સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વર્તમાન કોરોના મહામારીને ધ્યાને રાખીને તકેદારીપૂર્વક સંપૂર્ણ તૈયારીઓ કરવા વહીવટી તંત્રને અનુરોધ કરતા મુખ્ય સચિવ અનિલ મુકીમ.

▪ગાંધીનગર ખાતે મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને સંપૂર્ણ સામાજિક અંતર સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી પ્રિમોન્સૂન તૈયારી અંગે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ
……..
ચોમાસામાં દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ૯૬ થી ૧૦૪ ટકા વરસાદની સંભાવના: હવામાન નિયામક શ્રી જયંત સરકાર
*********
રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સંપૂર્ણ સજજ છે. રાજ્યમાં વર્તમાન કોરોના મહામારીને ધ્યાને રાખીને કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ તકેદારીપુર્વક તૈયારીઓ કરવા વહીવટી તંત્ર અને મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આજે ગાંધીનગર ખાતે સંપૂર્ણ સામાજિક અંતર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી પ્રિમોન્સૂનની તૈયારી અંગે સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવશ્રી મૂકીમે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે. આ સ્થિતિમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ, પૂર અને વાવાઝોડા સામે રાહત અને બચાવની કામગીરીમાં વહીવટીતંત્રે PPE કીટ, માસ્ક, સામાજિક અંતર જેવી તમામ બાબતોનું ખૂબ સાવચેતીપૂર્વક પાલન કરવું પડશે. બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ એ સંબંધિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમના એક્શન પ્લાન રજૂ કર્યા હતા જેમાં મુખ્ય સચિવશ્રીએ જરૂરી તલસ્પર્શી સૂચનો કર્યા હતા.

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક શ્રી જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ ૫ જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત ૧૫
થી ૨૦ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે તેમ જણાવી સરકારે ગત આ વર્ષે ગુજરાતમાં થયેલા વરસાદની વિગતવાર આંકડાકીય વિગતો રજૂ કરી હતી.

આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે સંભવીત વરસાદની પરિસ્થિતિમાં પુર અને વાવાઝોડામાં રાહતની કામગીરી દરમિયાન વિવિધ સુરક્ષાઓની તૈયારીઓ અને તેમને સાવચેતીના ભાગરૂપે રાખવાને થતી કાળજી અંગે તેમજ જરૂરી સૂચનો કર્યા હતા.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રિમોન્સૂન અંગેની વિડિયો કોન્ફરન્સમાં મુખ્ય સચિવ શ્રી એ તેમની ઓફિસમાંથી જ્યારે વિવિધ ઉચ્ચ અધિકારીઓએ સ્વર્ણિમ સંકુલમાં આવેલા તાપી હોલ ખાતેથી આ બેઠકમાં ભાગ લઇને તેમજ માસ્કથી સજ્જ અધિકારીઓએ સંપૂર્ણપણે સામાજિક અંતર જાળવ્યું હતું.

આ પ્રિમોન્સૂન બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંઘ, રાહત કમિશનર શ્રી કે.ડી. કાપડિયા સહિત વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય, સિંચાઈ, કૃષિ, માર્ગ અને મકાન, પાણી પુરવઠો, અન્ન અને નાગરિક પુરવઠા, વન, બંદરો અને વાહન વ્યવહાર, પંચાયત, ઉર્જા, શ્રમ, ઉદ્યોગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, પશુપાલન, શહેરી વિકાસ તેમજ માહિતી ખાતાના ઉચ્ચ સનદી અધિકારીઓએ ઉપસ્થિત રહીને આ અંગે પોતાના દ્વારા કરેલી તૈયારીઓ રજૂ કરી હતી.

આ ઉપરાંત બેઠકમાં આર્મી, હવાઈ દળ, બીએસએફ, એનડીઆરએફ, સીઆઇએસએફ, ગુજરાત પોલીસ, બીએસએનએલ, GSDMA, જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
****