વર્ષાના જ્યાં પ્રથમ પ્રણામ લાગે છે
પ્રણયના પુષ્પને ગુમાન લાગે છે
લીલાછમ બાગમાં કેસરિયા ગુલમહોર
વિશ્વ જાણે ફૂલોની દુકાન લાગે છે
નીતરતી બુંદનું જાદુઈ નર્તન જાણે
ઈશ્વરના ઘરનો સામાન લાગે છે
ફોરાંની સરગમ ને તમરાંનું ગુંજન
શ્રાવણનું અહિયાં મકાન લાગે છે
સેવ્યાં છે સપનાં ક્ષિતિજ પાર જવાનાં
અંબર ધરતી જ્યાં એકસમાન લાગે છે
વીજ વૃક્ષ પવન ગગન નદી સરવર સાગર
પ્રેમીઓને તો સઘળું મહાન લાગે છે
તાજાં સુગંધિત આ નમણાં ફૂલો પર
ભ્રમરનું બેસવું આલીશાન લાગે છે
પૂજન મજમુદાર ૧૭/૦૮/૨૦૦૩