સામાન્ય રીતે પોતાની ઇચ્છા કે પસંદગી અનુસાર જીવવું એટલે સ્વતંત્રતા. અન્ય કોઈ વ્યક્તિનું આપણા પર કોઈ પ્રકારનું નિયંત્રણ ન હોય ત્યારે આપણે આપણી જાતને સ્વતંત્ર માનીએ છીએ. આપણે કદાચ અંગ્રેજ શાસનથી કે તેઓ દ્વારા અપાતા ત્રાસથી મુક્ત થઈ ગયા છીએ પરંતુ વાસ્તવમાં સંપૂર્ણપણે મુક્ત કે સ્વતંત્ર થઈ શક્યા નથી એવું મને લાગે છે. આજે પણ આપણી પ્રગતિ, લાગણી કે ખુશીનો આધાર અન્ય પર છે. જેમ કે આપણે સર્વે ખુશ રહેવાની, આનંદિત રહેવાની કે તણાવમુક્ત રહેવાની ઈચ્છા રાખીએ છીએ પરંતુ આપણી ખુશી અને આનંદનો આધાર તો અન્ય ઉપર જ છે. કોઈકે આપણને થોડું મહત્વ આપ્યું, સારી રીતે બોલાવ્યા, વખાણ કર્યા એટલે આપણે ખુશ નહીતર દુઃખી. આમ આપણી પોતાની ખુશી કે સુખનો આધાર અન્ય પર છે લાગણીની દ્રષ્ટિએ આપણે આજે પણ પરવશ કે પરાવલંબી (emotionally dependent) છીએ. આપણે પોતે કોઈની સહાય વગર ખુશ પણ રહી શકતા નથી. આપણા ચહેરાનું હાસ્ય કે આંખોના આંસુ તો કહેવાતા સ્વજનો નક્કી કરે છે. આને સ્વતંત્રતા કહેવાય કે ગુલામી? આથીએ વિશેષ સૌથી મોટા ત્રણ બંધનોમાં આપણે સૌ કેદ છીએ. ૧) કષાયો – એટલે કે દુર્ગુણો જેવા કે કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર વગેરે કષાયોથી આપણે ઘેરાયેલા છીએ. આપણી ઈચ્છા હોવા છતાં સરળતાથી આપણે તેમાંથી મુક્ત થઈ શકતા નથી. ૨) અજ્ઞાન – અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ. જ્ઞાન અને માહિતી બે બહુ જુદી બાબત છે. વાસ્તવમાં સાચું જ્ઞાન જ મનુષ્યને મુક્ત કરી શકે. ૩) પૂર્વગ્રહ- આ સારું અને આ ખરાબ, આ મારું અને આ પારકુ વગેરે. મારા વિચાર, મારું વ્યક્તિત્વ, મારુ કુટુંબ, મારા સગા એમ બધું મારું એ સર્વશ્રેષ્ઠ અને પારકું બધુ ખરાબ કે ખોટું. હું જ સાચો બાકી સમગ્ર જગત ખોટું. આવી સોચ જ મનુષ્યના જીવનમાં અતિશય દુઃખોનું સર્જન કરે છે અને જીવનને તણાવગ્રસ્ત બનાવે છે. આજનો માનવી ચાંદ પર પહોચી ગયો પરંતુ પૂર્વગ્રહની દીવાલ તોડી પાડોશી કે મિત્ર સુધી પહોચી શકતો નથી. આવા પૂર્વગ્રહો, કષાયો અને અજ્ઞાનથી છૂટવું હોય, મુક્ત થવું હોય કે સાચી સ્વતંત્રતા મેળવવી હોય તો જ્ઞાન મેળવવું પડે. આમ તો જ્ઞાન એટલે જાણવું પણ પ્રશ્ન થાય શું જાણવાનું? તો જવાબ છે સત્યને જાણવાનું, સત્ય એ જેનો કદી નાશ થતો નથી. સત્ય અવિનાશી છે એટલા માટે તો આપણે સત્ય માટે સનાતન સત્ય શબ્દ પ્રયોજીએ છીએ. કેમ કે આપણે જાણીએ છીએ કે સત્ય સનાતન હોવું જોઈએ. સમગ્ર પ્રકૃતિના તમામ જીવો નાશવંત છે દરેકનો અંત નક્કી છે એટલે જ કદાચ એને માયા કહેવામાં આવે છે. પરંતુ આપણે સૌ આ માયાની જાળમાં ફસાઈ જઈએ છીએ. માણસ મરી જાય છે પણ ઈચ્છા કે કામના મરતી નથી એટલે કે માયાનું બંધન છૂટતું નથી.. સમગ્ર જીવન આપણે બસ ભાગ્યા જ કરીએ છીએ વળી અજ્ઞાન તો એ કક્ષાનું છે કે આપણે જાણતા પણ નથી કે શા માટે ભાગીએ છીએ. કદાચ બધા ભાગે છે એટલે હું પણ ભાગું છું. તમને નથી