‘હર કામ દેશ કે નામ’ ભારતીય વાયુસેનાના કમાન્ડર્સની જુલાઈ 2020 પરિષદ યોજાઇ. – સંજીવ રાજપુત.

દિલ્હી: ભારતીય વાયુસેનાના કમાન્ડર્સની પરિષદ (AFCC)નું 22 જુલાઇ 2020ના રોજ વાયુસેનાના હેડક્વાર્ટર (વાયુ ભવન) ખાતે આદરણીય સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાયુસેનાના વડા એર ચીફ માર્શર આર.કે.એસ. ભદૌરિયાએ આદરણીય સંરક્ષણ મંત્રી અને સંરક્ષણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓને આવકાર્યા હતા.

વાયુસેનાના કમાન્ડર્સને સંબોધન કરતી વખતે સંરક્ષણમંત્રીએ છેલ્લા કેટલાક મહિનામાં IAF દ્વારા પોતાની પરિચાલનની ક્ષમતામાં વૃદ્ધિ કરીને સક્રિયતાપૂર્વક પ્રતિભાવ આપવા બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, IAF દ્વારા બાલાકોટ ખાતે જે પ્રકારે પ્રોફેશનલ રીતે હવાઇ હુમલો કરવામાં આવ્યો અને પૂર્વ લદ્દાખ ખાતે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાકીદના ધોરણે અગ્રીમ સ્થળોએ IAFની અસ્કયામતોને તૈનાત કરવામાં આવી તે કામગીરી શત્રુઓને એક મજબૂત સંદેશો પહોંચાડે છે. સંરક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના સાર્વભૌમત્વનું રક્ષણ કરવાનો રાષ્ટ્રનો દૃઢ સંકલ્પ સશસ્ત્ર દળોની ક્ષમતાઓ પર દેશવાસીઓને જે વિશ્વાસ છે તેના આધાર પર અડગ છે. LAC પર હાલમાં તણાવ ઓછો કરવા માટે ચાલી રહેલા પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી અને IAFને કોઇપણ વિપરિત સ્થિતિને અંકુશમાં લેવા માટે પોતાની રીતે સાબદા રહેવાનો અનુરોધ કર્યો હતો.

કોવિડ-19 મહામારી સામે રાષ્ટ્રની પ્રતિક્રિયામાં સહકાર આપવા માટે IAF દ્વારા આપવામાં આવેલા યોગદાનની અને કેટલાક HADR મિશનમાં વાયુસેનાએ નિભાવેલી ભૂમિકાની પણ તેમણે પ્રશંસા કરી હતી. સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની જરૂરિયાત પર તેમણે પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે, આ AFCC માટે પસંદ કરવામાં આવેલી થીમ – ‘IAF આગામી દાયકામાં’ – ખરેખર વર્તમાન સમયમાં સ્વદેશીકરણના વધતા પ્રયાસોને ખૂબ જ સુસંગત છે. CDSની નિયુક્તિ અને DMAની રચના થઇ ત્યારથી સેનાની ત્રણેય પાંખ વચ્ચે તાલમેલ અને એકીકૃતતામાં જે પ્રકારે પ્રગતિ થઇ રહી છે તેની પણ તેમણે ખૂબ પ્રશંસા કરી હતી.

સંરક્ષણમંત્રીએ ટેકનોલોજીમાં થતા ફેરફારો સાથે અનુકૂલન સાધવામાં અને નેનો ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાઇબર અને અવકાશ ક્ષેત્રે વધતી ક્ષમતાઓને અપનાવવામાં IAFની ભૂમિકા સ્વીકારવા સાથે પોતાનું સંબોધન પૂરું કર્યું હતું. તેમણે કમાન્ડર્સને ખાતરી આપી હતી કે, સશસ્ત્ર દળોની તમામ જરૂરિયાતો, ભલે તે આર્થિક હોય કે પછી અન્ય કોઇ હોય, તેને પૂરી કરવામાં આવશે.

કમાન્ડર્સને સંબોધન કરતી વખતે CASએ જણાવ્યું હતું કે, IAF ટૂંકાગાળાના તેમજ વ્યૂહાત્મક જોખમોનો વળતો જવાબ આપવા માટે સંપૂર્ણપણે સજ્જ હતું અને શત્રુઓ દ્વારા લેવામાં આવતા કોઇપણ આક્રમક પગલાંનો જડબાતોડ જવાબ આપવા માટે યુનિટ્સ દ્વારા એકદમ સારી રીતે તૈયારીઓ કરવામાં આવી હતી. તેમણે નોંધ્યું હતું કે, દળોની નિયુક્તિઓ અને તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે તમામ કમાન્ડન્સનો પ્રતિભાવ ત્વરિત અને પ્રશંસનીય હતો. આકરો જવાબ આપવા માટે ટૂંકાગાળાની નોટિસમાં જ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાના સામર્થ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.

ત્રણ દિવસીય પરિષદ દરમિયાન, કમાન્ડર્સ ભવિષ્યમાં ઉભરતા જોખમોને અંકુશમાં લેવા માટે આગામી દાયકામાં IAFની ક્ષમતાઓનું નિર્માણ કરવા અંગે ચર્ચા કરતા પહેલાં, વર્તમાન પરિચાલન સ્થિતિ અને નિયુક્તિઓની સમીક્ષા કરશે.