ડોમેસ્ટિક ફ્લાઈટના હજુ ઠેકાણા પડતા નથી: ફ્લાઇટ રદ થતાં મુસાફરો પરેશાન.

રોજેરોજ મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ થઇ રહી છે,મુસાફરો નહીં મળતા હોવાની એરલાઇન્સ કંપનીઓ ની ફરિયાદ યથાવત

કોરોના કહેર ને લઈને લગભગ બે મહિના સુધી તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૫મી મેથી દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. જો કે જ્યારથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે ત્યારથી નિયમિત રીતે મોટી સંખ્યામાં flight રદ થતાં મુસાફરો પરેશાન થઈ ગયા છે. બીજી તરફ એરલાઇન્સ કંપનીઓ દ્વારા પૂરતા પેસેન્જર નહીં મળતા ફ્લાઇટ રદ કરવી પડી રહી હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. હવે ત્રણ કલાક થી એરપોર્ટ પર બેસી રહેલા મુસાફરને ફ્લાઇટ રદ થઇ તેમ કહી દેવામાં આવતા મુસાફરો નારાજ થયા છે.

કોરોના નું સંક્રમણ સતત વધતા બંધ કરાયેલી ડોમેસ્ટિક ફ્લાઈટ મે મહિનાની 25 તારીખ થી શરૂ કરવામાં આવી છે. જો કે પૂરતી તૈયારી વગર જ ફ્લાઇટ શરૂ કરી દેવાનો નિર્ણય ઉતાવળિયો પુરવાર થયો હતો. જે દિવસથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરાઇ છે તે દિવસથી જ લગભગ ૫૦ ટકા ફ્લાઇટ રદ થઇ રહી છે. જેને લીધે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. નવી ગાઇડલાઇન મુજબ મુસાફરોએ ફ્લાઇટના ત્રણ કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી જવાનું હોય છે અને હવે ત્રણ કલાક એરપોર્ટ પર બેઠા બાદ તેમને તેમની ફ્લાઇટ રદ થયાની જાણ કરવામાં આવી રહી છે.

જેને કારણે મુસાફરો એરપોર્ટ જતી વખતે જ તે ચિંતામાં હોય છે કે પોતાની ફ્લાઈટ ઉપડશે કે પછી રદ થશે?.