▪લોકડાઉન દરમિયાન માણસોની હેરાફેરી કરી આવશ્યક સેવાનો દુરુપયોગ કરતી ૨૩ એમ્બ્યુલન્સ જપ્ત
▪અમદાવાદ સુરત અને રાજકોટમાં કરફ્યુ ભંગ બદલ કુલ ૨૧૩ ગુના નોંધી ૨૩૯ લોકોની ધરપકડ
▪કોરોના વોરિયર્સ પોલીસ કર્મીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા લેવાઇ રહેલી પૂરતી તકેદારી
▪લોકડાઉન દરમિયાન જપ્ત કરાયેલા વાહનોમાં ટુ અને થ્રી વ્હીલર વાહનોને મહત્તમ રૂ.૫૦૦ અને અન્ય વાહનોનો રૂ. ૧૦૦૦ દંડ લઈ પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાશે
▪સોસાયટીમાં લાગેલા ખાનગી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી પોલીસે ૬૯ ગુનો દાખલ કરી ૧૩૪ની ધરપકડ કરી
***
કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા માટે પોલીસ – આરોગ્ય કર્મીઓ ફ્રન્ટલાઈન પર કામ કરી રહ્યા છે ત્યારે તેમના મનોબળને ટકાવી રાખવા નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે તેમ કહી રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ ઉમેર્યું હતું કે, કોરોના વોરિયર્સ એવા કર્તવ્યનિષ્ઠ તમામ કર્મચારીઓ પોતાના જીવના જોખમે ફરજ નિભાવી રહ્યા છે ત્યારે તેમનું મોરલ ડાઉન થાય તેવી કોઈ પણ અફવા ફેલાવતી પોસ્ટ સોશીયલ મીડિયામાં ફરતી કરવી તે યોગ્ય નથી. ગુના દાખલ કરવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાથી પોલીસ કર્મીઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યા છે આવી અફવાઓ સંદર્ભે શ્રી ઝાએ કહ્યું કે, અમારા તરફથી પોલીસને આવા કોઈ ટાર્ગેટ આપવામાં આવતા નથી. એટલે આવી કોઈ અફવા ફેલાવી કે તેવી પોસ્ટ મૂકીને પોલીસનું મોરલ ડાઉન કરવાનું કાર્ય બંધ કરવું નાગરિકોની નૈતિક ફરજ છે.
લોકડાઉન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આવશ્યક સેવાઓ માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે ત્યારે આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓ દ્વારા માણસોની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની ગંભીર બાબતો પોલીસના ધ્યાને આવી હતી. જેના આધારે આવી સેવાઓ સાથે સંકળાયેલા વાહનો ઉપર પણ પોલીસે સતત વોચ રાખી છે. રાજ્યમાં એમ્બ્યુલન્સ મારફતે માણસોની હેરાફેરી કરી આવશ્યક સેવાનો દુરુપયોગ કરતી ૨૩ એમ્બ્યુલન્સ જપ્ત કરવામાં આવી છે. જે તમામ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ, સુરત અને રાજકોટ મહાનગરોના કોરોનાથી વધુ સંક્રમિત થયેલા વિસ્તારોમાં કરફયુનો કડક અમલ કરવામાં આવ્યો છે. તેમ છતાં કરફ્યુ ભંગ કરી કેટલાક વ્યક્તિઓ બિનજરૂરી ઘરની બહાર નીકળી રહ્યા છે. ડ્રોન અને સીસીટીવી ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ રાખીને તેમની ઉપર પણ સઘન વોચ રાખવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં આવી રીતે કરફ્યુ ભંગ કરવા બદલ કુલ ૨૧૩ ગુના નોંધી ૨૩૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કોરોના વોરિયર્સ પોલીસ કર્મીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હોવાનું જણાવીને શ્રી ઝાએ ઉમેર્યું હતું કે પોલીસ કર્મચારીઓ માટે સરગવાનો પાવડર, વિટામીન સી ટેબલેટ, આયુર્વેદિક ઉકાળા, લીંબુ પાણી તથા છાશ આપવામાં આવી રહી છે. તે ઉપરાંત પોલીસ કર્મચારીઓના પરિવારો જ્યાં રહે છે તે પોલીસ લાઈન તથા પોલીસના વાહનોમાં નિયમિત સેનિટાઇઝ કરી આ વિસ્તારો ડીસઇંફેક્ટ કરાવવામાં આવી રહ્યા છે.
