ગાંધીજીના જીવન-કવન પર આધારિત હૃદયસ્પર્શી નાટક “ભારત ભાગ્યવિધાતા” આલેખનઃ રમેશ તન્ના.

ગઈ કાલે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિશાળ અને ભવ્ય સભાખંડમાં ગાંધીજીના જીવન-કવન પર આધારિત નાટક “ભારત ભાગ્યવિધાતા” જોયું. ગાંધીજન મનસુખ સલ્લા અને લોક-ગાયક અરવિંદ બારોટની વચ્ચે બેસીને નાટક જોવાની વધુ મજા આવે.. એક યાદગાર અવસર બની રહ્યો.

“ભારત ભાગ્યવિધાતા” નાટક માણવા જેવું નાટક છે. પ્રકાશ કાપડિયાએ ખૂબ જ સુંદર પટકથા લખી છે તો રાજુ જોશીનું દિગ્દર્શન અફલાતૂન છે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આ નાટકનું નિર્માણ કરાયું છે.
આ નાટક ગાંધીના જીવનપ્રવાહ અને વિચારપ્રવાહને રજૂ કરવામાં સફળ થાય છે.મંચ પર 10-12 વર્ષના મોહનને વૃદ્ધ ગાંધી પોતાનું જ જીવન બતાવે છે. અદભુત કલ્પન છે. ક્યા કહેના.. જેમ જેમ ગાંધી મોટા થતા જાય છે તેમ તેમ મંચ પર ગાંધીની સંખ્યા વધતી જાય છે. એક તબક્કે પ્રેક્ષકોને મંચ પર ચાર-ચાર ગાંધી જોવા મળે છે.

પટકથા અત્યંત અભ્યાસ કરીને ખૂબ જ સરસ રીતે લખાઈ છે. નાટકના અનેક સંવાદો આપણા હૃદયને સ્પર્શી જાય છે. ગાંધીને મંચ પર ઊભો કરવામાં લેખક-દિગ્દર્શક અને ચાર-ચાર નાયકો સફળ થયા છે. બાળ ગાંધી-યુવા ગાંધી અને જૈફ ગાંધી બે– એમ કુલ ચાર ગાંધી આપણને મંચ પર જોવા મળે છે. વારાફરથી દશ્યો બદલાતાં રહે છે અને આપણી સામે આફ્રિકા-ભારત સર્જાતું રહે છે. નાટકને રોચક અને રોમાંચક બનાવવા માટે વિવિધ ટેક્નિકનો સરસ અને સફળ પ્રયોગ પણ કરાયો છે.

નાટકનાં અનેક દશ્યો નજરમાં વસી જાય તેવાં બન્યાં છે. ગાંધીજીના ભારતભ્રમણને ત્રણ દશ્યોમાં બતાવાયું છે. ત્રણેય દશ્યો અત્યંત સુંદર બન્યાં છે. માત્ર ચાર દશ્યોમાં એ વખતના ભારતનો ચિતાર આપી દેવો એ વિકટ કાર્ય કહેવાય, પણ સરસ રીતે થયું છે.
કસ્તૂરબાની વિદાય વખતનું દશ્ય તો શિરમોર છે. લખાયું છે પણ સરસ અને ભજવાયું છે પણ ઉત્તમ રીતે. એ દશ્યમાં ગાંધી અને કસ્તુરબાના સંબંધનું નાજુક અને સંવેદનશીલ રીતે નિરૃપણ કરાયું છે. એમાંય પાછળના ભાગમાં બાળ મોહન અને બાળ કસ્તૂર બેઠાં છે તે મંચન મસ્ત છે. મોટા ગાંધી એકલા ફેરા ફરે છે અને પાછળ બાળ ગાંધી-કસ્તૂર ફેરા ફરે છે. છેલ્લા ફેરે સુતરનો તાર તૂટે છે અને… કસ્તૂરબાની વિદાયને સર્જનાત્મક રીતે બતાવવાની આ રીત પર ઓવારી જવાનું મન થાય.

નાટકની વિવિધ ટેકનિકનો સુંદર વિનિયોગ કરાયો છે.

દશ્યો અદલાતાં અને બદલાતાં રહે છે અને પ્રેક્ષકો ઘૂંટડે-ઘૂંટકે ગાંધીને પીતા રહે છે.

આ નાટકની વિશેષતા અને સફળતા એ છે કે તેમાં વ્યક્તિ ગાંધીની સાથે સાથે વિચારક ગાંધીને પણ સફળ રીતે રજૂ કરી શકાયા છે. વ્યક્તિને રજૂ કરી શકાય પણ વિચારને રજૂ કરવાનું કામ પડકારજનક હોય છે.

નાટક પૂર્ણ થાય છે ત્યારે પ્રેક્ષકોના મનમાં મોહનદાસ કરમચંદ ગાંધી ચોંટી જાય છે તો હૃદયમાં મહાત્મા ગાંધીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય છે… આ છે આ નાટકની સાૈથી મોટી સફળતા.

નાટકમાં અનેક પાત્રો છે. ચાર ગાંધી છે, કસ્તૂરબા છે, સરદાર-નેહરુ-સુભાષબાબુ-ટાગોર-મહાદેવ-મગનભાઈ-ઝીણા એમ અનેક પાત્રો છે. પાત્રોની વણઝાર છે. એ સમયને સરસ રીતે બતાવાયો છે. સંગીતનો પણ ઉચિત ઉપયોગ થયો છે.
****
મને કેટલીક મર્યાદાઓ દેખાઈ તેના તરફ ધ્યાન દોરુંઃ

1. નાટકમાં સરદાર પટેલને અત્યંત લાઉડ બતાવ્યા છે. વિશ્વસ્તરના નાટકમાં એક પાત્ર શેરી નાટકનું ઘૂસી ગયું હોય તેવું લાગે છે. એ નેહરુના અનુયાયી હોય તે રીતે પણ રજૂ કરાયા છે. તેમના પાત્રાલેખનમાં ગંભીર ભૂલ છે.

