.મિત્રો આજે તારીખ ૨૨.૦૮.૨૧, શ્રાવણ સુદ પૂનમ, આ શ્રાવણ સુદ પુનમનો દિવસ, રક્ષાબંધન તરીકે ઓળખાય છે. રક્ષાબંધન વિષે તો સૌ કોઈ સારી રીતે જાણતા જ હોય છે, છતાં આજે થોડી રક્ષાબંધન વિષે ટુંકમાં વાત કરવી છે. પુરાણો અને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન વિષ્ણુએ જ્યારે બલિરાજાને વરદાન માંગવા કહ્યું ત્યારે બલિરાજાએ વિષ્ણુને પોતાની સાથે પાતાળમાં રહેવાનું વરદાન માંગેલુ જેથી ભગવાન પાતાળમાં રહેવા જતાં લક્ષ્મીજી એકલા પડી ગયા ત્યારે લક્ષ્મીજીએ નારદજીનાં બતાવેલા
ઉપાય પ્રમાણે, બલિરાજાને પોતાનો ભાઇ બનાવીને રાખડી બાંધે છે, ને ભગવાન વિષ્ણુને બલિરાજા પાસેથી છોડાવે છે, ત્યારથી આ પવઁ પરંપરાગત રીતે ઊજવાય છે. રક્ષા એટલે રાખડી અને બંધન એટલે બાંધવું, રક્ષાબંધનનાં દિવસે દરેક બહેનો પોતાના ભાઈનાં હાથે રાખડી બાંધીને ભાઇઓનાં મંગલમય અને દીઘાઁયુ જીવનની મનોકામનાં કરે છે, તો ભાઇ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. ભાઇ બહેનને રાખડી બાંધે છે એજ રીતે પત્ની પતિને, પુત્રી પિતાને, માતા પુત્રોને, પ્રેયસી પ્રેમીને રાખડી બાંધીને પોતાનાં રક્ષણનું વચન લે છે. માતા કુંતાએ કોઠાયુધ્ધમાં વિજય થાય તેવી ભાવનાથી પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી હતી, સિકંદરની પત્નીએ પોતાનાં પતિનાં હિન્દુ શત્રુ પુરૂવાસને રાખડી બાંધીને યુધ્ધનાં સમયે સિકંદરનું જીવનદાન મેળવ્યું હતું, વેદમાં દેવાસુર સંગ્રામમાં દેવોનાં, વિજય નિમિત્તે ઇન્દ્રાણીએ હિંમત હારી ગયેલા ઇન્દ્રનાં હાથે રક્ષા બાંધી હતી, જ્યારે પોતાનાં અને રાજ્યનાં રક્ષણ માટે રાણી કણાઁવતીએ હુમાયુને પોતાનો ભાઇ માની તેને રાખડી મોકલી હતી. તો મિત્રો જ્યારે શ્રીકૃષ્ણભગવાન શિશુપાલનો સુદશઁનચક્ર દ્વારા વધ કરે છે ત્યારે તેમની તજઁની આંગળીએ ઘા વાગવાથી લોહી વહે છે, ત્યારે દ્રૌપદીજીએ પોતાની સાડીનો છેડો ફાડીને શ્રીકૃષ્ણની આંગળી ઉપર પાટો બાંધ્યો હતો, શ્રીકૃષ્ણે તે ઉપકારનો બદલો ચીરહરણ વેળા ચીર પુરીને ચુકવ્યો હતો, આમ એકબીજાની રક્ષા અને મદદની ભાવના આ પવઁમાં સમાયેલી છે. વાસ્તવમાં આ કળિયુગી વાતાવરણમાં દરેકને એકબીજાની હૂફ અને રક્ષણની જરૂર છે, એટલે આ રક્ષાબંધનનાં તહેવારને ભાઇ-બહેન પુરતો મયાઁદિત ન રાખતા સમગ્ર માનવજાતનો એકબીજા પ્રત્યેની પ્રીતનો તહેવાર બનાવવો જોઈએ. રક્ષાબંધનનાં દિવસે જે રીતે રાખડી બાંધવા, બંધાવવાનું મહત્વ છે તેવી જ રીતે આ દિવસે યજ્ઞોપવીતને બદલીને નવી યજ્ઞોપવીત ધારણ કરવામાં આવે છે, યજ્ઞોપવીત ધારણ કરવાનાં સંસ્કાર પાછળ પણ જીવનને કલ્યાણકારી માગેઁ વાળવાનો ઉમદા ઉદ્દેશ રહેલો છે. તો આ શ્રાવણ સુદ પૂનમને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે, કારણ કે સાગરખેડુ આ દિવસે દરિયામાં નાળિયેર પધરાવી દરિયા દેવની પૂજા કરે છે, આમ રાખડી તો સુતરનો ધગો છે પણ તેનામાં અબજની શક્તિ છે, તેમાં ભાઈ-બહેનનાં પ્રેમનો અતૂટ સંબંધ સમાયેલો છે. મિત્રો આમ તો આ ધામિઁક તહેવારો પાછળ સામાજિક તથ્યો પણ રહેલા છે, ધાર્મિક તહેવારો તો બારે માસ આવે જ છે, પરંતુ સમાજે આવા ધામિઁક તહેવારોની ખાસ કરીને આ ચોમાસાની ઋતુમાં જ વધારે એટલા માટે ઉજવણી કરે છે કે, પહેલાનાં સમયમાં ગામડાઓમાં ચોમાસા દરમ્યાન ખેતીવાડીનાં કામકાજ ખુબ જ રહેતા, અને ઘરથી લઇ ખેતરનાં કામકાજનો ભાર સાસરિયામાં મહિલાઓ ઉપર વધારે રહેતો, અને આરામ જ ન મળતો હોવાથી આવા તહેવારોનો લાભ પિયર જવાનાં રિવાજ મુજબ, પિયરમાં પુરતો આરામનો સમય મળી રહેતો. તો મિત્રો આપણા સામાજિક તહેવારો પાછળ આવા કોઈ ને કોઈ હેતું સમાયેલા હોય છે જે ધામિઁકતા સાથે જોડાયેલા છે.
રક્ષાબંધન વિષે લખવા બેસીએ તો ઘણું લખવાનું બાકી રહે છે, પરંતુ અહીં અટકુ… નમસ્કાર.... 🙏🙏🙏