નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો ચોપડવાવ ડેમ ચાલુ વર્ષે છલકાયો (ઓવરફલો) થયો.

ચોપડવાવ ડેમ તેની ૧૮૭.૪૦ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૪૫ મીટરે સપાટી નોંધાઇ

ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના ૧૯ ગામોને
ખરીફ-રવિ-ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે

ડેમ પૂર્ણ સપાટીએ ભરાતાં ૧૨.૦૫ કયુબીક મિલીયન મીટર પાણીના જથ્થાનો સંગ્રહ

રાજપીપલા, તા 20 નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના ચોપડવાવ ગામ પાસે આવેલ ચોપડવાવ ડેમ આજે તા. ૨૦ મીના સવારે ૯:00 કલાકે તેની ૧૮૭.૪૦ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૪૫ મીટરે ભરાતા ચોપડવાવ ડેમ હાલમાં છલકાયો છે.(ઓવરફલો થયેલ છે). હાલમાં આ ડેમ ૫ સે.મી. ઓવરફલો છે અને ડેમમાં ૧૫૦ કયુસેક પાણીની જાવક ચાલુ છે, તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર દિવ્યકાંત વસાવા તરફથી પ્રાપ્ત થઇ છે.

નાયબ કાર્યપાલક ઇજનેર વસાવા તરફથી વધુમાં પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ ચોપડવાવ ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં ૧૨.૦૫ મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે. જેને લીધે ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના કોડબા, ચોપડવાવ, ચિત્રાકેવડી, સીમઆમલી, ભવરીસવર, પાનખલા, કેલ, સાગબારા, કનખાડી, મોરાવી, પાંચપીપરી, પાટ, ધનસેરા, ગોટપાડા, સેલંબા, નવાગામ, ખોચરપાડા, નરવાડી અને ગોડાદેવી સહિત કુલ ૧૯ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા