નાના હતાં ત્યારે એટલું યાદ છે કે જેસીબીને કે ક્રેનને ગુજરાતી ભાષામાં ઊંટડો કહેતા… – દેવલ શાસ્ત્રી.

માણસજાતને સમજવી હોય તો તેની આસપાસના વાતાવરણને સમજવું જોઈએ. ખાસ કરીને એ પ્રાણીઓનો અભ્યાસ કરવો જોઈએ, જેને ગુલામ બનાવ્યાં હોય. ઘોડો હોય કે કૂતરા, માણસ સાથે રહીને ઘણી બાબતોમાં આ પ્રાણીઓ વધુ સુસંસ્કૃત બન્યા હોય એવું લાગે.
આપણે એવો જ એક ગુલામ બનાવેલા પ્રાણીની વાત કરવી છે, ઊંટ…. ઊંટ પણ માણસ જોડે રહ્યું, માણસને સમજતું ગયું, માણસની ઘણી ક્વોલિટી શીખ્યું હશે.
કોરોનાયુગમાં માણસ સાથે તેને સરખાવીએ તો ખબર પડે કે આમ તો ઊંટનો સ્વભાવ અત્યંત સરળ. ઊંટ અનેક તકલીફો સહન કરી શકે છે, પણ તેને ખોટું જલ્દી લાગે છે. ખોટું લાગે તો માલિકને ફેંકી દે. આ જ ઊંટ મસ્તીમાં આવે તો માલિકને ચાટવાથી માંડી બચકું પણ ભરી શકે છે. કુછ સમજે?
આપણી આસપાસ મોટેભાગે લોકો આ પ્રકારના હોય છે, ખુશ થાય તો લાઇક લાઇક પણ કરે અને મોકો મળે તો કરડી પણ જાય… નારાજ થાય તો મારા જ બનાવેલા મને બનાવી જાય એવી માનસિકતા…
ભગવાન શિવ અને પાર્વતીજી હિમાલયમાં આરામ કરતાં હતાં, પાર્વતીજીએ એક વિચિત્ર કહી શકાય એવું માટીમાંથી પાંચ પગવાળું પ્રાણી બનાવ્યું. શિવજી બિચારા ભોળા, પાર્વતીજીની આર્ટના વખાણ કર્યા, પાર્વતીજી જીદે ચડ્યા કે આમાં પ્રાણ નાખો. શિવજીએ પાંચ પગવાળા પ્રાણીમાં જીવ નાખવાની ના પાડી. પાર્વતીજી નારાજ… શિવજીને થયું કે કંઈક રસ્તો કરવો પડશે. તેમણે પણ આર્ટ કરી. પાંચમો પગ ખૂંધ બનાવી, આ વિચિત્ર દેખાવવાળા પ્રાણીમાં જીવ નાખ્યો…. આપણને ઊંટ મળ્યું…. ક્યા સમજે… હું જાણું છું, આ કથાનો સાર તમે બહુ સારી રીતે સમજી ગયાં…
આપણે ભલે ઊંટના અઢારે વાંકા કહીએ પણ અરબી ભાષામાં ઊંટ એટલે સુંદરતા… જેવી જેને જરૂર.
ઊંટની એક ક્વોલિટી શાનદાર છે, એવું માનવામાં આવે છે કે બે ઊંટ એકબીજાની સામે આવે ત્યારે માથું ઝુકાવીને સન્માન આપે છે…. ભાઇ આખી જિંદગી પધારો મારો દેશ જેવું અદભૂત ગીત સાંભળીને મોટા થયા હોય તો સન્માનની ભાવના તો હોય જ.
હા, એક ગુણ વિચિત્ર ખરો… ઊંટ કદી થૂંકતુ નથી. આમ પણ પાણીની સમસ્યા નાનપણથી જોઈ હોય પણ અસ્તિત્વ પર જોખમ આવે ત્યારે તેને માણસને ચેતવવા માણસ પર પેટમાંથી થૂંકવાની ટેવ ખરી… નો કોમેન્ટ.
