‘વડીલોની કલમે….સંગાથે’ આજની વાર્તા…. *’સાંધી દઉં કેચોંટાડું?’* *-શ્રીમતી સુષ્મા કે શેઠ*

શહેરની મધ્યમાં ભરચક વિસ્તારના એક બહુમાળી મકાનના પાંચમા મજલે, મારું ઘર. આજુબાજુ બેન્ક, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, થિયેટર, શોપિંગ-મોલ, ઓફિસો અને રહેણાંક વિસ્તાર. અમારા ફલેટની અટારીએ, હાંફતા દોડતા રસ્તાપરના વાહનોની ઘરઘરાટી અનુભવતી હું ઉભેલી, ત્યારે મારી નજર બરોબર સામેના બસ-સ્ટોપની બાજુમાં પથારો પાથરીને નાનકડી હાટડી માંડીને બેઠેલા આધેડ વયના મોચી પર પડી.

હમણાં કેટલાક સમયથી દરરોજ સવારે નવથી તે સાંજે સાત સુધી મોચી ત્યાં બેસતો. પથ્થરની પાટો ગોઠવી તેણે, પોતાની બેઠક બનાવેલી. આસપાસ લાકડાનાં ખોખાં ઊંધા ગોઠવી તેનો સરંજામ પાથરેલો અને પ્લાસ્ટિકના મોટા કોથળાઓમાં જૂતાં-ચપ્પલ, ચામડું, વગેરે મૂકેલાં. કામચલાઉ હરતી-ફરતી દુકાન જાણે! જોકે તે, ચાર બાય ચારની જગ્યામાં, પગરખાના તળિયા, સોય- દોરા, બૂટ-પોલીશની ડ્બ્બીઓ, બ્રશ, ખીલ્લીઓ રાખવાનો ડબ્બો, હથોડી, પક્કડ, પગરખાંની એડીઓ, ચામડું ચોંટાડવાનું ગુંદર, સોલ્યૂશનની ટયુબો, બૂટ બેસાડવાનો લોખંડનો નાનકડો ટેકણ સ્તંભ, લાકડાનું ઊંધુ પડેલું ખોખાનું સ્ટેન્ડ, પાણી ભરેલું પતરાંનું ટીન, બૂટની નાની-મોટી લેસ, એવું કેટલુંય વેરવિખેર પથરાઈ જતું.
તેને કધોણું, કાણાં પડેલું ફાટેલું ગંજી અને તેવી જ લુંગી પહેરેલી જોતાં મારું નાકનું ટેરવું ચઢી જતું. અસ્તવ્યસ્ત ધોળા વાળ અને વધી ગયેલી દાઢી-મૂછ તેના સદાય હસતા ચહેરાને પીઢ બનાવતા. નવરાશની પળોમાં બીડી ફૂંકતો એ મોચી, કૈંક ગીત ગણગણતો હોય તેમ તેના હોઠ ફફડતા.
વસ્તીથી ધમધમતા આ વિસ્તારમાં, અડ્ડો જમાવી બેઠેલા, ગોપાલમોચીને ઘરાકો તો પુરતા મળી જ રહે. વળી ચોફેર બે કિલોમીટર દૂર સુધી બીજો કોઈ મોચી શોધ્યો ન જડે.
તેનો આવવાનો સમય, તે જ મારો કોલેજ જવા માટેની બસ પકડવાનો સમય. હું બસ-સ્ટોપપર બસની રાહ જોતી ઉભી હોઉં ત્યારે તે તેનો સરસામાન ગોઠવતો હોય. તેની તરફ દુર્લક્ષ સેવ્યા છતાં, સ્વાભાવિક એ તરફ નજર જાય અને અમારી ઔપચારિક મંદ સ્મિતની આપ-લે થાય. પછી તો રોજની ઓળખાણ થતાં, ઇશારાથી ‘કેમ છો?’ પૂછતો તેનો હાથ હલે અને હુંય હાથ હલાવી ‘હાય’ કરું. દરરોજના આવા ઉભડક સબંધ સિવાય, મને તેના પ્રત્યે કોઈ જ લાગણી કે આકર્ષણ નહતાં.
