*“માવતર તમે છો મારું જીવતર”*
ગાંધીનગર જિલ્લાનું પલિયડ ગામ કલોલ તાલુકા મથકેથી 18 કિલોમીટરના અંતરે આવેલું ખૂબ જ સુંદર અને રઢિયામણું ગામ.ગામમાં પ્રવેશતાં જ વર્ષોથી અડીખમ લીલોછમ,ઘટાદાર વડલો જાણે કોઈ જોગી પલાંઠી વાળીને ધ્યાનમાં બેઠાં હોય જે ગામની આગવી ઓળખ છતી કરે છે.સુંદર પ્રવેશદ્વાર,બાલ મંદિર, પ્રાથમિક કુમાર કન્યા શાળા,પાંચમાં ધોરણથી બારમાં ધોરણ સુધીનું ઉચ્ચ ગુણવત્તા સભર શિક્ષણ અને સંસ્કારનું કેન્દ્ર એટલે શ્રી સરસ્વતી વિદ્યાલય,ઈન્ટરનેટથી સજ્જ ગ્રામ પંચાયત,બજાર,ગામની વચ્ચો વચ્ચ ચબુતરો જે પ્રવેશ દ્વારથી સીધો જ નજરે ચડે.શ્રી સોમાભાઈ જે.પટેલ સાર્વજનિક હોસ્પિટલ ગામના તેમજ આજુબાજુના ગામ લોકોના આરોગ્યનું ધ્યાન રાખતી હોસ્પિટલ જોતાં આંખને ગમી જાય,પશુ દવાખાનું,પોસ્ટ ઓફિસ, મહેસાણા કો-ઓપરેટિવ બેંક,દેના ગ્રામીણ બેંક,ગામમાં અનેક દેવી દેવતાઓનાં મંદિરો,મસ્જિદ,પાળિયા જેવા ધાર્મિક સ્થાનો ગામના લોકોની આસ્થાનું કેન્દ્ર.દૂધ સાગર ડેરી, ગામના પશ્ચિમ છેડે સુંદર પ્રવેશદ્વાર,પટેલ સમાજનું જામનગરના સુવર્ણપુરી જેવું સ્વર્ગ સમુ માનવીનું છેલ્લું ધામ અને બાજુમાં જ સુંદર કલાત્મક પક્ષીઘર આપણને જોવુ ગમે,ગામ તળાવ અને એના કિનારે દલિત, રાવળ, ઠાકોર, રબારી, ચૌધરી અને પ્રજાપતિ સમાજના લોકોનું છેલ્લું સ્વર્ગ સમુ ધામ.ચારે બાજુ લીલોતરી વચ્ચે પલિયડ,પટેલ સમાજની વાડી,પલિયડ ગામ એટલે અમેરિકામાં વસતાં ગુજરાતીઓમાં આગવું અને મોખરાનું સ્થાન ધરાવે છે.ગામમાં સૌથી વધુ વસ્તી પટેલની,આ ઉપરાંત ઠાકોર, દલિત, રબારી, રાવળ, રાજપૂત, બ્રાહ્મણ, બારોટ, દેવીપૂજક, નાયી, પ્રજાપતિ, ચૌધરી, દરજી, ઘાંચી, ઇસ્લામધર્મી, બનાસકાંઠા જિલ્લામાંથી સ્થળાંતર થઈને વર્ષોથી સ્થાયી થયેલાં સૌ સાથે મળીને ખૂબ જ પ્રેમથી રહેતાં જોવા મળે.
ગામનાં દલિતવાસમાં એક પરિવાર રહે મફતલાલ મોહનભાઇ પરમાર જે તાલુકા પંચાયત કલોલ ખાતે સેવક તરીકે વર્ષો પહેલાં ફરજ બજાવતાં,તેમનાં પત્ની સંતોકમાં.તેમને ત્રણ પુત્રો કાંતિભાઈ જે આઈ.પી.સી.એલ.(રિલાયન્સ) વડોદરા ખાતે એકઝ્યુક્યુટિવ(લેબ)ની પોસ્ટ પરથી હમણાં બે ચાર વર્ષ પહેલા જ નિવૃત થયાં, બીજા પુત્ર હસમુખભાઈ જે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ કર્યા પછી પ્રાઇવેટ જોબ કરે છે અને સૌથી નાના પુત્ર એટલે મહેશભાઈ જે બી.કોમ,અંગ્રેજી સ્ટોનોગ્રાફર છે.ઘણાં વર્ષો પહેલાં બીમારીને કારણે મફતબાપા બીમારીને કારણે અવસાન પામ્યા હતાં.અને પરિવારની સઘળી જવાબદારી તેમના પર આવી પડી.કઠોર પરિશ્રમ કરીને ત્રણેય સંતાનોને ખૂબ ભણાવ્યા.સંતોકમાં ખૂબ જ સરળ,નિખાલસ,પ્રેમાળ અને મળતાવળા સ્વભાવના.
