*રાજકોટમાંથી છાશવારે ભેળસેળીયા ખાદ્યપદાર્થો પકડાય છે છતાં નોટિસ-દંડ સિવાય કશું જ ઉકાળી શકાતું નથી
ગ્રાહક સુરક્ષા કાયદામાં જેલસજાની જોગવાઈ છતાં હજુ સુધી એક પણ ભેળસેળીયાને સળિયા પાછળ નથી ધકેલાયા: કોંગી અગ્રણી ધુંઆપુંઆ
જીએનએ રાજકોટ: ખાણીપીણી બાબતે રંગીલા રાજકોટીયન્સની તોલે કોઈ ન આવે તે વાત હવે ગુજરાત આખામાં પ્રસ્થાપિત થઈ જવા પામી છે. વડાપાંઉ હોય કે પછી બર્ગર, સીઝલર હોય કે પછી રીંગણાનો ઓળો અહીં મનભાવતી વસ્તુ ખાવામાં લોકો બિલકુલ પાછીપાની કરતાં નથી. લોકોની આ જ ‘તલબ’નો ભેળસેળીયા તત્ત્વો દ્વારા લાભ ઉઠાવીને હલ્કી કક્ષાના, ગંધારા-ગોબરા પદાર્થો ધાબડીને બેફામ ચેડાં કરવામાં આવી રહ્યા છે છતાં તંત્રની પગલાં લેવાની જ નીતિ ‘ભેળસેળ’વાળી હોય તેવી રીતે આંખમીંચામણા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી ફરાળી વસ્તુનું સેવન મોટાપાયે થાય છે પરંતુ તેમાં જોઈએ તેવું ચેકિંગ નહીં કરાતું હોવાથી ભેળસેળીયા ધંધાર્થીઓ દ્વારા ઉપવાસની વસ્તુઓમાં ચેડાં કરી શિવભક્તોની આસ્થા સાથે હિન ચેષ્ટા કરાઈ રહ્યાનો વસવસો પ્રદેશ કોંગ્રેસ મંત્રી મનોજ રાઠોડે વ્યક્ત કર્યો છે.
કોંગી અગ્રણી મનોજ રાઠોડના જણાવ્યા મુજબ તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા નવો ગ્રાહક સુરક્ષા કાયદો અમલી બનાવવામાં આવ્યો છે અને તેમાં ખાદ્યપદાર્થો સાથે ચેડાં કરનારા તત્ત્વોને નાથવા માટે દંડ અને જેલસજાની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ 22 જૂલાઈથી અમલી બનેલા આ કાયદા મુજબ હજુ સુધી એક પણ સ્થળે ચેકિંગ કરવામાં આવ્યું નથી પરિણામે ભેળસેળને મોકળું મેદાન મળી રહે છે. આ કાયદો લાગુ પડ્યો તે પહેલાં પણ મહિનામાં એકાદ-બે વખત તંત્ર દ્વારા ચેકિંગ કરીને કામગીરી કર્યાનો સંતોષ માની લેવામાં આવતો હતો અને તેમાં પણ દંડ અને નોટિસ ફટકારીને ચાલતી પકડી લેવામાં આવતી હોવાની વૃત્તિ લોકોને ગંભીર બીમારીના મુખમાં ધકેલી રહી છે. જો કે જેલસજાની જોગવાઈ તો પહેલાં પણ અમલી હતી જ પરંતુ અત્યાર સુધી એક પણ ભેળસેળીયાને જેલના સળિયા ગણવાનો વખત આવ્યો નથી તે વરવી વાસ્તવિકતા છે.
મનોજ રાઠોડે ઉદાહરણ આપતાં કહ્યું કે ગત 23 જૂલાઈએ શ્રાવણ માસને અનુલક્ષીને મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કેળાના ગોડાઉન અને પેટીસનું વેચાણ કરતી દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે પૈકી પાંચેક ગોડાઉનમાં કેમીકલથી કેળા પકાવવામાં આવતાં હોવાનું ધ્યાન પર આવ્યું હતું. એક સ્થળેથી તો કેમીકલની ત્રણ લીટરની બોટલ પણ મળી આવી હતી છતાં તેની સામે આકરી કાર્યવાહી કરવાની જગ્યાએ માત્ર કેમિકલનો નાશ કરીને તંત્રએ ચાલતી પકડી હતી. આ પ્રકારની કાર્યવાહી કેટલા અંશે વ્યાજબી છે તેનું મંથન થવું પણ જરૂરી છે. અત્યારે શ્રાવણ માસમાં પેટીસ અને કેળાનું સેવન વધુ માત્રામાં થાય છે પરંતુ તંત્ર દ્વારા દાખલારૂપ કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી. આવું આ વર્ષે જ નહીં પરંતુ દર વર્ષે કરવામાં આવે છે.
નોંધનીય બાબત એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા કાયદો-2020 અમલી બનાવવામાં આવ્યો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી તેને લગતી માર્ગદર્શિકા કે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી. એકંદરે સરકારને કે સ્થાનિક તંત્રને લોકોના આરોગ્યની કશી પડી જ ન હોય તેવી રીતે ‘હોતા હૈ, ચલતા હૈ, ચલને દો’ની નીતિ અખત્યાર કરી થાબડભાણાં કરવામાં આવી રહ્યા છે. જો રાજ્ય સરકારને ખરેખર લોકોના આરોગ્યની પડી હોય તો તેણે નવા ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ભેળસેળિયા તત્ત્વો મીક્સિગંનો ‘મ’ પણ ન વિચારી શકે તેવો કડક કાયદો અમલી બનાવવો જોઈએ તો જ વાસ્તવિક રીતે ગુજરાત તંદુરસ્ત રહેશે. તેમણે ઉમેર્યું કે અત્યારે ઘૂઘરાની ચટણી હોય કે પછી દાબેલીનું પાણી હોય અથવા તો પછી પાણીપૂરીનો મસાલો હોય દરેક વસ્તુમાં ભયંકર રીતે કલર સહિતના કેમીકલનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તંત્ર તો કોરોનાને અટકાવવા (જો કે તે અટકતો જ નથી)માં લાગેલું છે અને લોકોને વાસી તેમજ અખાદ્ય પદાર્થ આરોગવા માટે રેઢા મુકી દેવામાં આવ્યા છે.