લાગતું આ જ ગુલામી છે. સ્વતંત્રતા જો મેળવી હોય તો પૂર્વગ્રહથી છૂટવું પડે. સ્વતંત્રતા મેળવી હોય તો કષાયોથી મુક્તિ મેળવવી પડે. જેમ કે આપણે ગુસ્સે થવા ઇચ્છતા નથી કારણ આપણે જાણીએ છીએ કે એ નુકસાનકારક છે, છતાં વારંવાર ગુસ્સે થઈ જઈએ છીએ. ક્રોધ છોડી શકતા નથી. આંખ બંધ થવાની જ છે તે આપણે જાણીએ છીએ વળી કશું જ સાથે નથી આવવાનું એ પણ ખબર છે છતાં મૂલ્યવાન બાબતોને અવગણી તુચ્છ બાબતો પાછળ જીવન ખર્ચી નાખીયે છીએ. શું આ ગુલામી કે પરવશતા નથી? અતિશય અહંકાર, ઈર્ષા, લાલચ વગેરેની કેદમાં આપણે સૌ છીએ જેમાંથી છૂટવાની ખૂબ જરૂર છે અને એમાંથી છૂટવું શક્ય પણ છે જરૂર છે માત્ર સાચા જ્ઞાનની. અજ્ઞાનની કેદમાંથી સ્વતંત્રતા માત્ર સાચા જ્ઞાન દ્વારા મેળવી શકાય અને સાચું જ્ઞાન એટલે G.K. નહીં કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે G.K. એટલે સામાન્ય જ્ઞાન અને આજના જમાનામાં સામાન્ય બાબતો દ્વારા કશું જ મેળવી શકાતું નથી કંઈક વિશિષ્ટની જરૂર પડે છે. જો ગુલામીના કારાવાસ માંથી બહાર આવવું હોય તો G.K. ચાલી શકે નહીં. સામાન્ય જ્ઞાન એ તો માત્ર માહિતી છે જે માણસના અહંકારમાં વૃદ્ધિ કરે છે. આવી માહિતી જીવનને પીડા, દુઃખ કે તનાવમાંથી મુક્ત કરી મુક્તિનો કે સ્વતંત્રતાનો આનંદ ન આપી શકે. સાચા અને વિશિષ્ટ જ્ઞાન માટે ધર્મ અને આધ્યાત્મિકતાની ઊંડી સમજણ જરૂરી છે. જે આપણને જીવનની તમામ તકલીફોમાંથી (જેવી કે જન્મ-મરણ, જરા(વૃધત્વ) વ્યાધિ(રોગો) જે જીવનની મૂળભૂત સમસ્યાઓ છે) તો મુક્ત કરે જ છે પરંતુ સાચી મુક્તિ અને સ્વતંત્રતાનો પણ અનુભવ કરાવે છે. બાકી તો જીવનમાં અંગ્રેજોની ગુલામીમાંથી છૂટી વ્યક્તિ અન્ય કોઈ ગુલામીની જાળમાં ફસાશે. આમ જુઓ તો આપણે શું આજે પણ રાજાઓ કે નેતાઓની જાળમાં ફસાયેલા નથી? તેવો જેમ નચાવે તેમ નાચીયે જ છીએ ને? ના ગમતી ઘણી બાબતો સહન કરીએ જ છીએ ને/ કેમ કે એ સિવાય આપણી પાસે કોઈ રસ્તો પણ નથી પરંતુ જીવનની સાચી ફિલોસોફી જો સર્વને સમજાય જાય તો કોઈ કોઈને ગુલામ બનાવે પણ નહીં અને બને પણ નહિ. આપણે સૌ આપણી ઉત્તમ ભાવનાઓ, મૂલ્યો અને સંપૂર્ણ તણાવમુક્ત જીવનના મુક્ત ગગનમાં સ્વેચ્છાએ વિહાર કરી શકીયે અને સાચી સ્વતંત્રતાનો સ્વાદ ચાખી શકીયે. જે હજુ ચાખવાનો બાકી છે એવું મને લાગે છે.
Related Posts
*છાતી પર પિસ્તોલ તકાઈ છતાં કોન્સ્ટેબલે ફરજ નિભાવી*
નાગરિકતા સંશોધન કાયદા બાબતે દિલ્હીમાં જોરદાર બબાલ થઈ છે. ટ્રમ્પ દિલ્હી પહોંચે એ પહેલાં આ બબાલને પગલે પોલીસનો મોટો કાફલો…
બ્રેકિંગ અમદાવાદમાં રસ્તાઓ પર ઉપર પાણી ભરાયેલા જોયા બાદ હવે રોડની નીચે પણ પાણી ભરાવના દ્રશ્યો સ્માર્ટ સિટી અમદાવાદમાં રોડ…
*વડાપ્રધાન મોદીએ પગના નિશાનને ઓળખી શકતા રણછોડભાઈ પગીની શૌર્ય ગાથાની પ્રશંસા કરી*
*વડાપ્રધાન મોદીએ પગના નિશાનને ઓળખી શકતા રણછોડભાઈ પગીની શૌર્ય ગાથાની પ્રશંસા કરી* ******* *પગના નિશાન જોઈ પગી કહી દેતા કે…