મારુ રંગીલુ રાજકોટ. – કુણાલ સોની.

રાજકોટ સંપૂર્ણપણે વર્તમાનકાળમાં જીવતું શહેર છે. આ શહેરને ભૂતકાળનો બહુ ખાસ રંજ કે ખરખરો નથી અને ભવિષ્યકાળની બહુ બધી ફિકર પણ નથી. આ શહેરના લોકો આજ-અટાણે મજા કરી લેવામાં માને છે.

અમુક લોકો રાતે ત્રણ વાગ્યે ચા પીને ઘરે જાય છે તો અમુક લોકો ત્રણ વાગ્યે આ ચા પીવા ઘરમાંથી બહાર નીકળે છે. ટૂંકમાં, ગામ રેઢું ન રહેવું જોઈએ બસ!

જુદાં જુદાં ગામડાંમાંથી માઇગ્રેટ થઈને જુદી જુદી જાતના-ભાતના ને નાતના લોકોએ રાજકોટને પચરંગી બનાવ્યું છે.

એટલે જ તો રાજકોટનું કોઈ એક કલ્ચર નથી બસ, એ જ તો રાજકોટનું ‘કલ્ચર’ છે.

રાજકોટ કાઠિયાવાડીઓનું ‘અમેરિકા’ છે.

અહીં સંતોનું પણ બધાં માને છે.

રાજકોટમાં કરોડ કરોડની ગાડીવાળા પણ મોજમાં છે તો છકડા રિક્ષાવાળો પણ ઉદાસ નથી.

અહીં દરેક માણસ પોતાને પરવડે એવી મોજની ખોજ કરી લ્યે છે. રાજકોટને રાણીમા-રૃડીમા અને રણછોડદાસજીના આશીર્વાદ છે એટલે જ તો આ શહેર રાતે નથી વધતું એટલું દિવસે વધે છે.

રાજકોટમાં અગિયારસો રૃપિયાની થાળી લગ્નપ્રસંગમાં જમાડવાવાળા કેટરિંગનું પણ ચાલે છે તો ફૂટપાથ પર પાણીપૂરી વેચનારો પણ ફ્રી નથી.

અહીં ફૂટપાથ કોઈની પણ મંજૂરી વગર ચાની લારી માટે પાંચ પાંચ લાખમાં કોઈ પણ જાતના દસ્તાવેજ વગર મરદની મૂછ માથે વેચાઈ જાય છે.

એક વાર નર્કમાં કેટલાક લોકો આરામથી વડલા હેઠે પાણાનું ઓશિકું કરીને ઘસઘસાટ સૂતા હતા. ચિત્રગુપ્તે યમરાજાને પૂછયું કે, “આ કોણ છે!” યમરાજ કહે, “સર, આ રાજકોટના લોકો છે, સાલ્લા ગમે ત્યાં સેટ થઈ જ જાય છે!”

રાજકોટમાં જે હાલે એ આખા ગુજરાતમાં ચાલે.

રાજકોટવાસીઓ માટે લખેલી એક હળવીફૂલ કવિતા માણો.

એક હાથમાં ફૂલડાં રાખે, બીજા હાથમાં ધોકો,

સાવ અનોખા યાર અમારાં, રાજકોટના લોકો.

આંખોમાં સપનાં લઈ વહેલા ઊઠતા રોજ,

લોકો જ્યાં મસ્તી લૂંટવાનો કાયમ ગોતે મોકો

સાવ અનોખા યાર અમારા રાજકોટના લોકો..!

ગજબનું શહેર છે યાર આ રાજકોટ. રોડના એક કાંઠે તમને પૂર્ણ ભારતીય પોશાકવાળી સાડી સેંથાવાળી ગુજરાતણ સ્ત્રી જોવા મળે તો સામો કાંઠે બોલ્ડ ટાઇટ જીન્સ અને સ્લીવલેસ ટીશર્ટમાં છાનીમૂની ગલીમાં સિગારેટ પીતી કન્યા પણ જડી આવે.

