ઉમેદવારોએ ચેમ્બરના સભ્યો મતદારોને વોટ્સએપ અને ઇમેલ દ્વારા પોતાને મત આપવા માટેની અપીલ કરવાની શરૂઆત કરી
ઘણા ઉમેદવારો એ પોતે કરેલી કામગીરીની વિગતો વાળા ડિજિટલ પોસ્ટર પણ વોટ્સએપ અને ઇમેલ દ્વારા વાયરલ કરવાની શરૂઆત કરી
કોરોનાની મહામારી વચ્ચે ચેમ્બરની ચૂંટણી પ્રક્રિયા કરવા માટે કલેકટરે મંજૂરીની મહોર મારી દીધી છે. જેને પગલે લાંબો સમય સુધી નિષ્ક્રિય બની ગયેલા તમામ ઉમેદવારો ફરીથી સક્રિય બની ગયા છે અને પોતપોતાની રીતે પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે.મતદાર સભ્યોને રૂબરૂ મળવું મુશ્કેલ હોવાને કારણે ઉમેદવારો વોટ્સએપ અને ઇમેલ દ્વારા પોતાની મત આપવા માટેની અપીલ કરી રહ્યા છે તથા પોતે કરેલી કામગીરીની વિગતો પણ વાયરલ કરી રહ્યા છે. 11મી જુલાઈના રોજ યોજાનારી ચૂંટણી રદ કરવાનો આદેશ થતાની સાથે જ તમામ ઉમેદવારો નિષ્ક્રિય બની ગયા હતા હવે ફરીથી ચૂંટણીનો ધમધમાટ શરૂ થતા ઉમેદવારો પણ એક્ટિવ થઈ ગયા છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ નિશ્ચિત ઉમેદવારોએ જુદા જુદા વેપારી સંગઠનો મહાજનો અને મતદાર સભ્યોને રીઝવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ તથા કેટલાક ઉમેદવારોની પ્રગતિ પેનલની રચના પણ થઈ ગઈ હતી. પેનલ માટેનો પણ વ્યવસ્થિત પ્રચાર શરૂ થઈ ગયો હતો. સામે પક્ષે પણ ઉમેદવારોએ પોતપોતાની રીતે પોતાને વધુ મત મળે તેવા પ્રયાસો શરૂ કરી દીધા હતા. ચૂંટણીનું વાતાવરણ બરોબર જામ્યું હતું ત્યારે જ તત્કાલીન ચૂંટણી અધિકારી પી.કે લહેરીએ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મતદાન પ્રક્રિયા કરવી જોખમી હોય ચૂંટણી પ્રક્રિયા રદ કરવા આદેશ કર્યો હતો.
જેવો ચૂંટણી પ્રક્રિયા રદ કરવાનો આદેશ થયો કે તરત જ તમામ ઉમેદવારોએ મતદારો નો સંપર્ક સદંતર બંધ કરી દીધો. ચૂંટણી ની નવી તારીખ 5મી સપ્ટેમ્બર જાહેર થઈ ગઈ પરંતુ ઈ વોટીંગ ને લઈને કેટલાક ઉમેદવારોએ વિરોધ નોંધાવતા ચૂંટણી યોજાશે કે કેમ તેને લઈને અવઢવ હતી. આ પરિસ્થિતિમાં પણ ઉમેદવારોએ સબ મતદારોનો સંપર્ક કરવાનું સદંતર બંધ જ રાખ્યું હતું.
હવે જ્યારે કલેક્ટરે ચૂંટણી પ્રક્રિયા માટે મંજૂરીની મહોર મારી દીધી છે અને ચૂંટણી યોજાશે તેઓ નક્કી થઈ ગયું છે એટલે તમામ ઉમેદવારો પાછા મતદાર સભ્યોને મનાવવા માટેની કવાયતમાં લાગી ગયા છે. ઘણા દિવસ સુધી મતદારોને અને વેપારી સંગઠનનું કોઈપણ પ્રકારનો મેસેજ નહીં કરનાર કે ખબર અંતર નહીં પૂછનાર સભ્યો હવે નિયમિત વોટ્સએપ મેસેજ તથા ઈ-મેલ કરવા લાગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે બે ઉમેદવારો તથા વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં છે.