પણ, એક દિવસ મને, તેમની જરૂર પડી. ઉતાવળે રસ્તો ક્રોસ કરવા જતાં, સેન્ડલની પટ્ટી તૂટીને લબડી પડી અને હું ગોપાલમોચીની સમક્ષ ઉભી રહી ગઈ. હસતા-હસતા તેમણે ચંપલ હાથમાં લઈ નિરીક્ષણ કરતાં પુછ્યું, “સાંધી દઉં કે ચોંટાડી દઉં?” મારા નવા પ્રિય સેન્ડલ સોંપતાં, મેં કહ્યું, ” પટ્ટી મજબૂત રહે તેવું કરી આપો.”
” નવા જ લીધેલા લાગે છે નહીં?”
“હા કાકા, તમારું નામ ગોપાલભાઈ. ખરુંને?”
” હા બેટા. આ આજકાલના ફેન્સી, ફેશનેબલ જૂતા-ચંપલ દેખાવમાં સારા બાકી ઝાઝા ટકે નહીં. તમારાં નવજુવાનીયાઓના ફેન્સી સબંધો જેવા. અમારા જમાનામાં દેખાવ નહીં, ટકાઉપણું અને મજબૂતાઈ જોતા.”
“કેટલા થયા?” મને તેમની વાતો સાંભળવામાં ખાસ રસ નહતો.
“પાંચ રુપિયા.” કહી તેમણે સેન્ડલની પટ્ટીની મજબૂતાઈ ચકાસી લીધી. હું, મારી બસ આવતાં, તેમાં ચઢી ગઈ. આખો દિવસ મને એક વિચાર પજવતો રહ્યો કે, આમ રોજના માંડ પચાસ-સો રૂપિયામાં આ ગોપાલમોચીનું ઘર શી રીતે ચાલતું હશે? તેને ઘેર કોણ કોણ હશે?
“ક્યાં રહો છો કાકા?” બીજે દિવસે હું પૃચ્છા કર્યા વિના ન રહી શકી. “આ નજીકના પાદરા ગામેથી આવું છું.” જવાબ વાળતા તેઓ હસી પડ્યા. બીજા ઉભેલા ગ્રાહકના બૂટને પોલીશ કરતા કહે, “જૂતા ચમકે, તેની કિસ્મત ચમકે. ખબર છે? તમને કોઈ મળે ત્યારે તેની નજર તમારા જૂતા-ચંપલપર જરુર જાય. વાર-તહેવારે પગરખાંની ધૂળ ખંખેરી, તેને પાલીસ કરી ચમકાવવા પડે, ડાઘાં સાફ કરવા પડે, આપણા નવા-જુના સબંધોની જેમ જ.”
અને મોચીકાકા પ્રભુ-ભજન લલકારવા માંડ્યા, “સોંપી મેં તો તારા ચરણમાં, થવાની હોય તે થાય…વહાલા …”
પછી તો દરરોજ વાતો થતી. મેં જાણ્યું કે ગોપાલમોચીના પિતા ગામમાં ચમાર હતા. પાંચ બાળકોના ગરીબ પરિવારમાં પંદર વર્ષનો ગોપાલ સૌથી મોટો. પિતાના મૃત્યુ બાદ માથે કમાવવાની જવાબદારી આવી પડી. એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત. ભણતર નામે મીંડું. જાતજાતની નોકરી કરી પરંતુ છેવટે મોચીકામ હાથમાં લીધું.
” ગમે તેમ તોય આ મારો પોતીકો ધંધો. બહુ ન કમાઊં, પણ હું મારા મનનો માલિક. મારી રીતે, મરજી મુજબ કામ કરું.” પોતે જાણે કોઈ તખ્તપર બિરાજમાન રાજા. આજુબાજુ પથરાયેલો તેનો શસ્ત્ર -સરંજામ. રાજાશાહી અંદાજમાં તે બોલ્યા.
બીડી સળગાવી એક કશ લેતાં, બે હોઠ વચ્ચેથી ધુમ્ર્સેર છોડતાં હસ્યા. તેમની આંખો જાણે કહેતી હોય, “હર ફિક્રકો ઘુંએમેં ઉડાતા ચલા ગયા.”
એક દિવસ મન ખૂબ ઉદાસ હતું. ઘરે પપ્પા સાથે, રાત્રે મિત્રો જોડે બહાર ફરવા જવાની મનાઈ ફરમાવાઈ, એ બાબતે ઝગડો થયેલો. વળી અભ્યાસના મોટા થોથાઓ વાંચવાનું ટેંશન. તેમાં મંમીની જમાડવાની કચકચ.
બસ-સ્ટોપપર મને મૂંગીમંતર ઉભેલી જોઈ, મોચીકાકા હસ્યા. ઇશારાથી પૂછ્યું, “શું થયું?”
મારી આખોમાં આંસુ ઉભરાઈ આવ્યાં. “કંટાળી ગઈ છું. કયાંક ભાગી જવાનું મન થાય છે.” હું રડમસ થતી બોલી.
“બસ? આટલી અમસ્તી વાત? થાકી ગઈ?”
“તો શું કરું?”
“બેટા, હું ભણેલો નથી પણ ગણેલો જરૂર છું. જીવનમાં સબંધો કાપી નાખવાં સહેલાં છે, પણ જાળવવા અઘરાં. આ ચંપલની પટ્ટીઓની જેમ. જૂતા-ચંપલ નવા હોય ત્યારે ડંખેય ખરા પણ ટેવ પડતાં ફાવી જાય, તેને ફેંકી ન દેવાય. વળી તૂટે ત્યારે સાંધવા અથવા જોડવા પડે. જેમ જેમ જુના થતાં જાય તેમ તેમ વધુ ફાવતા જાય, વધુ સાચવવાય પડે. માણસના સબંધોનું પણ એવું જ છેને?”
” મા-બાપનો ‘ગુણધર્મ’ છે, સંતાનની ચિંતા કરવી. મારા ઘરે મારી ઘરડી માતા છે. હજુ આ ઉંમરેય મારી જમવાની, કામની ફિકર કરે. દરરોજ પુછે, “શું જમ્યો? બરાબર ખાધું?” પત્નીનું અવસાન થયા બાદ તે મને, ઘરને, અને મારા માનસિક વિકલાંગ પુત્રને સાચવે છે. મારા નાના ભાઈને સરકારી સહાય લઇ બહારગામ ભણવા મોકલ્યો છે અને એક બેન હજુ પરણાવવાની બાકી છે. શું તારું સંતાન તને પજવતું હોય તો તું તેને ત્યજી દે? માવતર તો જીવતર સાથે કદમ મિલાવી આગળ વધતા કુમળા પગનું રક્ષણ કરનાર, પગરખાની જોડના સોલ એટલે કે આધરસ્તંભ છે, બેટા.” તેઓ સહજતાથી બોલતા ગયા.
મોચીકાકાની વાત સાંભળી મને થયું, તેમના દુઃખ કે વ્યથા સામે મારું દુઃખ તો ચપટીકે નથી. અનેક વિચારોનું મનોમંથન થતું રહ્યું. મારો જીવન પ્રત્યેનો, સંબંધો બાબતનો અભિગમ બદલાઈ ગયો. સાંજે હું, હસતા મોઢે ઘરે પાછી ફરી. અમારા ઘરના સબંધોમાં સુમેળ સધાયો.
એવું જયારે મિત્ર તન્મય, મને પ્રેમ કર્યા છતાં બીજા સાથે પરણી ગયો ત્યારે થયું. મન ભાંગી પડેલું. ચેન નહતું પડતું. કહેવાય નહીં અને સહેવાય નહીં. આપઘાતના વિચારો આવતા. ત્યારે, હતાશ મનને મોચીકાકાની વાતો યાદ આવી. તેમણે કહ્યું , ” નકામા, બિન-જરુરી ચંપલ ફેંકી દેવા પડે, સડેલા સબંધ સાચવી ન રખાય. તારા પેલા તન્મયને માથે જૂતું ઠપકારી, પ્રેમથી ધોલાઈ કરવીતીને!” સાંભળતાં હું હસી પડેલી.
“સ્ત્રીને પગની જૂતી સમજનારને સમજાવવું પડે કે, ‘એ જૂતા વગર, તું ડગલા ભરી આગળ નહીં વધી શકે.’ જૂતા-ચંપલ જ તમને માર્ગમાં આવતા કાંટા, કંકરોથી રક્ષણ આપશે, બળબળતા તાપથી બચાવશે.” કોઈ નિસ્પૃહી મહાત્માની અદાથી તેઓ બોલ્યા.