રેલવે સ્ટેશન પર એક અજાણી છોકરીએ બારી બહાર ડોકું કાઢી એક છોકરાને પૂછયું કે, “કયું શહેર છે” છોકરો કહે, ” ફ્રેન્ડશિપ કર તો કહું!” છોકરી હસીને બોલી કે સમજાઈ ગ્યું રાજકોટ આવી ગ્યું!

રાજકોટનું ગલૂડિયું પણ થોડું ઇગોવાળું છે. બપોરે એકથી ચાર આ શહેરમાં કૂતરાં પણ સૂઈ જાય છે. સોની બજારની એક દુકાન બહાર તો રીતસર બોર્ડ મારેલું છે કે, ‘તમે રજનીકાંત હો તોય બપોરે ૧થી ૪ દુકાન નહીં જ ખૂલે. આ રાજકોટનો કરંટ છે.જમીનના જ્યાં ભાવ છે ભેરૃ માણસ કરતાં મોંઘા,

શીંગ રેવડી જેટલા થઈ ગયા શેરદલાલો સોંઘા

ભાવ અને સ્વભાવ ગયા છે ઊંચા એને રોકો

સાવ અનોખા યાર અમારા રાજકોટના લોકો.

રાજકોટનું પાણી થોડું વટવાળું છે. કો’ક કરોડનું ફુલેકું ફેરવે તોય એની ગામ નોંધ ન લ્યે અને અડધી ચાનો આગ્રહ ન કરો તો ખોટું લાગી જાય.

અહીંયાં લોકો સૂઝથી નહીં પણ સેન્ટિમેન્ટ્સથી ધંધો કરે છે. અહીંયાં મોંઘાંદાટ લગ્નો થાય ઈ તો સમજ્યા પણ કરોડ કરોડ રૃપિયા પ્રાર્થના સભા કે સાદડીના સામિયાણાના પણ લોકો ચૂકવે છે. રાજકોટના લોકોને મૌત પણ શાનદાર જ ખપે છે.

મોંઘેરી ગાડી નખરાળી લાડી લઈને ભમવું

ગામ આખાને રવિવારની સાંજે બહાર જ જમવું

ફેશન પહેરી નીકળી ગયેલા જુવાનીયા’વને ટોકો

સાવ અનોખા યાર અમારા રાજકોટના લોકો.

અહીં રેસકોર્સ છે પણ હજી સુધી મેં ત્યાં રેસ થાતી જોઈ નથી.

ભૂતખાના ચોકમાં ક્યાંય ભૂત થાતું નથી.

સાંઢિયા પુલ પાસે મેં કોઈ’દી સાંઢિયો ભાળ્યો જ નથી.

મોટી ટાંકી ચોકમાં ટાંકી જ નથી.

જાગનાથ નામના વિસ્તારમાં જ લોકો નવ વાગ્યામાં સૂઈ જાય છે. લાખનો બંગલો છે પણ એની કિંમત અટાણે કરોડ છે.

કેવડાવાડીમાં કેવડો નથી. ગુંદાંવાડીમાં ગુંદાં નથી. કિસાનપરામાં કોઈ ખેતી નથી કરતું,

ગાંધીગ્રામમાં ગાંધી નથી. લોધાવાડમાં લોધા પણ નથી અને વાડ પણ નથી. તો પોપટપરામાં કોઈ પોપટભાઈ રહેતું જ નથી..આ છે મારું રંગીલું રાજકોટ..!

સેવાના અવતાર સમી છે જ્યાં સંસ્થાઓ સધ્ધર,

સ્વાભિમાનથી જેના લોકો હાલે વેંત એક અધ્ધર…

રાજકોટ તો મસ્ત પવનનો ઝોંકો….

સાવ અનોખા યાર અમારા રાજકોટના લોકો………

ઈમેજ રીપ્રેઝન્ટેટિવ purpose only