છેલ્લા ચાર દિવસથી આરંભ કરવામાં આવેલા ઉકાળા વિતરણનો
લાભ અંદાજે ૨૦ હજાર જેટલા રહીશોને
ગાંધીનગર: સોમવાર: નિયામકશ્રી આયુષની કચેરી અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્રત ઉપક્રમે ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારના કન્ટેન્ટેમેન્ટ એરિયામાં નિયમિત સવારના રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવા ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી અંદાજે ૨૦ હજાર જેટલા લોકોને આ ઉકાળાનો લાભ લઇ રહ્યાં છે.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે. એકબાદ એક કરી ને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ- ૧૮ કન્ટેન્ટેમેન્ટ એરિયા નક્કી કરવામાં આવ્યા છે. આ કન્ટેન્ટેમેન્ટ એરિયામાં રહેતા લોકોને કોરોના વાયરસથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવા આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગરના હાર્દસમા સેકટર-૨૨ પંચદેવ મંદિર પાસે આવેલા રંગમંચ ખાતેના રસોડામાં ઉકાળો બનાવવામાં આવે છે. સવારના ૭ કલાકથી આ ઉકાળા બનાવવાનું શરૂ કરવામાં આવે છે. ઉકાળો બનાવવા માટે મહાનગરપાલિકાના કર્મયોગીઓ અને અન્ય બહેનો રોકવામાં આવી છે, તેમના દ્વારા આ કામ કરવામાં આવે છે. ઉકાળા બની ગયા બાદ તેને ગાળીને પાણીના જંગમાં ભરી દેવામાં આવે છે. આજે આ ઉકાળા બનાવવાના સ્થળ પરથી ૪૦ જેટલા જંગ પાલિકાના વિવિધ કન્ટેન્ટેમેન્ટ એરિયામાં મોકલવા માટે ભરવામાં આવ્યા હતા. ગરમ ગરમ ઉકાળા જગમાં ભર્યા બાદ તેને રીક્ષા કે અન્ય વાહનમાં કન્ટેન્ટેમેન્ટ એરિયામાં લઇ જવામાં આવે છે. એરિયામાં ઉકાળો આવી ગયાની જાહેરાત ગલી ગલીએ જઇ રહીશોને કરવામાં આવે છે. ગણતરીની મિનિટમાં તો વિવિધ ઘરમાંથી એક સભ્ય વાસણ લઇ બહાર આવે છે. સોશ્યિલ ડિસ્ટન્સીંગ જાળવાઇ રહે તે રીતે ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. ધરના સભ્યોની સંખ્યા બોલે એટલે એક વ્યક્તિને આશરે ૩૦ મી.લી મુજબ તે વાસણમાં ઉકાળો ભરી આપવામાં આવે છે.
ઉકાળા વિતરણ કરનાર વ્યક્તિ અને લેવા આવનાર દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સીંગ જાળવવા સાથે ફરજિયાત માસ્ક પહેરવમાં આવે છે.