વટવાના ભટ્ટ પરિવારે સ્વર્ગવાસી માતાની બર્થ ડે અનોખી રીતે ઉજવી
મમ્મીના જન્મદિવસે સરદાર પટેલ રિંગ રોડ પર લીમડા અને શેતૂરના વૃક્ષો વાવ્યા
વૃક્ષો વાવવાની સાથે સાથે તેને ઉછેરવાની પણ જવાબદારી સ્વીકારી
વટવા વિસ્તારમાં રહેતા ભટ્ટ પરિવારે તેમની માતાની જન્મદિવસની ઉજવણી પ્રસંગે સરદાર પટેલ રિંગ રોડ ખાતે 11 લીમડા અને 25 શેતૂરના છોડ વાવ્યા છે. માત્ર વૃક્ષારોપણ કરીને છોડી દેવાનું નહીં આ વૃક્ષોને ઉછેરવાની જવાબદારી પણ ભટ્ટ પરિવારએ સ્વીકારી લીધી છે.
અનોખી રીતે માતાના જન્મદિવસની ઉજવણી કરનાર રાકેશ ભટ્ટ, આશિષ ભટ્ટ તથા દર્શન ભટ્ટે જણાવ્યું હતું કે લગભગ દસેક વર્ષ પહેલા તેમના માતા ઇન્દિરાબેન ગોપાલચંદ્ર ભટ્ટનું અવસાન થયું હતું. જ્યારે માતા હયાત હતા ત્યારે તેઓ દર વર્ષે તેમના જન્મદિવસની ઉજવણી કરતા હતા. માતાના અવસાન બાદ પણ તેઓ દર વર્ષે તેમના જન્મદિવસની ઉજવણી કરતા રહે છે.
ચાલુ વર્ષે તેમને પોતાના સંતાનો જીયા અને યુગે એવું સૂચન કર્યું કે ઇન્દુ બાની બર્થ ડે ની ઉજવણી આપણે વૃક્ષારોપણ કરીને કરીએ.
બાળકો નો વિચાર તરત જ પરિવારે સ્વીકારી લીધો અને 11મી જુલાઈના રોજ માતાના જન્મદિવસે સમગ્ર પરિવારે સરદાર પટેલ રિંગરોડ ખાતે વૃક્ષારોપણ કર્યા.
જો સમાજમાં આવી જાગૃતિ આવે તે સજ્જન ના જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરવામાં આવે અને તેને ઉછેરવાની જવાબદારી પણ જે તે પરિવાર સ્વીકારી લે તો ચોક્કસ અમદાવાદમાં જરૂર મુજબના વૃક્ષો ગણતરીના સમયમાં જ તૈયાર થઈ જાય.