જો કે આજકાલ ઊંટની સંખ્યા જે રીતે ઘટી રહી છે એ જોતાં અસ્તિત્વ પર સવાલ પણ છે. કોરોના આપણને એક જ લેસન શીખવે છે કે પૃથ્વી એકલા માણસ પ્રજાતિની નથી.
હા, માણસને 15%પાણી ઘટી જાય તો ડિહાઇડ્રેશન થાય પણ ઊંટ આરામથી 25% સુધી પાણીની ઘટ સહી શકે.તરસ્યો ઉંટ આરામથી સવાસો દોઢસો લિટર પાણી પી શકે તો દિવસો પાણી વિના કાઢી શકે.
ઊંટ ભારતીય ધર્મમાં ખાસ કરીને ગુજરાતમાં વધુ પ્રચલિત એવા દશામા સહિત મોગર માતાનું વાહન બની ગયું છે. માતાજીનું વાહન બનવા તેની એક ક્વોલીટી ખરી, ઊંટનું બચ્ચું તેની માતાને જે અવાજ કરે છે એમાં બા શબ્દ જેવો ધ્વનિ આવે છે.
બીજી ક્વોલિટી એ છે કે તેના કાન નાના હોવા છતાં સાંભળવાની ક્ષમતા ઘણી સારી છે, એટલે તો ખોટું લગાડતા આવડી ગયું. દશામાંના વ્રતની કથાઓમાં મહદઅંશે એક જ વાત આવે છે કે જાણે અજાણે તેમનું અપમાન થયું, તે સાંભળી ગયાં. જો કે ભક્તિ કરી તો માફ પણ કરી દીધા.
ફિલ્મો(ચાંદની)માં ઊંટ પર બેસવા અને ઉતરતા પડી જતાં ઘણી વાર દેખાડવામાં આવ્યા છે, ઊંટની બેસવાની પ્રક્રિયાને જૈકવા કહે છે. આ માટે ઊંટને જૈ જૈ કહેવામાં આવે છે, બે તબક્કામાં ઊંટ બેસતું હોય છે.
સામાન્ય રીતે ઉંટ બે પ્રકારના કહી શકાય, સામાન લઈ જનારા અને સવારી લઈ જનારા…ઊંટ ચલાવનાર ઊંટવાન કહેવાય.
ચેસમાં હાથી વજનદાર હોવાથી સીધો ચાલે, ઘોડો કૂદી શકે એટલે અઢી ડગલાં ચાલે અને ઊંટ ત્રાંસો ચાલે. એટલે જ ગુજરાતી ભાષામાં ઊંટનો એક અર્થ મૂર્ખ માણસ પણ થાય, જે બધા કરતાં ત્રાંસો જ ચાલે…
બિકાનેર સ્ટેટ પાસે “ગંગા રસાલા” નામે ઊંટની અલગ સેના હતી. આ સેના તેની વીરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતી. આ સેનાએ અઢારમી સદીના અંતિમ ભાગમાં ચીન તેમજ આફ્રિકામાં થયેલા યુદ્ધમાં ભાગ લીધો હતો. પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ઈજીપ્તમાં અને બીજા વિશ્વયુદ્ધમાં મિડલ ઇસ્ટ ખાતે અગ્રીમ સરહદ પર પરાક્રમ કર્યું હતું. આઝાદ ભારતમાં જેસલમેરની ઊંટની ટુકડી સાથે ભળીને 1954માં ભારતીય સેનામાં વિલય થયો હતો. આ જ સેનાના જવાનોને 1965 અને 1971ની લડાઇમાં અપ્રતિમ શૌર્ય દાખવવા માટે અનેક શૌર્ય પદક પ્રાપ્ત થયા હતાં.
હા, નાના હતાં ત્યારે એટલું યાદ છે કે જેસીબીને કે ક્રેનને ગુજરાતી ભાષામાં ઊંટડો કહેતા…

Deval Shastri🌹