કર્મકાંડને વ્યવસાય ગણી બ્રાહ્મણોને સરકાર તાત્કાલિક ધોરણે લોન આપે – ડો. યજ્ઞેશ દવે.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) ના મહામંત્રી ડો. યજ્ઞેશ દવે એ સરકાર સમક્ષ રજૂઆત કરી કે કોરોના મહામારીના કારણે ભારત ભરમાં અને ગુજરાતમાં તમામ મંદિરો બંધ છે અને સાથે સામાજિક પ્રસંગો પર પ્રતિબંધ છે ત્યારે ગુજરાતમાં વસતા કર્મકાંડી બ્રાહ્મણોનો વ્યવસાય બંધ હોવાથી આર્થિક સ્થિતિ નબળી બની રહી છે. ગુજરાત રાજ્ય માં 62 લાખ થી વધુ બ્રાહ્મણો વસવાટ કરે છે. જે પૈકી મોટાભાગના બ્રાહ્મણ પરિવારો કર્મકાંડ અને રસોઈના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જે છેલ્લા 2 મહિના કરતાં વધુ થી સંપૂર્ણ બંધ છે, અને આવનારા સમય માં પણ બંધ રહે તેવું લાગી રહ્યું છે. ભારત સરકારના આત્મનિર્ભર યોજના અન્વયે ગુજરાત સરકારે જાહેર કરેલ નાના વ્યવસાયો માટે ની લોન હેઠળ 1 લાખ સુધી ની લોન ની યોજના જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત ગુજરાત માં વસતા અને કર્મકાંડ અને રસોઈ નો વ્યવસાય કરતા આર્થિક નબળા બ્રાહ્મણો ને 1 લાખ થી લઇ 25000 સુધી ની લોન ધારાધોરણ મુજબ તાત્કાલિક ધોરણે પ્રદાન કરવામાં આવે જેથી તેઓનું જીવન ધોરણ સચવાઇ રહે. જો સરકાર વાણંદ, મોચી, દરજી, અને પ્રજાપતિ તેમજ પંચાલ સમાજ ના પરંપરાગત વ્યવસાય ને નાના વ્યવસાય નો દરજજો આપી તેને આ લોન હેઠળ આવરી લેવાતી હોય તો કર્મકાંડ એ પણ એક વ્યવસાય છે. તેમજ 3 મહિનાના વીજ બિલ તથા શાળા/કોલેજ ની ફી માં રાહત આપવામાં આવે.
વધુમાં ડો. યજ્ઞેશ દવે એ જણાવ્યુ કે કર્મકાંડી બ્રાહ્મણો કોઈ સહાયની માંગણી નથી કરી રહ્યા ફક્ત જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ ની સગવડતા માટે આર્થિક લોન ની માંગણી કરી રહ્યા છે જે સરકારશ્રી/બેન્ક ને પરત કરવામાં આવશે. સરકારશ્રી આ વાત ને ગંભીરતાથી લઈ ગુજરાત માં વસતા કર્મકાંડી બ્રાહ્મણો ના હિત માં યોગ્ય નિર્ણય લે તેવી માંગણી કરેલ છે.