કેન્દ્ર સરકારની ટાસ્કફોર્સ કમિટીની ભલામણો અનુસાર નિર્ણય લઈ રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓ હસ્તકની કોલેજના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષાઓ લેવાશે : શિક્ષણમંત્રીશ્રી
પરીક્ષાઓ અંગે નિર્ણય લેવા રચાયેલ ટાસ્કફોર્સ કમિટીની ભલામણો અનુસાર રાજ્ય સરકાર માર્ગદર્શિકા જાહેર કરશે
રાજયની તમામ યુનિવર્સિટીઓની પરીક્ષાઓ અંગે શિક્ષણમંત્રીશ્રી દ્વારા મહત્વની સ્પષ્ટતા
કોરોના કોવિડ–૧૯ની પરિસ્થિતિમાં રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા જનજાગૃતિ માટે થઈ રહેલા પ્રયાસોની સમીક્ષા અર્થે ગાંધીનગર ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ
મંગળવાર, ગાંધીનગર
રાજ્યની સરકારી તથા ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષાઓ લેવા સંદર્ભે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે મહત્વની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં યુનિવર્સિટીઓ હસ્તકની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવશે જ. પરંતુ યુ.જી.સી. દ્વારા પરીક્ષાઓ અને અન્ય બાબતો અંગે નિર્ણય લેવા માટે નિષ્ણાંત સભ્યોની સમિતિના સૂચનો અને ભલામણો અનુસાર પરીક્ષાઓ અંગેની માર્ગદર્શિકા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે અને તે મુજબ પરીક્ષાઓ લેવામાં આવશે.આજે કોરોના કોવિડ–૧૯ના સંદર્ભમાં રાજ્યની સરકારી તથા ખાનગી યુનિવર્સિટીઓએ લોકજાગૃતિ અને કોરોનાથી જરૂરી રક્ષણ મેળવવા સંદર્ભે કરેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગર ખાતે યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મહત્વની સ્પષ્ટતા કરી હતી.
યુનિવર્સિટીઓની પરીક્ષાઓ અંગે શિક્ષણમંત્રીશ્રીએ કુલપતિશ્રીઓને એમ પણ જણાવ્યું હતું કે, ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે યુનિવર્સિટીઓની પરીક્ષા યોજવા બાબતે માર્ગદર્શિકા નકકી કરવા જે ટાસ્કફોર્સની રચના કરી છે તેના માર્ગદર્શન પ્રમાણે પરીક્ષા સંદર્ભે આપણે આગળ વધવાનું રહેશે. કોલેજના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષાઓ કઈ રીતે લેવી તેના સૂચનો સત્વરે મોકલી આપવા માટે પણ શિક્ષણ મંત્રીશ્રીએ કુલપતિશ્રીઓને અપીલ કરી હતી.
સમગ્ર રાજ્યમાં કોરોના કોવિડ–૧૯ના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ એક પડકારરૂપ સમય છે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે જનજાગૃતિ, તાલીમ, શિક્ષણ અને માર્ગદર્શન આપે તેવો યુનિવર્સિટી અભ્યાસક્રમ તૈયાર કરવા માટે પણ શિક્ષણમંત્રીશ્રીએ કુલપતિશ્રીઓને આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોરોનાએ દુનિયામાં વહેવાર અને વહીવટની પધ્ધતિ બદલી નાંખી છે. હવે જીવન પધ્ધતિ અને જીવનશૈલી પણ બદલવી પડશે. અગાઉની આફતો દૃશ્ય આફતો હતી, જે આપણે જોઈ શકતા હતા અને જેમનો આપણે સફળતાપૂર્વક સામનો પણ કર્યો છે. પરંતુ આ આફત અદ્રશ્ય હોવા છતાં પણ સમગ્ર દેશ અને આપણા રાજ્યની જનતા અને વહીવટીતંત્ર તેનો હિમ્મતભેર સામનો કરી રહયા છે.
શિક્ષણમંત્રીશ્રીએ આગામી દિવસોમાં સ્ટાર્ટઅપના માધ્યમથી ઘરમાં, કચેરી કે વાહનોમાં સેનીટાઈઝેશનની વ્યવસ્થા આપોઆપ થઈ જાય તેવા પ્રયોગોના સંશોધનની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
આ વિડીયો કોન્ફરન્સમાં શિક્ષણરાજયમંત્રી શ્રીમતી વિભાવરી બહેન દવે એ ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે આપણે માટે આ આપત્તિને અવસરમાં પલટાવવાનો સમય છે. આ સમયમાં આપ સૌ સહીત રાજયના શિક્ષણ વિભાગે ટેકનોલોજીના માધ્યમથી વિધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી કાર્ય કર્યું છે તેનું પરિણામ આપણને આગામી દિવસોમાં મળશે જ.
અગ્ર સચિવશ્રી ઉચ્ચ શિક્ષણ શ્રીમતી અંજુ શર્મા તથા ઉચ્ચ શિક્ષણ, કમિશ્નરશ્રી નટરાજને પણ વીડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.