આજે તો લખી જ નાખું…. – પાર્થિવી અધ્યારુ શાહ.

પેલી વાર્તામાં આવે છે એ રીતે પોતાના પગમાં ધૂળ ન લાગે એ માટે પોતાના પગમાં જ પગરખા પહેરવા પડે , આખા શહેરમાં કંઈ જાજમ ન પથરાય ! મોટાભાગનું લોકડાઉન ભલે ખૂલી ગયુ પણ સાવચેતી હવે આપણે પહેલા કરતાં પણ વધારે રાખવાની છે – પોતાની અને પરિવારની !

હવે વખત છે પોતાને અને પરિવારને સાચવવાનો !
ભલે બધું ખૂલી ગયું પરંતુ
પોતે જ યોગ્ય રીતે પોતાને સાચવીને વિવેકબુધ્ધિપૂર્વક સમજીને રોજરોજ નિર્ણયો લેવાના છે .આ નાનાં-નાનાં નિર્ણયો જ તમારુ ભવિષ્ય નક્કી કરશે ! “સાવધાની હટી ; દુર્ઘટના ઘટી “ કહેવત ખરેખર ખૂબ યોગ્ય છે આ સમયમાં !

ક્યાંક તોફાન કે કર્ફ્યુ હોય ને એક વ્યક્તિ બહાર નીકળે તો એ માત્ર પોતાની જાત પર જોખમ ઉઠાવે છે પણ આ સમય એવો છે કે અત્યારે બહાર નીકળીએ ત્યારે સાવચેતી કે શિસ્ત નહીં જાળવીએ તો આપણે માત્ર પોતાની જાતને નહીં પણ સમગ્ર પરિવારને પણ જોખમમાં મૂકીએ છીએ !

વાત સાચી છે કે હવે આપણે અલગ રીતે જીવતા શીખવાનું છે પણ એટલે ધીમેધીમે
STOP LOOK AND GOની નીતિ અપનાવીને સાવધાનીપૂર્વક પા પા પગલી ભરવાની છે . એક પણ વ્યક્તિ સંક્રમિત થાય એ સમાજ અને સરકાર બંને માટે ભારણ બને છે અને પરિવાર માટે તો એ દુ:ખ અને ભયના મોટા આંચકા સમાન છે !

ખરેખર તો આ પોલીસને આટલી અસહ્ય ગરમીમાં જનતા બહાર ન નીકળે , ટોળુ ન કરે કે માસ્ક પહેર્યુ છે કે નહીં કે પછી સોશ્યિલ ડિસ્ટન્સીંગ જાળવે છે કે નહીં એ જોવા ઊભા રહેવુ પડે એ જ શરમજનક વાત છે ! દરેક નાગરિકે સ્વયંશિસ્ત પાળીને પોતાના સમાજની , વિસ્તારની , શહેરની , રાજ્યની , દેશની કે વિશ્વની રક્ષા કાજે એક સૈનિક સમા બનીને ઉભા રહેવાનો છે આ સમય !
આપણું કોઈ પણ પગલુ એવુ ન હોવુ જોઈએ કે જેનાથી સમાજ કે સરકાર પર આપણે ભારરુપ થઈએ !

શ્રમિકો કે જેમની પાસે કોઈ કામ કે પૈસા નથી તેઓને સૌને આહવાન આપો કે આવો અને બીમારોની કે અશક્ત ગરીબ વૃધ્ધોનાં સેવાયજ્ઞમાં જોડાઈ જાવ ! જેઓ રાતદિવસ સમાજ માટે ખડે પગે હાજર રહે છે તેવા પોલિસફોર્સ અને હેલ્થવર્કર્સ કે દેવદૂત સમા ડોક્ટર્સની સામે હાથ ઉગામવાથી તમારા પ્રશ્નોનું નિરાકરણ નથી આવવાનું ! જે શ્રમિકો હજુ યે અટવાયેલા હોય તો એ લોકોને ટોળાશાહીમાં સમય અને સ્વાસ્થ્ય બંને બગાડતા અટકાવીને ; મહામારી સામે કયા કયા કામમાં તેઓને જોડી શકાય તે અંગેની તાલીમ અને વેકેશનમાં ખાલી પડેલી સરકારી શાળાઓમાં ઉતારો આપવો જોઈએ જેથી કાર્યભારણ પણ વહેંચાઈ જાય !

પોતાની જાત સાથે જીવવાનો સમય તો છે જ આ પરંતુ દરેક વ્યક્તિની સાચી જવાબદારી એ છે કે બીજા લોકો પણ સ્વસ્થ રહે અને તે માટે સૌની સાથે સાચી માહિતિ વહેંચવી જરુરી છે , જેથી આપણો સમગ્ર સમાજ સ્વસ્થ રહે . આજે સમાજની આ ઉદ્દાત ભાવના ચોરે ને ચૌટે દેખાય છે એ ખરેખર આપણા ઉમદા સમાજનું દર્શન કરાવે છે.
રાજકારણની રમત તો ઈતિહાસનાં સમયથી ચાલતી આવી છે એટલે એ બધી વાતોને સમજીને ‘પોતાનું છેવટે તો પોતે જ કરવાનું છે .’ એ સમજી લઈએ એમાં જ ભલાઈ છે . નવીનવી ગાઈડલાઈન્સ તો રોજ અવનવા બદલાતા ચહેરાઓ દ્વારા બહાર પડતી રહેવાની પણ મૂખ્ય ગાઈડલાઈન એ છે કે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે-સાથે આંતરિક શક્તિ , સમજ અને શિસ્ત જ આપણને સ્વસ્થ સમાજની ભેટ આપી શકશે !

WRITOLOGY