અચાનક સંતોકમાંને 15 ઓગષ્ટ 2003ના રોજ લકવો પડી ગયો, અને આખું ડાબું અંગ રહી જતાં પથારીવશ થઈ ગયા.આવાં કપરા સમયે ત્રણેય પુત્રોએ ખૂબ સેવા કરી અને દવા પણ કરાવી. પરંતુ જોઈએ તેવો આરામ પડ્યો ન હતો.અને કાંતિભાઈ અને તેમના પત્ની કમળાબેન વડોદરા પણ લઈ ગયા, પણ સંતોકમાંને ગામડાં જેવું ત્યાં ફાવતું ન હોઈ પાછા પલિયડ આવી ગયાં.ત્યારબાદ હસમુખભાઈ અને તેમના પત્ની વનિતાબેન પણ ઘરે આવી ગયા અને સંતોકમાંની ખૂબ સેવા કરી.પરંતુ હવે ઘણાં દિવસ થઈ ગયા.બંને દીકરા વેલસેટ એટલે લાંબા સંમય સુધી ગામડે રહી શકાય એવું ન હતું, કેમ કે કાંતિભાઈ વડોદરા અને હસમુખભાઈ અમદાવાદ રહેતાં, અને બંને ભાઈઓના બાળકોનો અભ્યાસ ચાલુ હતો. માટે ના છૂટકે પરત જવું પડે એમ હતું. અને સંતોકમાંને ત્યાં બંને શહેરોમાં ફાવતું ન હતું. તો હવે સવાલ એ હતો કે સંતોકમાંની આવી હાલતમાં એમની સેવા કરવાનું ખૂબ મુશ્કેલ હતું.
મહેશભાઇના લગ્ન થયા ન હતા, તો હવે “માતાની સેવા એ જ એમનું ધ્યેય હતું.” રોજ વહેલી સવારે કસરત કરાવે,દૈનિક ક્રિયાઓ કરાવવી,કપડાં ધોવા,જમવાનું બનાવી સંતોક માને ખૂબ જ પ્રેમ થી જમાડે.વાસણ કરવાં, કચરા પોતા કરવાં જેવાં રોજિંદા કામો વચ્ચે ખૂબ જ સેવા કરતાં.સંતોકમાંને મૂકીને ક્યાંય જવાય પણ નહીં. મફતબાપાનું પેંશન આવતું અને બંને ભાઈઓ પણ મદદ કરતાં.આમને આમ ઘણાં વર્ષો સુધી મહેશભાઈએ ખૂબ યાતાનાઓ વેઠી એકલવાયું જીવન જીવી ને માતાની ખૂબ જ સાર સંભાળ અને સેવા કરી.અને એનું ફળ મહેશભાઈને મળ્યું.
2019માં 48 વર્ષની ઉંમરે આસામની એક છોકરી જેનું નામ સ્મૃતિ; દેખાવે ખુબજ સુંદર અને એવો જ એમનો સુંદર અને પ્રેમાળ સ્વભાવ. પરંતુ કોઈ કારણસર એમનાં છૂટાછેડા થઈ ગયેલા અને એમને એક દીકરી પણ હતી.મહેશભાઈએ એમની દીકરીને સહર્ષ પોતાની દીકરી માની સ્વીકારી લીધી અને સ્મૃતિ સાથે લગ્ન કરી સુખદ લગ્ન જીવનની શરૂઆત કરી. *મહેશભાઈને માતાની સેવાનું ફળ બમણું થઈને મળ્યું એક તો દીકરી જેવું મહામોંઘું રત્ન મળ્યું અને પત્ની પણ મળી.* આનાથી બીજા શું આશીર્વાદ હોય માવતરની અને માવતરની સેવાનું ફળ અને પુણ્ય આનાથી વિશેષ ક્યાં હોય.મહેશભાઈના પત્ની સ્મૃતિબેન પણ સંતોકમાંને સાસુ નહીં પણ માની જેમ દેખરેખ રાખે છે.અને સુખી જીવન જીવી રહયા છે.
આજના આ કળીયુગમાં નસીબદારમા બાપને જ *શ્રવણ* જેવાં “મહેશભાઈ”* મળે છે. જો દરેક મા બાપને આવાં શ્રવણ જેવાં સંતાનો મળે તો આ જગતમાં ક્યાંય ઘરડાં ઘર જોવા ન મળે. ધન છે કાંતિભાઈને અને તમને પત્ની કમળાબેનને,ધન છે હસમુખભાઈ અને તેમના પત્ની વનિતાબેનને કે તમને પોતાના સુખોને બાજુમાં રાખી માવતરની સેવામાં ખડે પગે ઉભા રહ્યા.અને ધન છે અને કોટી કોટી વંદન છે મહેશભાઈ તમને કે તમે પોતાની ચિંતા કર્યા વગર માં ની સેવા કરવામાં પોતાની અડધી જિંદગી ગુજારી દીધી.
*જિંદગી લૂંટાવી દીધી જેણે માવતરની સેવા કાજ,*
*અમર થઈ ગયા એ દીકરા દીકરી જગતમાં આજ.*
*લેખક:-જયેશ શ્રીમાળી પલિયડ “શુકુન”*
મોડેલ સ્કૂલ સાણંદ,જી.અમદાવાદ.