કેટલાય વખતથી

કેટલાય વખતથી
ફૂલને થતું’ તું કે
હું ક્યારે ઊડું
મન ફાવે ત્યાં ફરું…
કેવી મજા આવે! ‘

એક દિવસ
ફૂલને પાંખ ફૂટી
ને એ બની ગયું પતંગિયું!
ભલા!
હવે, એને ઊડવાની
કોણ કરે મના?

દીવડાંની જયોત
રોજ મનમાં વિચારતી,
‘મારાથી ઉડાતું હોત તો…
કેવું સારું?’

અચાનક એક દિવસ
એનેય પાંખ ફૂટી…
તે જયોત આગિયો બની ગઈ!
હવે, ઘરમાં બાંધી રાખ્યે
રહે ખરી કે?

તળાવના પાણીને થયું,
‘હાયરે, પેલા પંખી,
આકાશે ઊડતા,
કરે છે કેવી સહેલ?’

એક દહાડો,
અચાનક એનેય,
ધુમાડિયા રંગની પાંખો ફૂટી
ને વાદળ બની
તળાવના પાણી
ગયા આસમાને ચડી!

મનેય થાય છે કે,
‘ઘોડો બનીને
હું આ મેદાન કુદાવી જાઉં’.

વળી કદીક એમ થાય છે કે,
‘માછલી બની
દરિયાના ઊંડાણ
માપી આવું…’

કોકવાર વળી એમેય થઇ આવે,
‘પંખી થઇને
આકાશે ઊડી જાઉં…’

કે મને, આ બધાંની જેમ
એકાદી ઇચ્છાઓ મારી
કદીક ફળવાની ખરી?
(રવીન્દ્રનાથ ટાગોર)
(અનુવાદ : સુભદ્રા ગાંધી )