2. સ્વતંત્રતા વખતનાં દશ્યમાં નેહરુ-સરદાર બન્ને ભગવા રંગનાં જાકીટ પહેરીને આવે છે એ અત્યંત ખૂંચે છે.

3. ખાસ તો ગાંધીજીના આફ્રિકાવાળા ટ્રેનવાળા દશ્યમાં ગાંધી મનોમંથન કરે છે ત્યારે શ્રીમદ્ રાજચંદ્ર તેમને જાણે કે અન્યાયનો પ્રતિકાર કરવા પ્રેરતા હોય, તેમની આજ્ઞાથી જાણે તેઓ પ્રતિકાર કરતા હોય તેવી છાપ ઊભી કરાઈ છે તે કોઈ પણ સંજોગોમાં સાચી નથી અને સ્વીકારી શકાય તેવી નથી. નાટકમાં શ્રીમદ્ રાજચંદ્રને યશ આપવાની આ તરકીબ કરાઈ છે તે માત્ર બાલિસ છે, અસહ્ય પણ છે. આવું ના જ કરવું જોઈએ.

શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજીના ગુરુ નહોતા પણ આધ્યાત્મિક માર્ગદર્શક હતા. આત્મકથા’સત્યના પ્રયોગો’માં ગાંધીજીએ રાયચંદભાઈ વિશે આખું પ્રકરણ લખ્યું છે. બૅરિસ્ટર થઈને ભારત પાછા ફરેલા 22 વર્ષના ગાંધી તેમના પરિચયમાં આવ્યા હતા. ‘બહોળું શાસ્ત્રજ્ઞાન, શુદ્ધ ચરિત્ર, આત્મદર્શન કરવાની ભારે ધગશ’ જેવા ગુણોની ગાંધીજી પ્રભાવિત થયા. તેમનાથી ઉંમરમાં બે વર્ષ મોટા રાયચંદભાઈને શુદ્ધ જ્ઞાની તરીકે ઓળખાવીને ગાંધીજીએ લખ્યું હતું કે ‘મેં તેમને કદી મૂર્છિત સ્થિતિમાં નથી જોયા. દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. હું જાણતો હતો કે તેઓ મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. ‘આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો હતો.’

રાયચંદભાઈ વિશે ગાંધીજીનો આદર ઠેકઠેકાણે વ્યક્ત થયો છે, પરંતુ ગાંધીજી વ્યક્તિપૂજક નહીં, ગુણપૂજક હતા. એટલે તેમનું મૂલ્યાંકન નમ્ર છતાં મક્કમ રહેતું.

રાયચંદભાઈ સાથેની પહેલી મુલાકાતમાં તેમના શતાવધાન પ્રયોગથી (એક સાથે સો વસ્તુઓ કે શબ્દો જોઈને, પછી તેને એ જ ક્રમમાં એક સાથે બોલી બતાવવાની શક્તિથી) ગાંધીજી ત્યારે પણ ‘મુગ્ધ’ થયા નહીં. આત્મકથામાં ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે ‘રાયચંદભાઈને વિશે મારો આટલો આદર છતાં તેમને હું મારા ધર્મગરુ તરીકે મારા હૃદયમાં સ્થાન ન આપી શક્યો. ‘

ગાંધીજીએ કહ્યું હતું, “એમના જીવનનો પ્રભાવ મારા પર એટલે સુધીનો પડેલો કે એક વાર મને થયું કે હું એમને મારા ગુરુ બનાવું, પણ ગુરુ તો બનાવવા ચાહીએ તેથી થોડા જ બની શકે છે? ગુરુ તો સહજપ્રાપ્ત હોવા જોઈએ. તપ અને એમની પ્રાપ્તિ માટે આકાંક્ષા હોય તો સમર્થ ગુરુ કોઈ દિવસ સાંપડે.”

તેમણે પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્રના પુસ્તક માટે પ્રસ્તાવના લખી આપી હતી જેમાં ગાંધીજીએ સ્પષ્ટ લખ્યું હતું કે હું શ્રીમદ્ (રાજચંદ્ર)ને તીર્થંકર નથી માનતો કારણ શ્રીમદ્ (રાજચંદ્ર)નું માથું હંમેશ દુખતું.’ ‘ગાંધીજીની દલીલ હતી કે જે તીર્થંકર હોય તેનું માથું ન દુઃખે.

ગાંધીજીએ આવી વાત સ્પષ્ટ લખી હતી એટલે પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્રનું એ પુસ્તક ગાંધીજીની પ્રસ્તાવના વિના જ છપાયું હતું..
************************

શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરએ આટલા સુંદર નાટકનું નિર્માણ કર્યું તે માટે તેમને 11 દરિયા ભરીને અભિનંદન .

ભારત ભાગ્યવિધાતા નાટકના સમગ્ર ભારતમાં અનેક શો થયા છે.
ઉત્તમ નાટક છે. જો તક મળે તો આપ પણ આ નાટક જોવાનું ચૂકતા નહીં.

(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્નાઃ 9824034475, અમદાવાદ)

નોંધઃ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ આવો સુંદર પ્રયોગ કર્યો તે માટે કુલપતિ ડો. અમીબહેન ઉપાધ્યાય તથા તેમની આખી ટીમને અભિનંદન.