભીસ, બીજી તરફ ચૂંટણીના વર્ષમાં રાજકીય મુદ્દો બનવાની ભીતિ : પોલીસ કાયદાનો અમલ કરાવે પણ તૂટી ન પડે તેવા સંકેત : વિધિવત પરિપત્ર બહાર પડવા અંગે દ્વિધા યથાવત
ભારત સરકારના નિયમ મુજબ ગુજરાતમાં ટુ વ્હીલર્સ વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત કર્યા બાદ સરકારે મરજીયાતની જાહેરાત કરેલ પરંતુ ગઈકાલે સરકારના અધિકારીએ ગુજરાતમાં હેલ્મેટ ફરજીયાત જ હોવાનું સોગંદનામુ કરતા હવે ફરી ગુજરાતના લોકોએ હેલ્મેટ પહેરવી પડે તેવા સંજોગો નિર્માણ થયા છે. સત્તાવાર રીતે અત્યારે હેલ્મેટનો કાયદો અમલમાં જ ગણાય તેમ સરકારી સૂત્રો જણાવે છે. હેલ્મેટના મુદ્દે એકથી વધુ વખત યુ-ટર્ન લગાવી ચુકેલી રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામા પછી હેલ્મેટના અમલ બાબતે કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી. હેલ્મેટના મુદ્દામા સરકારનું માથુ સલવાઈ જતા હવે કોઈ વ્યવહારૂ રસ્તો કાઢવાની મથામણ હોવાનું જાણવા મળે છે. સરકાર પાસે ફરજીયાત હેલ્મેટ સિવાય કોઈ વિકલ્પ નથી તેથી હવે કાળજીપૂર્વક હેલ્મેટનો અમલ કરાવવા માગે છે.
ગયા નવેમ્બર-ડીસેમ્બરમાં સરકારે હેલ્મેટ ફરજીયાત કર્યા બાદ રાજકોટ-અમદાવાદ જેવા કેટલાક શહેરોમાં પોલીસે આકરી ઝુંબેશ ઉપાડી ધડાધડ દંડ ફટકારવાનું શરૂ કરેલ તેથી લોકોમાં હોબાળો મચી ગયેલ. સરકારે ૪ ડીસેમ્બરથી હેલ્મેટ મરજીયાતની જાહેરાત કરેલ. આ મામલે કોઈ નાગરિકે હાઈકોર્ટમાં રીટ કરતા સરકારે પોતાની જ જાહેરાતમાં ફેરવી તોળવું પડેલ. હેલ્મેટ મરજીયાત ન હોવાના મતલબનું સોગંદનામુ કર્યુ છે.