Good Morning
ડાકુઓ માત્ર ભારતીય પાત્ર નથી, પણ દુનિયાભરમાં અલગ અલગ સ્વરુપે ચર્ચામાં છે. બચપણમાં રોબિનહૂડ વિષે પુસ્તકો શોધતાં, માણસ પોતાનો જાન જોખમમાં નાખીને બીજાને મદદ કેવી રીતે કરી શકે તેનું રોબિનહૂડ બેસ્ટ ઉદાહરણ હતું. રોબિનહૂડની વાતો એટલી મગજમાં રહેતી કે કોઈ મદદ કરે તો ય તેમાં રોબિનહૂડ યાદ આવે…હજી રોબિનહૂડ સમજવાની કોશિષ ચાલતી ત્યાં તો માફિયાઓ આવ્યા… માફિયાઓ સમજવા ગયા ત્યાં ત્રાસવાદ શરૂ થયો.
આપણી વાત ભારતીય રોબિનહૂડ, સોરી ડાકુઓની હતી. ડાકુઓને આપણે ફિલ્મોથી ઓળખતા થયા. ફિલ્મોએ બે પ્રકારના ડાકુ દેખાડ્યા છે, એક સારા, જે કોઈ લાચારીથી ડાકુ બન્યા છે અને બીજા વિલન ટાઇપ…
ફિલ્મી વિલન ટાઇપ ડાકુ એટલે જ્યાં નાચગાન ચાલતા હોય, વારે તહેવારે કોઈ ડાન્સર ગીતો ગાવા આવી જાય કે કવ્વાલીના કાર્યક્રમ થતા હોય, અકારણ ગોળીબાર થતાં હોય અને અંતે હીરો આ બુરાઈનો નાશ કરે… જ્યારે ફિલ્મી ડાકુ સજ્જન પણ હતાં, જે અંતે નાશ પામતા હોય અને સાથે સાથે બૂરાઇને ખતમ કરતાં જાય.
મધર ઇન્ડિયાથી શરૂ થઈને પાનસિંગ તોમર સુધીના ડાકુઓ ફિલ્મો ગજવતા રહ્યા છે. સમાજમાં કોઇ બાબત યોગ્ય ન લાગે, અન્યાય લાગે તો બળવાખોરી કરવી તે ડાકુની ક્વોલિટી હતી. ડાકુની કલ્પના આપણા વિચારોમાં આવતા ગુસ્સા સાથે કલ્પી શકાય…
ડાકુની વાતો ફિલ્મો અને સાહિત્યમાં હવે આઉટ ઓફ ફેશન કહેવાય. હકીકત એ છે કે આપણે ડાકુની વાર્તા બંધ કરી અને સમાજની બુરાઈ તરફની આપણી માનસિક બળવાખોરી બંધ થવા લાગી. વાંક ફિલ્મોનો પણ ખરો, ડાકુઓની ફિલ્મો પણ એક જ સ્વરૂપમાં બનતી, અસંખ્ય ઘોડા અને પોલીસની જીપ વચ્ચે ચાલતો સંગ્રામ…વાહિયાત ડાકુઓની ફિલ્મોને કારણે આ વિષય જ બંધ થયો.
આપણો ગુસ્સો કે માનસિક બળવાખોર સ્વભાવ ગાયબ થતાં ધીમે ધીમે ટ્રોલ જેવી ઘટનાથી ડરતો સમાજ પેદા થવા લાગ્યો. પોતાની વાતને સ્પષ્ટ રુપે કહેવા બેક ઓફ માઇન્ડમાં એક તો સજ્જન ડાકુ માનસ જોઈએ, જે બેબાક પોતાની વાત કહી કે લખી શકે…
ડાકુની ખાલી પડેલી જગ્યા પણ ફિલ્મમાં કેવી વાહિયાત રીતે ભરવામાં આવી ?
સિત્તેરના દાયકા પછી ફિલ્મી ડાકુ બંધ થયા અને એંસીમાં ડો ડેંગ, શાકાલ કે મોગેમ્બો જેવા કાર્ટૂન મેકઅપ સાથે વિલનો આવ્યા. જે અન્યાય જેવા વિષય પર જનમાનસ સાથે ક્યારે પણ મેચ ન થઇ શક્યા.
એંસીના અંતથી તો ફિલ્મો બદલાવા લાગી, સુરજ બડજાત્યા, ચોપરાઓ કે કરણ જોહર ફેમ ચોકલેટી વાતોનો દોર શરૂ થયો. આ દોરનું પરિણામ એટલે ફિલ્મોમાં કનેક્ટ કરી શકે તેવા વિલન નામનું તત્વ પણ ગાયબ થઈ ગયું.
અમિતાભની જંજીર-દિવારની સફળતા ગણો કે અમિતાભને સુપરસ્ટાર બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો હતો? સમાજ સામે કે સંજોગો સામે આક્રોશ.
અમિતાભની શોલે હોય કે ગંગા કી સૌગંધ, જે ડાકુ પર બની હતી. સુલતાન એહમદે તો આખી જિંદગી ડાકુઓ પર જ ફિલ્મો બનાવી. સુલ્તાના ડાકુ, ગંગા જમના, પુતલીબાઇ હોય કે બોલ તેરે સાથ ક્યા…ફેમ મેરા ગાંવ મેરા દેશ હોય. આ ફિલ્મોએ ડાકુની અલગ અલગ વ્યાખ્યા આપી.
અસંખ્ય ફિલ્મો ડાકુ જીવન પર બની, પણ જેની સ્ટોરી પાવરફૂલ હતી અને જનમાનસને સમસ્યા સાથે જોડી શકી હતી એ જ સફળ થઈ. આ જ જનમાનસનો પૂરો અભ્યાસ પછી બનેલી શેખર કપૂરની બેન્ડિટ ક્વીન વિશ્વ સિનેમાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી.
બેન્ડિટ ક્વીનમાં શેખર કપૂરે પણ પ્રતિહિંસાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો, વ્યવસ્થા કે અન્યાય સામે લડવા માટે પ્રતિહિંસા જ વિકલ્પ છે? શેખર કપૂરના જુનિયર તિગ્માંશુ ધુલિયાએ ડાકુઓને યાદ કરીને એક શ્રેષ્ઠ પ્રયોગ આપ્યો… પાનસિંગ તોમર. આ ફિલ્મમાં કોઇ ફિલ્મી તત્વ ન હતું, કવ્વાલી કે ગ્લેમર વિના એક સરળ સ્ટોરી હતી, જેમાં વ્યવસ્થા સામે વિરોધ હતો. સામા પક્ષે પાનસિંગ રાષ્ટ્રીય કક્ષાનો દોડવીર હતો.
પાનસિંગનો દેશપ્રેમ પણ છે, તો વિદ્રોહનો સ્વિકાર પણ છે.
માણસજાત હમેશા આ દ્વંદ્વમાં જીવતી હોય છે. ડાકુ થવું એટલે હથિયાર ઉઠાવવા નહીં પણ પોતાની વાતને યેનકેન પ્રકારે રજુ કરવાની હિંમત કેળવવી….
કોઇ વાત વાંચી અસહમતિ લાગી? કોઇ પરિસ્થિતિ પર ગુસ્સો આવે છે? એ જ બહારવટું છે…જાળવી રાખજો…
બાકી ફિલ્મી વિલનનો દોર તો સમય અને સંજોગો મુજબ બદલાતો રહ્યો છે. શોષણખોર જમીનદારથી શરૂ થઈને ત્રાસવાદી સુધી વાયા ડાકુ કે સ્મગલર થઈને પહોંચ્યો છે, બસ કોરોનાને વિલન બનાવતી ફિલ્મોની રાહ જોવાની….
Deval Shastri🌹