“માં એટલે માં”
જોઈ નૈ જે માં ને એ માં રોજ યાદ આવે છે,
વર્ષ બે વર્ષ માં તે વ્હાલ કર્યું ઘણું,
અણસમજનું એ વ્હાલ રોજ યાદ આવે છે,
જોઈ નથી જે માં ને …
જોયો નથી ચહેરો કદી જેનો,
એ માં ની છબી રૂડીયે રોજ યાદ આવે છે,
છાતી સરખો ચાંપી મુજને સુવડાવતી,
વ્હાલભર્યો હાથ માથે પ્રેમથી ફેરવતી,
એ વ્હાલભર્યું વ્હાલપ રોજ યાદ આવે છે,
જોઈ નથી જે માં ને …
મીઠા કંઠથી રોજ હાલરડું સાંભળાવતી,
હાલા ગાઇ સ્વર્ગથી પરીઓ તેડાવતી,
પરીઓની વાતું ને હેત રોજ યાદ આવે છે.
જોઈ નથી જે માં ને…
કયાં સંતાઈ તું વ્હાલી મારી માવડી,
તારી યાદમાં ભીંજાય મારી આંખડી,
માવડી મારી માવડી તારી જ યાદ આવે છે,
જોઈ નથી જે માં ને…
“વરસી ચોધાર મારી આંખડી;
તોય તું ના આવી મારી માવડી”.
જયેશ શ્રીમાળી પલિયડ.
જગતના દેવો માટે પણ દુર્લભ એવો માતાનો પ્રેમ છે અને એ માતાનો પ્રેમ,હૂંફ લાગણી મેળવવા સ્વયં સર્જનહાર કમલધારી,લક્ષ્મીપતિ,શેષ શૈયા પર બિરાજમાન વિષ્ણુ ભગવાનને જુદાં જુદાં અવતારો લઈને માં ના પ્રેમને પામ્યા છે.અને માતા યશોદા અને કૃષ્ણ એનું જીવંત દ્રષ્ટાંત છે.
જો સ્વયં સર્જનહાર માતાનો પ્રેમ પામવા અવતાર ધારણ કરી આ ધરતી પર અવતારતા હોય તો આપણે કેટલા નસીબદાર છીએ કે ભગવાને આપણને માતા નો પ્રેમ પામવા આ ધરા પર મોકલ્યા છે,તો આપણે જે માતાની કુખે જન્મ લીધો છે એ માતા ના પ્રેમનું ઋણ આપણે સાત જન્મ નહીં પણ હજાર જન્મો લઇશુ તોય નહીં ચૂકવી શકીએ.
માતા પ્રેમ અને પવિત્રતા,બલિદાનનું એવું મીઠું ઝરણું છે,જે ગંગાના જળ કરતાં મીઠું અને અમૃત જેવું છે.જેના પ્રેમરૂપી ઝરણાંથી આખો જન્મારો પવિત્રતાની અનુભૂતિ કરે છે.અને માતા હંમેશા પોતાના સંતાનોની ખુશી માટે તેની પોતાની બધી લાગણીઓ,ઈચ્છાઓ અને ભાવનાઓનું બલિદાન જ આપે છે તેમ છતાં એનો ચહેરો હંમેશા ખીલતાં ગુલાબની જેમ હસતો જ રાખે છે.માતા નવ નવ મહિના સુધી પોતાનું લોહી સીંચીને સંતાનનું સિંચન કરે છે.અને અસહ્ય વેદના વેઠી પથ્થર એટલાં દેવ પુજી સંતાનને સ્વર્ગ સમી ધરતી લાવે છે.અને પ્રેમ રૂપી સરિતાના ધોધ જીવે ત્યાં સુધી વહાવતી રહે છે.માતાનો પ્રેમ મધ અને મયુરના ટહુકાં કરતાં પણ મીઠો છે એટલે જ કવિ બોટાદકરની સુંદર રચના મને બહુ જ યાદ આવે છે.
“મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનની ની જોડ સખી નહીં જડે રે લોલ”…..
માતાએ એવો મીઠો છાંયડો છે જેની છત્રછાયા નસીબદારને જ નસીબ થાય છે.જેને માતા નથી જોઈ કે માતાનો પ્રેમ નથી મળ્યો એને જ ખબર પડે કે માતા શું છે,!! જેને માતાનો પ્રેમ નથી મળ્યો એ હંમેશા માતાના પ્રેમ માટે તરસતો હોય છે.માં વિના સંસાર સાવ સુનો અને નિરર્થક છે.તમને કોઈ ગમે તેટલો પ્રેમ આપે તોય માં ના પ્રેમની તુલના આ દુનિયામાં કરી શકે એવું કોઈ માપીયું ઈશ્વરે બનાવ્યું જ નથી એટલે જ કોઈકે સરસ કહ્યું છે…………
“માં એટલે માં બીજા બધાં વગડાના વા”, “ગોળ વિના મોળો કંસાર માં વિના સુનો સંસાર”.
માતા ઈશ્વરે કરેલી એવી સુંદર રચના છે જેમાં મમતા,કરુણા,પ્રેમ,લાગણી,ત્યાગ,બલિદાન.માતાએ એવી આશાની મૂર્તિ છે જે ક્યારેય કશુંય માંગતી નથી બસ એ તો અવિરત વહેતી એવી સરિતા છે જે આખાં જગતના ધર્મગુરુઓ ભેગા મળીને જ્ઞાનની વાણી વદે તોય ફીકી પડે.એટલે જ સ્પેનિશમાં એક સરસ કહેવત છે, “માતાનો એક અંશ બરાબર અસંખ્ય ધર્મગુરુઓ”.
માતા વિશે જેટલું લખીએ વિચારીએ એટલું ઓછું છે.જીવનમાં માતા મળી છે તો એનાં પ્રેમ, લાગણી,ત્યાગ,બલિદાનની ભાવનાને સમજજો અને ક્યારેય એની આંખમાંથી મોંઘામુલા રત્ન સમા આંસુ ક્યારેય નીકળે નહીં એનું હંમેશા ધ્યાન રાખજો.મા-બાપની સેવા જેવું આ દુનિયામાં બીજું કોઈ પુણ્ય નથી.એટલે એમને ક્યારેય દુઃખ ના પહોંચાડજો.
એક સાઈબેરિયાન કહેવત છે, “પિતા વગર અડધાં અનાથ,માતા વિના પુરા અનાથ”. માં ની કદર કરજો.એના ચરણો જેવું સુખ આખા વિશ્વમાં ક્યાંય નહીં મળે.અને એટલે જ આપણાં સંસ્કૃત સાહિત્યમાં સુંદર લખાયું છે,
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी
લેખક:-જયેશ શ્રીમાળી પલિયડ.
મોડેલ સ્કૂલ સાણંદ,જી.અમદાવાદ.