રૂપિયા 268 કરોડના બોગસ બિલિંગ કૌભાંડોમાં બે કૌભાંડી ઝડપાયા

સુરતના યોગેશ અને મનીષ સાહે છ બોગસ કંપની બનાવી બોગસ બિલિંગ કૌભાંડ આચર્યું હતું

માત્ર બોગસ બિલો જનરેટ કરી સરકારને રૂપિયા 14.26 કરોડનો ચૂનો લગાવ્યો

જીએસટીના અમલ બાદ બોગસ બિલિંગ કૌભાંડનુ હબ બની રહેલા ગુજરાતમાં વધુ એક બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરતના કૌભાંડીઓ યોગેશ ચલથાણવાલા અને મનીષ શાહે છ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવી રૂપિયા 268 કરોડના બોગસ બિલ જનરેટ કરી સરકારને રૂપિયા 14.26 કરોડનો ચૂનો લગાવ્યો હતો. આ બાબતની જાણ થતા સૂરત જીએસટીના અધિકારીઓએ બંને કૌભાંડીઓ ની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે તપાસમાં કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી તથા અન્ય કેટલાક વેપારીઓની સંડોવણી બહાર આવે તેવી સંભાવના જોવા મળી છે.

જીએસટી ના અધિકારીઓએ બોગસ બિલિંગ કૌભાંડ ના પર્દાફાસ કરવા માટે ની કવાયત શરૂ કરી છે. ત્યારે જ સુરતના અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલીક પેઢીઓ કોઈપણ પ્રકારની ખરીદ વેચાણ કર્યા વગર માત્ર બોગસ બિલ જનરેટ કરવામાં આવી રહ્યા છે અને જેને આધારે તેઓ કરોડો રૂપિયાની ટેક્સ ક્રેડિટ મેળવી રહ્યા છે.

તપાસમાં બહાર આવ્યું હતું કે યોગેશ અરવિંદભાઈ ચલથાણવાલા તથા મનીષ સાંકળચંદ શાહ એ જરૂરિયાતમંદ ગરીબ લોકોના જુદા જુદા ડોક્યુમેન્ટ્સ ને આધારે છ કંપનીઓ રજિસ્ટર કરાવી દીધી હતી.જેને આધારે તેમણે કરોડો રૂપિયાની ખરીદ-વેચાણના બોગસ બિલો જનરેટ કરવાનું શરૂ કરી દીધું હતું.હવે સુરતના કેટલાક વેપારીઓ પણ તેમની પાસેથી ચોક્કસ ટકા આપી બોગસ બિલ લેતા હોવાનું પણ બહાર આવ્યું હતું.

અધિકારીઓએ બંને કૌભાંડોની છ પેઢીઓ ઉપર વોચ વધારી ઝીણવટ પૂર્વક તપાસ કરતા તેમણે રૂપિયા 268 કરોડના બોગસ બિલ જનરેટ કર્યા હોવાનું સામે આવ્યું હતું આ બોગસ બિલો ને આધારે તેમણે રૂપિયા 14.26 કરોડ ઘરભેગા કરી દીધા હતા. અધિકારીઓએ બંને કૌભાંડીઓ ની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.

આ બંને કૌભાંડીઓ વ્યાપારીઓને ચોક્કસ ટકા લઇ બોગસ બિલ બનાવી આપતા હતા તથા ચેકથી રૂપિયા લઈને રોકડમાં આગળીયા પેઢી મારફતે પણ મોકલી દેતા હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે.હવે આ બંને વ્યાપારીઓની બોગસ પેઢી પાસેથી બોગસ બિલ લેતા વેપારીઓ આંગડિયા પેઢીના સંચાલકો અને કૌભાંડીઓને ઝડપી લેવા માટે સ્ટેટ જીએસટી દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

કઈ પેઢી માં કેટલા કરોડ રૂપિયા ઘરભેગા કર્યાં

1 અર્હમ ટ્રેડર્સ 86 લાખ
2 રિયા એન્ટરપ્રાઇઝ 5.07 કરોડ
3 આશકા એક્ઝિમ 3.58 કરોડ
4 ICA એન્ટરપ્રાઇઝ 85. લાખ
5 સાત્વી એન્ટરપ્રાઇઝ 78 લાખ
6 દર્શન ટેક્સટાઇલ 3.12 કરોડ