લોકડાઉન વચ્ચે સુરત વિપરીત પરિણામનો કિસ્સો બાળકી રડતી હોવાના લીધે ઉંઘ બગડતા ઉશ્કેરાયેલ પિતાનું ક્રૂરતાભર્યુ કૃત્ય વિસ્તારમાં ભારે અરેરાટી, પિતાની ધરપકડ
અમદાવાદ,તા.૧૧ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનના કારણે લોકોની માનસિક સ્થિતિ પર અસર થઈ રહી હોવાના એક પછી એક અનેક કિસ્સા રાજયના જુદા જુદા વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં બની છે. જેમાં સલાબતપુરા વિસ્તારમાં આઠ મહિનાની બાળકી રડતી હોવાના કારણે ઉંઘ ખરાબ થતા ઉશ્કેરાઈ ગયેલા પિતાએ તેને પછાડી કરપીણ હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પિતાની ધરપકડ કરી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે, સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા રેશનવાડમાં ઉર્વેશ શેખ પરિવાર સાથે રહે છે અને લોન્ડ્રીનું કામ કરે છે.
આજે ઘરમાં પોતાની આઠ મહિનાની બાળકી રડતી હોવાના કારણે ઉંઘ ખરાબ થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા ઉર્વેશે પોતાની જ બાળકીને માર મારી પછાડી દેતા ગંભીર ઈજાથી મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ સલાબતપુરા પોલીસે પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને આઠ મહિનાની ફુલ જેવી બાળકીને જમીન પર પટકી ક્રૂરતાપૂર્વક મારી નાંખવાના કૃત્યને લઇ ભારે અરેરાટીની લાગણી પણ પ્રસરી ગઇ હતી. લોકોએ ફુલ જેવી બાળકીની કરપીણ હત્યાને લઇ ક્રૂર પિતા પર ફિટકાર વરસાવ્યો હતો.
✍️✍️✍️✍️✍️✍️