“લડીલે બેટા, જિંદગી જીવી લે. ઉપરવાળાએ િન:શુલ્ક બક્ષેલી જનમથી મરણ સુધીની આ કઠીન સફર, મોજગઠરીયાનું ભાતું બાંધી, હિંમતભેર પસાર કરી દે. ઉઘાડા પગે, તૂટેલી ચંપલે કે પછી મજબૂત સાંધેલી ચંપલે ચાલવું તે દરેકે જાતે નક્કી કરવાનું છે. જીવન-પ્રવાસના માર્ગમાં ચાલતાં અનેક ખાડા, ઉબડ-ખાબડ, આડા-અવળા રસ્તા આવશે, ત્યારે સાચવી લેજે, ચંપલ તૂટવા ન દેતી.
‘પ્રેમના ટાંકા’ મારી, ‘લાગણીના ગુંદર’ વડે પટ્ટીઓ અને તળિયા ચોંટાડી, સાંધી, મજબૂત બનાવી દેજે. પગરખાંને માવજત લઈ કાળજીથી સાચવીએ તો લાંબા ટકે. મંજીલ મળશે. સંતુલન જાળવીને ચાલતા રહેવાનું નામ જ જીવન છે, વચ્ચે થાકીને હારી ન જતી. ઉદાસ થયા વગર તું, તારો ‘મોચી’ બન. અને હા, સબંધની પટ્ટીઓ ઢીલી થઈ, તૂટતી લાગે ત્યારે આ મોચીકાકાને જરુર યાદ કરજે.”
“જે ચંપલ નકામી થઈ ગઈ તે ફેંકી દે, બાકી કહે મને, તારી ગમતી ચંપલની પટ્ટી સાંધી દઉં? ચોંટાડી દઉં? કે ખીલીઓ મારી દઉં?”
” બસ. મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારે પગરખાં બહાર કાઢીને જજે. એને ત્યાં જૂતા-ચંપલની જરૂર નથી, ઉપરવાળા સાથે સબંધ ખુલ્લો, અતૂટ, કાયમી રાખવો,” કહી પેલું એમનું મનગમતું ભજન લલકાર્યું, ‘ સોંપી મેંતો તારા ચરણમાં, થવાની હોય તે થાય…” અને વાત પૂરી કરતાં એ જ નિખાલસ હાસ્ય વેર્યું .
પછી તો હું પરણી, સાસરે ગઈ. પતિ, સાસરિયા, બાળકો, મિત્રો, ઓફિસમાં બોસ, અડોશ- પડોશ, નજીકના, દૂરના કેટલાય સબંધોના તાણાવાણા ગુંથાયા.
મારા અભણ ગોપાલ મોચીકાકા, જીવનના સબંધોનું ગણિત શીખવાડી ગયા. જીવનમાં ખોટું લાગી જાય, અણબનાવ થાય, તેવા અણગમતા કેટલાય પ્રસંગો આવે. સબંધો તૂટવાની, બગડવાની અણીએ હોય ત્યારે તેમના શબ્દો યાદ આવતા. “સાંધી દઉં કે ચોંટાડી દઉં?” અને હું કહેતી, ” બસ મજબૂત રહે તેવું કરી આપો.”
અમુક વર્ષો પછી પિયર ગઈ ત્યારે ગોપાલ મોચીકાકા એ જ જગ્યાએ એવા જ દેખાયા. બે હથેળીનો ખોબો કરી, આંખો ઝીણી કરી બીડી સળગાવતા, ભજન લલકાર્યું , ” સોંપી મેં તો તારા ચરણમાં, થવાની હોય તે થાય…”
અને મેં તેમના ઉઘાડા પગ તરફ નજર કરતાં પુછયું, ” સાંધી દઉં કે ચોંટાડી દઉં?”
“તને મારી ગાંડી-ઘેલી વાતો યાદ છે?” કહેતાં, મારી ભેટ આપેલી નવા ચંપલની જોડ અને મિઠાઈનું પેકેટ સ્વીકારતી તેમની અનુભવી આંખો આનંદથી ચમકી. ફરી એ હાસ્ય અને…તેમના થેંક-યુનો પ્રત્યુત્તર વાળતાં, મારાથી છલકતી આંખે, બે હાથ જોડાઈ ગયા.

– શ્રીમતી સુષ્માબેન કે. શેઠ
(વડોદરા)
————–