હોટેલ રેસ્ટોરન્ટ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે સરકાર સમક્ષ રજૂઆત

અનલોક-3મા કરફ્યુ હટાવી દીધો છે ત્યારે મોડી રાત્રી સુધી હોટલો ખુલ્લી રાખવાની મંજૂરી આપવી જરૂરી

એક તરફ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા રોજેરોજ હજારોમાં વધી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાત સરકારે અનલોક-3મા રાત્રી કર્ફ્યુ હટાવી લેવાની સાથે સાથે ઘણી છૂટછાટ આપી છે. ત્યારે જ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ગુજરાત દ્વારા સરકાર સમક્ષ હોટલો અને રેસ્ટોરન્ટ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.એસોસીએશનની રજૂઆત છે કે હોટલ રેસ્ટોરન્ટ નો ધંધો મોડી રાત્રે જ ચાલતો હોવાથી તેને બાર વાગ્યા સુધી ખુલ્લી રાખવા મંજૂરી આપવી જરૂરી છે.

હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ગુજરાતના નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી ને કારણે દેશમાં રાખવામાં આવેલા લોક ડાઉન માં તમામ વેપાર ધંધા ઉદ્યોગો બંધ હતા. જેને લઇને ખાસ્સુ નુકસાન થયું છે. તેમાંય વળી હોટલ અને રેસ્ટોરન્ટમાં સંચાલકોને તો સ્ટોક કરેલી વસ્તુઓ ખરાબ થઇ જતાં તેનો નિકાલ કરવો પડ્યો છે હોટલ રેસ્ટોરન્ટ બંધ હોવા છતાં તેના ભાડા ચૂકવવા પડ્યા છે કારીગરોનો પગાર પણ ચૂકવવો પડયો હતો.

દરમ્યાન સરકારે જાહેર કરેલા અનલોક 1મા શરતી મંજૂરી સાથે સરકારે બજાર ખોલવાની પરવાનગી આપી હતી તેમાં પણ હોટલ અને રેસ્ટોરન્ટ સાત વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી હતી જેને કારણે હોટલ માં કોઈ જમવા આવતું નહોતું. અનલોક 2મા નવ વાગ્યા સુધી હોટલ રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી હવે અનલોક 3મા રાત્રે દસ વાગ્યા સુધી હોટલ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે જ્યારે રાજ્યમાં રાત્રે જે કરફ્યુ હતું તે હટાવી દેવામાં આવ્યું છે.

સોમાણીની રજૂઆત છે કે સામાન્ય રીતે લોકો આખો દિવસ કામ કરીને મોડી રાત્રે જ પરિવાર સાથે હોટલ રેસ્ટોરન્ટ માં જમવા જતા હોય છે હવે દસ વાગ્યે હોટલ રેસ્ટોરન્ટ બંધ કરવાની હોય એટલે લગભગ અડધા કલાક પહેલાંથી નવા ગ્રાહકને ના પાડવી પડે. જો મોડી રાત્રી સુધી હોટલ અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવાની મંજૂરી મળે નહીં તો આ ઉદ્યોગને ભારે ફટકો પડે તેમ છે માટે જ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી છે કે રાજ્યમાં હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવા દેવામાં આવે. .