હિન્દી ફિલ્મના ઇતિહાસમાં”ડોન”ફિલ્મનું એક વિશિષ્ટ સ્થાન છે.આ ફિલ્મ પોતે જ પોતાનામાં એક ઇતિહાસ છે.
1978માં અમિતાભ બચ્ચન સુપરસ્ટાર હતો અને એ વરસમા અમિતાભની મુકદદર કા સિકંદર,ત્રિશુલ,ડોન,કસમેવાદે, ગંગાકી સૌગંદ અને બેશરમ એમ કુલ 6 ફિલ્મ આવેલી એમાં બેશરમ સિવાયની બધી સુપર હિટ હતી.મુકદદર કા સિકંદર અને ડોન તો મેગાહિટ!
એ જ વરસે વિકટર હ્યુગો ની ક્લાસિક નોવેલ”લા મિઝરેબલ”પરથી બનેલી ફિલ્મ”દેવતા”પણ આવેલી,જેમાં નાયક સંજીવ કુમાર અને ફરજપરસ્ત પોલીસ ઇન્સ્પેકટર જેવર્ટ ની ભૂમિકા ડેની એ ભજવેલી(અગાવ સોહરબ મોદીની ફિલ્મ કુન્દન આ જ નોવેલ પર બનેલી.)
ડોન ફિલ્મના નિર્માતા નરીમાન હતા અને ડિરેક્શન ચંદ્રા બારોટ એ કરેલું.ચંદ્રા બારોટ મનોજકુમારના આસિસ્ટન્ટ તરીકે ઉપકાર,રોટી કપડાં ઓર મકાન ફિલ્મમાં કામ કરેલું,જ્યારે રોટી કપડાં ઓર મકાનના શુટિંગ દરમિયાન અમિતાભ,નરીમાન અને ચંદ્રા બારોટ એ એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું,કારણકે શુટિંગ દરમિયાન નરીમાન ખૂબ ઉદાસ રહેતા અને એમની ઉદાસીનું કારણ એ હતું કે તેઓ એક નિષ્ફળ હિંદી ફિલ્મ બનાવીને દેવામાં ડૂબી ગયા હતા.
ચંદ્રા બારોટ અને અમિતાભે નરીમાનને હિંમત આપી એક બીજી ફિલ્મ બનાવીને દેવામાંથી બહાર નીકળવા સલાહ આપી અને કહ્યું કે ડિરેકટર ચંદ્રા બારોટ અને હીરો અમિતાભ આ ફિલ્મ ચાલશે તો નફો થાય પછી પોતાની ફી લેશે.અને સ્ટોરી સલીમ જાવેદ પાસે થી લખાવવી એવું નક્કી થયું.
સલીમ જાવેદ પાસે જઈ નરીમાનને સ્ટોરી માંગી એટલે સલીમ જાવેદે નરીમાન અને ચંદ્રા બારોટને અમુક તૈયાર સ્ટોરી કહી એમાં આ લોકોને ગમી પણ ગઈ,પણ એ સ્ટોરીનો જે ચાર્જ સલીમ જાવેદે કહ્યો એ નરીમાનની ત્રેવડ નહોતી.સલીમ જાવેદ સમજી ગયા એટલે કહ્યું કે એક સ્ટોરી ઘણા સમયથી પડી છે કોઈ લેતું નથી,ધર્મેન્દ્ર,રાજકુમાર અને દેવઆનંદ એ રિજેક્ટ કરી છે.તમને જો એ સ્ટોરી ચાલી જાય તો અમારે પણ કોઈ ફી નથી જોઈતી.અમે પણ ફિલ્મ નફો કરશે તો જ ફી લઈશું.
આ સ્ટોરી લઈને નરીમાન ચંદ્રા આવ્યા એટલે ઝીનત અમાન,કલ્યાણજી આનંદજી,પ્રાણ શેટ્ટી અને બીજા કસબીઓને પણ બધાએ સમજાવીને નરીમાનને બચાવી લેવા એ જ શરતે ફિલ્મમાં સાઈન કર્યા.
ફિલ્મના શુટિંગ કરવાના થોડાક રૂપિયાનો નરીમાન એ બંદોબસ્ત કર્યો અને શુટિંગ શરૂ કર્યું.પણ બે રિલનું શુટિંગ થયું ત્યાં જ નિર્માતા નરીમાન હાર્ટ એટેક થી ગુજરી ગયા!
આ દુઃખદ ઘટના પછી ફિલ્મ સાથે સંકળાયેલા બધા જ કસબી ભેગા થયા અને ચર્ચા કરીને નક્કી કર્યું કે આપણે બધા ફિલ્મ બનાવીએ અને રિલીઝ કરીએ જો ફિલ્મ નહીં ચાલે તો આપણી મહેનત,સમય એક દોસ્ત માટે બરબાદ અને જો ફિલ્મ ચાલે તો દોસ્તનો પરિવાર દેવા મુક્ત થઈને શાંતિ થી જીવશે અને આપણે બધાએ પણ પોતાની ફી વસૂલવી.
અને આમ આ ડોન ફિલ્મ બનીને તૈયાર થઈ અને રિલીઝ થઈ,ફિલ્મ રિલીઝ થઈ ત્યારે અમિતાભના ડબલ રોલની કોઈ જાહેરાત પણ નહોતી કરાઈ અને શરૂઆતમાં પહેલું અઠવાડિયું ફિલ્મ ડગમગ થઈ હતી.પણ બીજા અઠવાડિયા થી ફૂલ સ્પીડ પકડી લીધી.ફિલ્મની ગતિ એકદમ ફાસ્ટ લાગવાથી બધાએ મળીને એક ગીત વચમાં ઉમેર્યું”ખાઈ કે પાન બનારસ વાલા”અને આ ફિલ્મ એ ઇતિહાસ સર્જી દીધો.
અમિતાભ બચ્ચનને ડોન માટે બેસ્ટ એક્ટર નો એવોર્ડ મળ્યો હતો.હિન્દી ફિલ્મજગતમાં સ્વાર્થ,હરીફાઈ,દુશ્મની એવું બધું તો બહુ સાંભળ્યું વાંચ્યું હોય છે.એમાં આ ફિલ્મ ડોન એ અભૂતપૂર્વ ઘટના છે હિન્દી ફિલ્મ જગતની એકબીજા પ્રત્યે સહકાર,મદદ અને કર્તવ્યભાનની!!!