પ્રિયજનો,
મા ની મહત્તાનો દિવસ આમતો આજે ઉજવાય છે પણ એ તો આ એક દિવસની ઉજવણી પણ ક્યાં માંગે છે? ૩૬૫ દિવસ જેના માતૃત્વનો દરિયો ઘૂઘવતો રહે એને માત્ર એક દિવસની યાદાંજલી તો ન જ અપાય.
આપના જીવનનો કોઈ દિવસ એવો નહિ હોય જેમાંથી આપણે મા ના હોવાની બાદબાકી કરી શકીએ, જેમાં એની શિખામણ, સમજણ, કેળવણી, સંસ્કાર, સ્નેહ, કરુણા, ગુસ્સો, ચિંતા અને આવી અનેક લાગણીઓ આપણા રોજીંદા જીવનમાં વણાયેલી હોય જ છે.
સવારમાં “ક્યાં જાય છે, ક્યારે આવીશ?” જેવા સવાલોએ કદાચ આપણને ક્યારેક ગુસ્સો આપ્યો હશે કે “બેટા, જમી લીધું?” જેવા સવાલોનો આપણે બેદરકારીથી જવાબ આપ્યો હશે, એવું બન્યું જ હશે, પણ જીવનપર્યંત પોતાનું કાઈંજ વિચાર્યા વિના માત્ર ને માત્ર સંતાનને પ્રાધાન્ય આપે છે મા, એ કોઈ ચર્ચાનો વિષય નથી.
ગર્ભધારણ કર્યા થી માંડીને માતૃત્વ પ્રાપ્ત કર્યા સુધીની કઠિન સફર એજ પૂર્ણ કરી શકે એમાં બેમત નથી. માતૃત્વ જ એને સંપૂર્ણ સ્ત્રીત્વ પ્રદાન કરે છે. આખી જિંદગી સંતાનોની પાછળ કરેલા ઢસરડા સામે એ ફક્ત મીઠું સ્મિત કે સારા જવાબની જ આશા રાખે છે, અને એટલું જો આપણે આ જીવનભર એના અમૂલ્ય ત્યાગ માટે કરી શકીએ તો આજના દિવસે એને સાચા પ્રણામ ગણાશે.
આજના દિવસને અનુલક્ષીને એક સ્વરચિત કાવ્ય અહીં પ્રસ્તુત કરવા માંગું છું, જેમાં એક નાના બાળકની નજરે એની મા ની દિનચર્યા કેવી હોય છે.
નમસ્કાર.
_________________________
પાંચ વાગ્યા તારા ઉઠવાનો ટાઈમ થયો મમ્મી
હજી માંડ સુતી ત્યાંજ ઉઠવાનો ટાઈમ થયો મમ્મી
કુકડો પણ ક્યારેક જાગે તારા જાગ્યા પછી
સૌને એક પછી એક જગાડવાનો ટાઈમ થયો મમ્મી
ચહા કોફી બોર્નવીટા ને બે ત્રણ જાતના નાસ્તા
જલ્દી મારું લંચબોક્સ ભરવાનો ટાઈમ થયો મમ્મી
છાપું વાંચી લેશે આખું પપ્પા ચહા પીતાં પીતાં
મને સ્કૂલબસ સુધી મુકવાનો ટાઈમ થયો મમ્મી
રસોઈની રામાયણમાં તારી કોફી તો રહીજ ગઈ
જો પપ્પાને ટીફીન આપવાનો ટાઈમ થયો મમ્મી
દાદા દાદીને જમાડીને હજી હમણાં જ સુવાડ્યાં
ભુલાઈ ગયેલા કામ કરવાનો ટાઈમ થયો મમ્મી
બજારથી આવતાં સાંજ ક્યાં પડી ગઈ કોને ખબર
રસોડે ફરી હાજરી પુરાવવાનો ટાઈમ થયો મમ્મી
તારી મનગમતી સીરીયલ આજે ફરી જોવા ન મળી
કાલે વ્હેલા ઉઠવા થોડું સુવાનો ટાઈમ થયો મમ્મી
પૂજન મજમુદાર ૧૦/૦૫/૨૦૨૦