શ્રી ઝાએ કહ્યું કે, લોકડાઉન દરમિયાન જપ્ત કરાયેલા વાહનોમાં ટુ અને થ્રી વ્હીલર વાહનોને મહત્તમ રૂ.૫૦૦ અને અન્ય વાહનોનો રૂ.૧૦૦૦ દંડ લઈ પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરવામાં આવશે. ગઈ કાલે જપ્ત કરાયેલા ૮૬૯૧ વાહનો છોડવામાં આવ્યા હતા જ્યારે અત્યાર સુધીમાં ૫૯ હજારથી વધુ વાહનો છોડવામાં આવ્યા છે.
રાજ્યમાં લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે હવે પોલીસ દ્વારા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી વાહનોના નંબર પ્લેટને આધારે રસ્તા ઉપર વારંવાર ફરતા દેખાતા નાગરિકોને શોધી કાઢવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નાઇઝેશન (એ.એન.પી.આર.) સોફ્ટવેરની મદદથી બિનજરૂરી ફરતા વાહનચાલકોની યાદી તૈયાર કરી તે તમામ સામે ગુનો દાખલ કરવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં વાહનોના નંબર આધારે ટ્રેકિંગ માટે એ.એન.પી.આર. સોફ્ટવેરની મદદથી વાહન પર નજર રાખી ૧૯૦ ગુના દાખલ કરી જરૂરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહિ, ૩૬૦ ડિગ્રી એરિયા કવર કરતાં કેમેરાથી સુસજ્જ પોલીસની વાન ‘પ્રહરી’ દ્વારા લોકડાઉન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પ્રહરી આધારે અત્યાર સુધી ૧૫૨ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત પોલીસ પેટ્રોલિંગમાં ફરતી ગાડીઓમાં તૈનાત વીડિયોગ્રાફર દ્વારા કરાયેલા રેકોર્ડિંગ થકી ૨૨૬ ગુના નોંધવામાં આવ્યા છે તેમ શ્રી ઝાએ ઉમેર્યું હતું.
મરકઝથી ગુજરાતમાં આવેલા જમાતીઓ સંદર્ભે શ્રી ઝાએ ઉમેર્યું કે, ગઈ કાલે મહારાષ્ટ્રના ભૂસાવલથી લોકડાઉનનો ભંગ કરી ગાંધીનગર ખાતે આવેલા વધુ એક વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તેને કવોરંટાઈન કરવા ઉપરાંત મેડિકલ ચેકઅપ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. સુરા જમાતના મરક્ઝથી ગુજરાતમાં લોકડાઉન ભંગ કરીને આવેલા વ્યક્તિઓ સામે અત્યાર સુધીમાં ૯ ગુના નોંધવામાં આવ્યા છે.
શ્રી ઝાએ ઉમેર્યું કે, સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ મેસેજ બનાવનાર અને તેને ફેલાવનાર પર સોશીયલ મીડીયા મોનીટરીંગ સેલ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે ગઈ કાલે આવી રીતે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવા બદલ ૧૭ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૩૫૭ ગુનાઓ દાખલ કરી ૬૮૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસ દ્વારા ડ્રોનની મદદથી ગઈ કાલે ૨૭૪ ગુનાઓ તથા સીસીટીવીની મદદથી ૯૪ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ડ્રોનની મદદથી ૬૭૫૧ ગુનાઓ તથા સીસીટીવીની મદદથી ૧૨૦૬ ગુનાઓ દાખલ કરી લોકડાઉનની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.
પોલીસ તંત્ર દ્વારા ગઈ કાલથી અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા શ્રી ઝાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૨૨૫૯ અને હોમ કવોરન્ટાઈન ભંગના ૧૦૩૨ તથા અન્ય ૪૯૨ ગુનાઓ મળી કુલ ૩૭૮૩ ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૪૯૫૩ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૨૫૭૬ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
*******