બ્રાઝીલના સૌથી અમીર અને શક્તિશાળી લોકોમાંના એક ચિક્વિન્હો સ્કાર્પાએ પોતાની સાત કરોડ રૂપિયાની ‘બેંટલે’ કાર દફનાવવાની ઘોષણા કરી હતી. તેણે કહ્યું, ‘હું આમ એટલા માટે કરવા માંગુ છું કે મૃત્યુ બાદ પરલોકમાં પણ હું તેમાં ફરી શકું.’ સ્થાનિક માધ્યમોમાં આ વિચિત્ર ઘોષણાની ખુબ ટીકા થઇ. લોકોએ કહ્યું કે આ કેવો પાગલ આદમી છે. આટલી મોંઘી કારને દફનાવવા કરતા દાનમાં આપી દીધી હોત તો તેનાથી કેટલા બધાનું ભલું થાત. નક્કી કરેલ દિવસે કારની દફનક્રિયા જોવા માટે હજારોની ભીડ એકત્રિત થઈ હતી. લોકોની ઉત્સુકતા દફનક્રિયા જોવા માટે વધતી જતી હતી. આ સમયે ચિક્વિન્હોએ ખુબ સુંદર વાત કરી. તેણે કહ્યું, ‘તમે લોકો મને પાગલ કહી મારી નિંદા કરી રહ્યા છો કારણકે હું મારી કારને દફનાવીને સાત કરોડની કોઈ વસ્તુ બરબાદ કરી રહ્યો છું. પરંતુ એ લોકોનું શું જેઓ મૃત્યુ બાદ પોતાના હદય, કિડની, આંખો સહિતના શરીરના અંગો જેની કિંમત મારી કારથી પણ અનેકગણી મોંઘી છે તે પોતાની સાથે જ દફનાવી દે છે. દુનિયામાં અનેક લોકો હશે જે આવા સ્વસ્થ અંગોની રાહ જોઈ રહ્યા હશે. જેનાથી તેમને નવજીવન મળી શકે છે. મેં પ્રતિજ્ઞા લીધી છે કે મારા તમામ અંગોનું દાન કરીશ. તમે પણ અંગદાન માટે પ્રતિજ્ઞા લો જેથી આપણા અંગો જીવની સાથે અને જીવન પછી પણ બીજા માટે કામ કરતા રહે.’ ચિક્વિન્હોની વાતે હાજર લોકોને અને દુનિયાને અંગદાન માટે એક સુંદર મેસેજ આપી દીધો.
વાર્તાનો સ્ત્રોત (કચ્છશ્રુતિ ઓક્ટોબર ૨૦૧૬)
છેલ્લો બોલ : ધન દૌલત ના ત્રણ જ વિકલ્પ છે. આપીને જાવ, છોડીને જાવ અને સંપીને ખાવ. લઈને જાવ તેવો વિકલ્પ છે જ નહીં પણ લોકો આખી જિંદગી તે વિકલ્પ પાછળ ભાગે છે.
ડો.આશિષ ચોક્સી.
ફોટો. રિપ્રેઝન્ટેટિવ ઓન્લી.