દિવ્યાંગજનો માટેના રાષ્ટ્રીય સ્તરના ૧૪ નવા યુથ આઇકોન્સ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત

કેવડીયાના પ્રવાસન અને સ્ટેચ્યુની મુલાકાતની સુગમ્યતાઓનો તાગ મેળવી અત્યંત પ્રભાવિત થયેલા દિવ્યાંગો

ભારત સરકારના દિવ્યાંગ સશકિતકરણ મંત્રાલયની એક અભિનવ પહેલ

રાજપીપલાતા 29

ભારત સરકારના દિવ્યાંગ સશકિતકરણ મંત્રાલયની એક અભિનવ પહેલ અન્વયે દેશના વિવિધ ભાગોમાંથી દિવ્યાંગજનોને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા માટે પસંદ કરવામાં આવેલા ૧૪ યુથ આઇકોન્સ એ આજે વિશેષ પ્રવાસ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને દિવ્યાંગજનો માટે કેવડીયાનો પ્રવાસ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત કેટલી સરળ અને સુગમ છે તેનો તાગ મેળવી આ દિવ્યાંગજનો અત્યંત પ્રભાવિત થઇ અત્રે ઉપલબ્ધ સુગમ્યતાઓ અંગે તેમની ખુશી વ્યકત કરી હતી.
ભારત સરકારના દિવ્યાંગ સશકિતકરણ વિભાગના નિયામક વિકાસ પ્રસાદે આ ખાસ પ્રવાસીઓનું નેતૃત્વ કર્યુ હતું. પ્રધાનમંત્રીએ ૨૦૧૫ માં એકસેસિબલ ઇન્ડીયા કેમ્પીઇંગ શરૂ કરાવ્યું હતું, તેના ભાગરૂપે દિવ્યાંગજનો માટેનો આજનો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. આ પ્રવાસમાં પ્રસાદ સાથે દિલ્હી પીઆઇબી ના અધિકારી સુપ્રભા દાસ પણ જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ૨૦૧૬ માં RPWD એકટ હેઠળ દેશની તમામ જાહેર જગ્યાઓ, દવાખાના, શિક્ષણ સંસ્થાઓ, જાહેર પરિવહન, રેલવે, એરપોર્ટ, રમત સુવિધાઓ, સ્મારકો અને ધાર્મિક સ્થળોને સન ૨૦૨૨ સુધીમાં દિવ્યાંગો માટે સુગમ્ય બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે તેને અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપલબ્ધ દિવ્યાંગોની સુગમ્યતા વધારતો એસ્કેલેટર, વોકીંગ કન્વેયર, બેલ્ટ, લીફટસ, એકસેસિબલ ટોયલેટ, વ્હીલચેર વગેરે જેવી સુવિધાઓનો આ મુલાકાતીઓએ જાયજો લીધો હતો. આ પ્રવાસીઓ દેશભરના દિવ્યાંગોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસની સરળતા, સુગમતા અને સુવિધાઓનો સંદેશો આપશે એવી અપેક્ષા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોઇપણ દિવ્યાંગજન ખૂબ જ સરળતાથી આ સ્થળની મુલાકાત લઇ શકે છે અને પોતાના પરિવાર સાથે અહીં પ્રવાસ કરીને તેનો આનંદ મેળવી શકે છે તેવો અનુભવ આ દિવ્યાંગજનોએ કર્યો છે.
. . . . . . . . . . . . . . . . . . . . . .

પ્રસાદના જણાવ્યાં મુજબ ૨૦૧૧ ની વસતી ગણતરી પ્રમાણે સમગ્ર દેશમાં ૨.૬૮ કરોડ દિવ્યાંગજન છે અને પ્રત્યેક દિવ્યાંગજનના પરિવારના સરેરાશ ૫ સભ્યોના કુટુંબની જનસંખ્યા જોઇએ તો અંદાજે ૧૩.૪૦ કરોડથી પણ વધુ લોકો આવા પ્રવાસન સ્થળોની મુલાકાત લે તો એકસ્ટ્રા ટૂરીઝમને પ્રોત્સાહન મળશે અને દિવ્યાંગજનો મુખ્યધારામાં જોડાશે અને તેનાથી પોતે ગર્વાન્વિત હોવાની અનુભૂતિ કરશે.
. . . . . . . . . . . . . . . . . . . . . .
આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની
મુલાકાતે આવેલા રાષ્ટ્રીય સ્તરના ૧૪ નવા યુથ આઇકોન્સ દિવ્યાંગજનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપલબ્ધ સુગમ્યતાઓના ઉપયોગ થકી નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્રદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો. તદ્ઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી વગેરેની મુલાકાત લઇ રસપૂર્વક નિહાળીને જાણકારી મેળવી હતી.

. . . . . . . . . . . . . . . . . . . . . .
આજના આ પ્રવાસમાં જોડાયેલા દિલ્હીના દિવ્યાંગ આકાશ કશ્યપે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ૧૮૨ ક્ષેત્ર મુજબ કેવડીયા ખાતે ૧૮૨ મીટરની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું પ્રધાનમંત્રીએ નિર્માણ કરીને લોહપુરૂષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબને સાચી શ્રધ્ધાજંલી અર્પી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાત અમારા માટે યાદગાર બની રહેશે અને તે માટે પ્રધાનમંત્રીને તેઓએ ધન્યવાદ પાઠવ્યા હતા.
. . . . . . . . . . . . . . . . . . . . .

તેવી જ રીતે ચેન્નાઇના શ્રીમતી સુધા મહાદેવન પોતે મૂકબધિર અને એક પગથી વિકલાંગ છે. તેઓએ પણ તેમની સાંકેતિક ભાષામાં પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, તેઓ હાઉસવાઇફ છે અને તેમના પતિ પણ મૂકબધિર છે, જે લિફટમેન તરીકે કામ કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજની આ મુલાકાતથી મલકાતા ચહેરે તેઓ ખૂબ જ પ્રસન્ન હોવાનુ જણાવ્યું હતું.
. . . . . . . . . . . . . . . . . . . . . .
તદ્દઉપરાંત આ પ્રવાસમાં જોડાયેલા મુંબઇના મુકબધિર શ્રી આયુષશાહ અને શ્રી સૈયદુલ રહેમાને પણ તેમની સાંકેતિક ભાષામાં આપેલા પ્રતિભાવમાં આ મુલાકાતથી અંત્યત પ્રભાવિત થવાની સાથે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા