વાસ એ જ વાસના. – શિલ્પા શાહ. ડાયરેકટર ઇન્ચાર્જ. H.K.B.B.A. કોલેજ.

ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે વાસના શબ્દ સાંભળ્યો નહી હોય, કેમ કે જીવનરૂપી સમગ્ર રમત કે સંસારરૂપી માયા પાછળનો એક માત્ર દિગ્દર્શક જે માણસને નચાવે તે હકીકતમાં વાસના તો છે. વળી મોક્ષ કેવલજ્ઞાન કે સમગ્ર આધ્યાત્મિકતાનું એક માત્ર કેન્દ્ર વાસનાક્ષય તો છે. આમ આપણે યુગોથી સનાતન સત્ય જાણીએ છીએ કે વાસનાનો ખૂબ મોટો અને મહત્વનો રોલ જીવમાત્રના અસ્તિત્વ પાછળ રહેલો છે. જેથી એ સમજવું આવશ્યક છે કે વાસના કોને કહેવાય? એ શું કાર્ય કરે? એની ઓળખ કેવી રીતે થાય? તેના પ્રકાર કેટલા? અને તેનાથી મુક્ત થવાના ઉપાયો કયા? તો આવો આજે વિગતે વાસનાનો પરિચય કેળવીયે કેમકે પરિચય વગર આગળ વધવું કેવી રીતે?
જેમ કોઈ સ્થાન પર ગુલાબ-મોગરા જેવા ફૂલો પડ્યા હોય અને લાંબો સમય ત્યાં રહે પછી ત્યાંથી હટાવી લેવામાં આવે તો પણ ત્યાં તેની વાસનું અસ્તિત્વ રહે છે, ડુંગળી કે લસણની પેસ્ટ કોઈ બોટલમાં ભરી હોય તો વપરાઈ ગયા પછી ખાલી કરી તેને સાફ કર્યા બાદ પણ લાંબા સમય સુધી તેમાંથી વાસ જતી નથી, હિંગની ડબ્બીમાં બીજી વસ્તુ ભરવા છતાં ખોલો ત્યારે એની વાસ યાદ અપાવે છે કે આ બોટલમાં પહેલા હિંગનું અસ્તિત્વ હતું. એવું જ અથાણાની બાબતમાં પણ આપણે અનુભવ્યું જ હશે, આ વાસ એ બીજું કાંઈ નથી પરંતુ વાસના છે. અનંતકાળથી જુદી-જુદી યોની કે શરીર વડે જીવ દ્વારા થયેલા કર્મો અને ભાવનાઓ (ઈચ્છાઓ) સંસ્કાર(વાસ) મૂકીને જાય છે અને આવી સંસ્કારયુક્ત વાસ એ બીજું કાંઈ નહીં જીવની વાસના છે, જે તેનો પીછો જલ્દી છોડતી નથી.
હવે સમજીએ કે આ વાસનાનું કાર્ય શું છે? આપણે સૌ જાણીએ છીએ કે આત્મા અજર-અમર છે, તેનો નાશ શક્ય નથી એટલે જીવ જ્યારે શરીર છોડે (મૃત્યુ પામે) ત્યારે પૂર્વજન્મની વાસના એની સાથે જાય છે. શાસ્ત્રો જણાવે છે કે આપણે જેમ જૂનું ઘર બદલી નવા ઘરે જઈએ ત્યારે જૂના ઘરનો ઘણો સામાન સાથે લઈ જઈએ છીએ તે રીતે જન્મોજન્મની વાસના વ્યક્તિની સાથે જાય છે. શાસ્ત્રો અનુસાર મૃત્યુ પછી જીવની સાથે ત્રણ બાબતો જાય છે ૧) વિદ્યા ૨) કર્મ અને ૩)પૂર્વપ્રજ્ઞા(સંસ્કાર). વિદ્યા એટલે ઉપાસના, જન્મોજન્મ દ્વારા સેવેલી ભાવના(ઈચ્છા) જે સમય-સમયે કર્મનું રૂપ ધારણ કરે. ભાવના(ઉપાસના) અને કર્મ ભેગા મળી સંસ્કાર(પૂર્વપ્રજ્ઞા) એકત્રિત કરે. જે વાસનાનું રૂપ ધારણ કરે અને જન્મોજન્મ તેની સાથે રહે અને સમયે સમયે તેને એ અનુસાર નચાવે રાખે. આવી વાસનાઓનો આધારે જ આપણો સ્વભાવ, ક્રિયાઓ, ગમો-અણગમો, ઈચ્છા વગેરે નક્કી થાય. આપણે સૌ જાણીએ છીએ કે આપણો આપણી ઈચ્છા, સ્વભાવ, ગમા-અણગમા પર કાબૂ નથી એના નચાવ્યા જ આપણે સમગ્ર જીવન નાચીયે છીએ. ક્યારે કઈ ઈચ્છા કે કામના જન્મશે તે આપણે જાણતા નથી, ક્યારે કઈ બાબત પર આપણને પ્રેમ કે તિરસ્કાર પેદા થશે તે આપણા હાથમાં નથી, આવી તમામ પરિસ્થિતિ પૂર્વપ્રજ્ઞા દ્વારા સર્જાય છે. જેમ કે સીતાજીને સુવર્ણમૃગ પ્રાપ્તિની ઇચ્છા થઈ અને રામાયણ સર્જાઈ. એકવાર કોઈ કામના(ઈચ્છા) ઉદ્દભવે એટલે તે પ્રાપ્તિ અંગેનો વ્યક્તિ સંકલ્પ કરે, તેની પૂર્તિ માટેનો પરોક્ષ કે પ્રત્યક્ષ પ્રયત્ન કરે, જેથી કર્મો ઉદભવે, જે કર્મ પોતાની છાપ કે વાસ છોડતો જાય, આ જ રીતે અનંત જન્મોથી કામના-સંકલ્પ-કર્મો અને સંસ્કાર(વાસના) નો ઢગલો આપણે ઉભો કર્યો છે. જેટલા ભોગવાય તેટલા આપણે ભોગવીએ છે અને બાકી રહેલા કર્મો ભોગવવા અનેક નવા જન્મ અને દેહો ધારણ કરીએ છીએ અને ફરી આ જ પરંપરા અવિરત ચાલ્યા કરે છે. એટલે જ ભગવદ્-ગીતામાં જણાવ્યું છે કે અંતિમ સમયે (અંતકાળે કે મૃત્યુ સમયે) જેવું વિચારશો (જેવી વાસના હશે) તે પ્રમાણેનો નવો જન્મ કે દેહ મળશે. પરંતુ એ કદી ન ભૂલવું કે આખી જિંદગી જેનો અભ્યાસ કર્યો હોય અંતસમયે તે જ યાદ આવતું હોય છે. આખી જિંદગી ધન પાછળ ભાગેલા માણસને અંત સમયે ભગવાનની યાદ કદી ન આવે કે મુક્તિની ઈચ્છા કદી ન જન્મે એટલે જ સમગ્ર જીવન વાસનામુક્તિ કે વૈરાગ્યનો અભ્યાસ કરવાની શાસ્ત્રો સલાહ આપે છે, જે ખૂબ વૈજ્ઞાનિક છે.
વાસનાનો અર્થ અને કાર્ય ઉપર પ્રમાણે જાણ્યા પછી સ્વાભાવિક પ્રશ્ન થાય કે આપણામાં વાસના છે કે નહીં તેની ખબર કેવી રીતે પડે? વાસનાને ઓળખવાનો એક સરળ રસ્તો આપણા પોતાના વર્તનનો અભ્યાસ છે. સામાન્ય રીતે આપણા વર્તન અનેક પ્રકારના હોય છે જેમ કે ૧) આવેગાત્મક વર્તન ૨) વિવેકાત્મક વર્તન ૩) ત્વરિતવર્તન ૪) ઇચ્છિત કે પૂર્વનિર્ધારિત વર્તન વગેરેવગેરે. જ્યારે આપણું વર્તન વધુ પડતું આવેગાત્મક હોય ત્યારે સમજવું વાસના ભરેલી પડી છે. આવેગ એટલે જેના વશમાં આપણે છીએ તે, જેના દ્વારા અજાણતા કે પૂર્વ ઈચ્છા વગર એટલે કે અનિચ્છાએ કર્મ થઈ જાય. દા.ત. કોઈ વસ્તુ મફતમાં મળતી હોય તો લેવાની ઈચ્છા થઈ જાય ભલે કામની ન હોય, કોઈને આગળ નીકળતો જોઈ ઈર્ષા થાય કે તેની સાથે સ્પર્ધા કરીએ, કોઈનો હક્ક મારવાની ઈચ્છાને રોકી ન શકાય, (ઘણા લોકો સંપત્તિમાં સગાભાઈનો હક છીનવી લેતા હોય છે) કોઈ વ્યક્તિને જોઇ અકારણ ક્રોધ જન્મે, એ જ રીતે અજાણી વ્યક્તિ પર અકારણ પ્રેમ કે લાગણી ઉદભવે કે સહાનૂભૂતિ જન્મે, આ બધા આવેગાત્મક વર્તનના ઉદાહરણો છે. જેની પાછળ વાસના જવાબદાર છે. આપણે આવા આવેગ કે વાસનાના શાસનમાં છીએ. વાસ્તવમાં આપણે વાસનાના ગુલામ છીએ જેથી અનિચ્છાએ પણ રાગ-દ્વેષ, સ્પર્ધા, ક્રોધ, ચોરી, અહંકાર વગેરે થઈ જાય છે, જેની પાછળ પૂર્વ અનેક જન્મોના લેણદેણ, પ્રબળ પ્રારબ્ધ, વધુ પડતું એ દિશાનું ચિંતન વગેરે કારણો જવાબદાર હોય છે. એટલા માટે શાસ્ત્રોની સલાહ છે કે બીજરૂપે પડેલી વાસનાને અંકુરિત કરે તેવા નિમિત્તો અને અયોગ્ય ચિંતન (કાર્યોથી) દૂર રહેવું જોઈએ. આપણે જાણીએ છીએ જમીનમાં કોઈ બીજ દબાયેલા હોય તો વરસાદની સાથે તે અંકુરિત થાય છે. આમ બીજમાંથી છોડ અંકુરિત થવા પાછળ માત્ર વરસાદ જવાબદાર નથી. વરસાદ તો નિમિત્ત માત્ર છે. જો બીજ જ ન હોત તો વરસાદ કંઈ જ કરી શકે નહીં. બીજને યોગ્ય વાતાવરણ (એટલે જમીન, ખાતર, વરસાદ, સૂર્યપ્રકાશ) અંકુરિત થવા માટે ન મળત તો તે યથાકાળે ખતમ થઈ જાત. ટૂંકમાં આપણે સ્વતંત્ર છીએ જ નહીં, વાસનાના ગુલામ છીએ, તેના નચાવ્યા જ નાચીએ છીએ. અંતરઆત્માના અવાજને સાંભળ્યા વગર વાસનાના શાસન હેઠળ જ અનેક જન્મો પસાર કરીએ છીએ.
આવી વાસના બે પ્રકારની હોય છે ૧)શુભવાસના અને ૨)અશુભવાસના. શુભવાસના ધર્મની વાસના છે, જે પૂર્વનિર્મિત પણ હોઇ શકે અને તેને પ્રયત્નપૂર્વક કેળવી પણ શકાય જેમ કે દૈવીસંપદા (સદ્-ગુણો) પ્રાપ્ત કરવા, દાન, તપ, યજ્ઞ વગેરે શુભવાસનાના ઉદાહરણ છે. જેના દ્વારા જીવનું કલ્યાણ શક્ય બને છે. જ્યારે બીજી અશુભ ભાવના કે જે પૂર્વપ્રજ્ઞા કે સંસ્કારોને કારણે સ્વાભાવિક પ્રાપ્ત થાય છે. આવી અશુભ વાસનાઓ ઘણી હોય છે જેમ કે ૧)દેહવાસના-જેમાં દેહને શણગારવો, તેને રૂડોરૂપાળો લોકો સામે દેખાડવાની વાસના રહે. ૨)લોકવાસના એટલે સમાજમાં મોભો, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની ઈચ્છા ૩)શાસ્ત્રવાસના એટલે દુનિયામાં જેટલા શાસ્ત્રો છે એ બધા હું વાંચી નાખું તેવી ઈચ્છા વગેરે ઘણીબધી સ્વાભાવિક અને પૂર્વનિર્મિત વાસના જે અશુભવાસના છે. જેના કારણે જીવને ભટકી જવાનું કે ભૂલા પડવાનું જોખમ રહેલું છે. જેના કારણે જીવ તેના વાસ્તવિક મુકામે (પરમાત્માપ્રાપ્તિ) પાછો પહોંચી શકતો નથી.
આવી જન્મોજન્મની વાસનામાંથી મુક્ત થવાના મુખ્ય પાંચ-છ ઉપાયો છે.
૧) શાસનનો સ્વીકાર – આપણે આગળ જોયું તેમ વાસનાના શાસનમાં રહી, ગુલામની જેમ તે નચાવે તેમ નાચવું એના બદલે માતા-પિતા, ગુરૂ, ધર્મ, શાસ્ત્રોના શાસનમાં રહેવું ઉત્તમ છે. કેમ કે જ્યાં સુધી સાચું કે ખોટું સમજવા આપણે પુખ્ત અને લાયક ન બનીએ ત્યાં સુધી સિદ્ધ કે યોગ્ય શાસનનો સહારો લેવો જરૂરી છે. ઉત્તમ શાસનના સ્વીકારનો એક સૌથી મોટો ફાયદો એ છે કે આપણે અન્યનું સ્વીકારતા થઈ જઈએ છીએ. એટલે કે મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખતા શીખી જઈએ છીએ. કેમ કે શાસનમાં તમે છો જ નહીં, ગુરૂ માતા-પિતા કે શાસ્ત્રોની આજ્ઞા અનુસાર જીવન જીવવાનો તમે સંકલ્પ કરી લીધો છે. આમ આપોઆપ કોઈ જ્ઞાન,આવડત કે સમજણ વગર અનિષ્ટથી બચી જવાય છે. પોતાની બુદ્ધિ દોડાવ્યા વગર, અજ્ઞાની અવસ્થામાં પણ પાપમુક્તિ, વાસનાક્ષય અને ઈશ્વરપ્રાપ્તિ શક્ય બને છે.
૨) હિન્દુસંસ્કૃતિમાં જણાવ્યા મુજબના સોળ સંસ્કાર વ્યક્તિને શુદ્ધ, પવિત્ર અને વાસનામુક્ત કરવાની જ વ્યવસ્થા છે, જેથી તે દરેકનો આદર કરવો જોઈએ અને તે અનુસારનું આચરણ કરવું જોઈએ.
૩) આહારશુદ્ધિ – આહાર એટલે માત્ર ખોરાક નહીં, આપણે આપણી પાંચેય ઈન્દ્રિયો દ્વારા જે કોઈ બાબત ગ્રહણ કરીએ છીએ તે આપણો આહાર છે, જેમ કે જીભ દ્વારા બોલવું અને ખાવું, આંખો દ્વારા જોવું, કાન દ્વારા સાંભળવું, નાક દ્વારા સુંઘવું અને ચામડી દ્વારા સ્પર્શવું કે અનુભવવું, તે તમામ કાર્યો પવિત્ર બનવા જોઈએ. ન ખરાબ જોવાય, ન બોલાય, ન અડકાય, ન અનુભવાય. કેમ કે આ તમામ પતનની સીડી છે. એકવાર લપસ્યા પછી પાછા ફરવું કે સંભલી જવું ઘણું કઠિન છે. પાંચેય ઈન્દ્રિયો દ્વારા થતો આહાર જ શરીરમાં કફ, પિત્ત અને વાયુ બનાવે છે. જે આરોગ્ય અને રોગ માટેના જવાબદાર કારણો છે. સંપૂર્ણ દિનચર્યા ઇન્દ્રિયોની પવિત્ર હોય તો વાસનાનો ક્ષય સરળ બને.
૪) કર્મયોગ – કોઈપણ કર્મ વાસનાથી પ્રેરાઈને, સંકલ્પ સાથે, ઈચ્છાપૂર્તિ માટે કે ફળની અપેક્ષા રાખીને કરવામાં કર્મ બંધાય છે. જે ફરી વાસના-ભાવના-સંકલ્પ-પૂર્વપ્રજ્ઞા(સંસ્કાર)-કર્મ અને પ્રારબ્ધનું વિષચક્ર સર્જે છે. જેથી દરેક કાર્યો ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરવા, નિષ્કામકર્મ કરવા એટલે કે વાસનાથી શાસિત કર્મો ત્યજવા, કર્તાભાવને દૂર કરી દ્રષ્ટાભાવ પેદા કરવો. જે વાસનાક્ષય માટેનો ઉત્તમ માર્ગ છે. જેની વિગતે સમજૂતી ભગવદ્ ગીતામાં આપેલી છે, જે આપણે સૌ જાણીએ છીએ.
૫) ઉપાસના-ધ્યાન-પૂજા-નામસ્મરણ વગેરેનું સતત સાંનિધ્ય રાખવું. એકાંતમાં ચિંતન-મનન, વાંચન, નિદિધ્યાસન વગેરે કરવું. બે વ્યક્તિ મળે તો સત્સંગ કરવો અને મોટું ગ્રુપ ભેગુ થાય તો કથા કે ભાષણ યોજવા. ટૂંકમાં તમામ પ્રયત્નો દ્વારા મનને ઈશ્વરમાં (ઉત્તમમાં) જોડી રાખવું, વ્યસ્ત રાખવું. કેમ કે “નવરુ મન નખ્ખોદ વાળે” તે આપણે જાણીએ છીએ. મનની દિશા અને વિચારોની ગુણવત્તા તરફ સતત ધ્યાન આપવું અને તેની નોંધ રાખવી કે મન કઈ તરફ વિશેષ જાય છે? જેથી અયોગ્ય વિચાર મનમાંપ્રવેશી ન શકે. વળી પ્રયત્નપૂર્વક ઉત્તમ વિચારોને મનમાં દાખલ કરવા, સ્થિર કરવા. આવો અભ્યાસ સતત અવિરત નિરંતર ચાલુ રાખવો. સ્પર્ધાને મિત્રતામાં બદલો, ઈર્ષાને પ્રસન્નતામાં બદલો, અહંકારને સ્વીકારમાં બદલો, અને વેદાંતના ચિંતન દ્વારા વાસનાનો ક્ષય કરો. આમ તો ધ્યાન એ બીજું કંઈ નહીં મનને “સ્ટેચ્યુ” કહેવાની વ્યવસ્થા છે એટલે કે મનને શાંત અને સ્થિર કરવાની વ્યવસ્થા છે. જેને એક સ્વાભાવિક રમતની જેમ નિરંતર રમવી જોઈએ.
૬) તત્વજ્ઞાનપ્રાપ્તિ – સતત પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર રહેવું. આત્માનું શુદ્ધ સ્વરૂપ એટલે સત્ ચિત્ અને આનંદ. જેથી કંઈ ખરાબ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું, વળી સતત જાગૃત રહેવું કે હું શુદ્ધાત્મા છું અને મારાથી કંઈ ખરાબ થાય કેવી રીતે? એ ભાવને સતત જાળવી રાખવો પડે. ઉપરાંત સતત પ્રયત્ન પણ ચાલુ રાખવો પડે કેમ કે અભ્યાસ વગર કોઈ વસ્તુની પ્રાપ્તિ શક્ય નથી. સંકલ્પ અને અભ્યાસ દ્વારા અલભ્ય પ્રાપ્તિ પણ શક્ય છે. વળી સંસારની દરેક યોની દુઃખયોની છે, તે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ એટલે કે સંસારના વાસ્તવિક સ્વરૂપને સમજવું એ જ તત્વજ્ઞાનપ્રાપ્તિ કહેવાય. જેમાંથી છૂટવાની ઈચ્છા થાય એટલે સમજવું તત્વજ્ઞાન પ્રાપ્ત થયું. ઈન્દ્રિયો, મન-બુદ્ધિ વાસનાના મુખ્ય સ્થાન છે. ઈન્દ્રિયોમાં સ્થૂળવાસના રહે છે જ્યારે મન અને બુદ્ધિમાં સૂક્ષ્મવાસના રહે છે..આમ સ્થાનની ઓળખ દ્વારા તે તમામ સ્થાનમાંથી વાસનાને દૂર કરવાનો પ્રયત્ન કરવો અનિવાર્ય છે.
વાસ્તવમાં તપ, દાન, યજ્ઞ વગેરે દ્વારા આપણે રસ દૂર કરવાનો છે એટલે વાસનાનો નાશ કરવાનો છે, માત્ર તે ભોગને મુલતવી રાખવાની વ્યવસ્થા કરવાની નથી પરંતુ આપણે ભોગને મુલતવી રાખીએ છીએ. જે વાસ્તવિક વૈરાગ્ય નથી, જેના કારણે ભોગવૃત્તિના બીજ તો યથાવત જ રહે છે અને ફરી અનુકૂળતા મળતા અંકુરિત થાય છે, જેમ કે દસ દિવસના ઉપવાસ એ વૈરાગ્ય નથી, પરંતુ મર્યાદિત સમય માટે આપણે ભોગને મુલતવી રાખવાની વ્યવસ્થા કરી છે અને અગિયારમા દિવસે આહાર પ્રત્યેની વાસના ભભૂકી ઊઠે છે. આવું ન થાય તેનું ધ્યાન રાખવું આવશ્યક છે. સમજણ સાથે એટલે જ્ઞાનપ્રાપ્તિ દ્વારા ઇન્દ્રિયોના રસને દૂર કરવાનો પ્રયત્ન થવો જોઈએ. જ્યારે કોઈ બાબત દુઃખદાયક છે એવું બ્રહ્મજ્ઞાન થઇ જાય પછી તેને છોડવી સરળ બને છે. ટૂંકમાં સંસારની ભોગવૃત્તિની વાસ્તવિકતાને સમજવી કે તે અત્યંત પીડાદાયક છે જેથી તેમાંથી રસ દૂર થાય.
મનુષ્ય જીવનની શ્રેષ્ઠ ઉપલબ્ધિ એટલે જીવનમુક્તિ (એટલે તમામ પ્રકારના દેહના બંધનો અને સંબંધોના બંધનોમાંથી મુક્ત થવું) કેમ કે તે જ સર્વ પીડાઓનું મૂળ છે. આવી જીવનમુક્તિના ત્રણ સાધનો છે ૧) તત્વજ્ઞાનપ્રાપ્તિ 2) મનોનાશ કે મનશુદ્ધિ અને ૩)વાસનાક્ષય. પરંતુ તત્વજ્ઞાનપ્રાપ્તિ કે મનશુદ્ધિ વાસનાક્ષય વગર શક્ય નથી. જેથી જીવનમુક્તિ માટે સૌથી મહત્વનું સાધન કે સાધના એ વાસનાક્ષય છે. લસણ, ડુંગળી કે હિંગવાળા વાસનામય વાસણમાં કેસર-બદામવાળું દૂધ નાખો તોય વાસ તો હિંગ, લસણ કે ડુંગળીની જ રહેશે, એમ વાસનાયુક્ત મનમાં તત્ત્વજ્ઞાનનો પ્રકાશ કે હયાતિ શક્ય નથી. જેમ જમીનમાં સોનાની ક્યારી બનાવી, કસ્તુરીનું ખાતર નાખો પરંતુ વાવણી ડુંગળીની કરો તો પ્રાપ્ત શું થાય? તે આપણે સૌ સમજી શકીએ છીએ. આમ વાસના કોને કહેવાય? તેનું કાર્ય શું? તેના પ્રકાર કેટલા? વગેરેને ઓળખી તેના નાશ માટેના ઉપાયો યોજવા જોઈએ. જેથી મનુષ્યજીવનની શ્રેષ્ઠ ઉપલબ્ધિ (જીવનમુક્તિની પ્રાપ્તિ) થઇ શકે.