*ભારતીય સંસ્કૃતિના સંરક્ષક, સર્વધર્મના ચાહક અને વિશ્વ શાંતિના પ્રચારક એટલે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના જીવન દર્શનની ઝાંખી…*
જેમણે પોતાનું સમગ્ર જીવન ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક, શૈક્ષણિક વગેરે કાર્યોમાં ન્યૌછાવર કર્યું; લાખ્ખો કિલોમીટર દેશ-વિદેશમાં ધર્મ પ્રચારાર્થે સત્સંગ વિચરણ કરી ભારતીય સંસ્કૃતિ અને વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવ્યો; વાઘા બોર્ડર અને ખાવડા બોર્ડર આદિ બોર્ડરના સ્થળો પર જઈને સૈનિકોની સાર લીધી; દુષ્કાળ, પૂર, ભૂકંપ જેવી હોનારતોમાં લોકો અને મૂંગાં પશુઓની સાર સંભાળ લીધી; દેશ-વિદેશમાં વસતા સત્સંગ ચાહક ભાવિકોની પ્રાર્થના સાંભળી, સ્વીકારી અને તેમના દુ:ખદર્દને દૂર કર્યાં એવા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશ ગુરુ પરંપરાના – શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન.
કચ્છની ભૂમિ ઐતિહાસિક અને પુરાણ પ્રસિદ્ધ છે. આ પાવનકારી ભૂમિના ભૂજ તાલુકાના ભારાસર ગામે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું પ્રાગટ્ય વિક્રમ સંવત ૧૯૯૮ના અધિક જેઠ સુદ તેરસ, તા. ૨૮-૫-૧૯૪૨ ને ગુરુવારના શુભ દિને થયું. તેમનું પૂર્વાશ્રમનું નામ હીરજીભાઈ શામજીભાઈ માધાણી હતું. માતા રામબાઈ અને પિતા શામજીભાઈએ વ્હાલસોયા પુત્રનો હાથ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના હાથમાં સોંપ્યો.
બાળપણથી પ્રભુ ભક્તિના રંગે રંગાયેલા શ્રી હીરજીભાઈ પ્રાથમિક અભ્યાસ ભારાસરમાં પૂર્ણ કરી વધુ અભ્યાસાર્થે શ્રી સ્વામિનારાયણ છાત્રાલય- મણિનગર, અમદાવાદ આવ્યા. શ્રી ઘનશ્યામ પ્રભુની ભક્તિ અને ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સેવા કરવાની એટલી તમન્ના કે આ લોકનો અભ્યાસ ગૌણ બની ગયો. ગુરુદેવનો અલૌકિક પ્રેમ પામીને માત્ર ૧૯ વર્ષ, ૯ માસ અને ૨૩ દિવસની વયે વિ.સં. ૨૦૧૮ની ફાગણ સુદ પૂર્ણિમાના પાવન દિને તા. ૨૧-૦૩-૧૯૬૨ને બુધવારે ભાગવતી મહાદીક્ષા ધારણ કરી અને *શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી* નામ ધારણ કર્યું.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રત્યે અપાર પ્રેમ; ત્યાગ, સેવા, સમર્પણની ઉમદા ભાવનાને પરિણામે માત્ર ૨૩ વર્ષની નવયુવાન વયે સ્વામીબાપાના અંગત મદદનીશ બની ગયા. સ્વામીબાપાના અંતરના તાર સાથે તાર મિલાવી શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી સાચેસાચ *“ સંત શિરોમણી”* બની ગયા. સર્વે પ્રસંગોમાં શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી ગુરુદેવ સ્વામીબાપાની સાથે ને સાથે જ રહેતા. સ્વામીબાપાના પરિપૂર્ણ વિશ્વાસ પ્રાપ્ત કરવામાં તેમની ઉધમશીલતા, ગ્રહણશીલતા, પવિત્રતા,નમ્રતા અને અદ્ભુત સત્સંગપરાયણતા વગેરેનો અનોખો સમન્વય સધાયો હતો. આથી જ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ પોતાના ઉત્તરાધિકારી તરીકે શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રીની વરણી કરી; શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિ.સં. ૨૦૩૫, ફાગણ સુદ – ૨, તા.૨૮-૦૨-૧૯૭૯ને બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદીના પાંચમા વારસદાર તરીકે સત્સંગની ધર્મધુરા એમના સબળ અને યુવા હાથોમાં સોંપી. તે વખતે સ્વામીશ્રીની ઉંમર ફક્ત 37 વર્ષની હતી.
*“આજ્ઞા ગુરુણામ્ અવિચારણિયા”* એ ન્યાયે શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રીએ ગુરુદેવની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને પોતાનું સમગ્ર જીવન ભક્તોના લાડકોડ પૂરાં કરવા અને વિશ્વ કલ્યાણ માટે વ્યતીત કર્યું. રાત-દિવસ, ઊંઘ-ઉજાગરો, થાક, વગેરે કોઈ પણ પ્રકારની પરવા કર્યા વિના ગામે-ગામ અને દેશ-વિદેશમાં પરિવ્રાજક સમ સત્સંગ વિચરણ કર્યું. સત્સંગ પ્રચાર અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે સડક માર્ગે ૧૭,૦૭,૧૬૨ કિ.મી., રેલ્વે માર્ગે ૬,૪૬,૬૦૯ કિ.મી. અને હવાઈ માર્ગે ૨૫,૦૮,૩૪૫ એમ લગભગ લાખો કિ.મી.નું સત્સંગ વિચરણ કર્યું. ૧૦૧ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સંસ્કાર યાત્રા કરી. પ્રેમીભક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરીને ૧,૩૫,૭૫૨ સ્થળોએ પધરામણી; ૭૮,૦૦૦થી અધિક સ્થળોએ મહાપૂજા; ૨,૨૯,૦૭૮ કથા પારાયણો, જીવન ઘડતર શિબિરો, વ્યસન મુક્તિ કેમ્પો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેથી લાખ્ખો મુમુક્ષુઓને મોક્ષભાગી બનાવ્યા.
ભગવાનને ભક્તિ ખૂબ વહાલી છે. ભક્તો ભક્તિ રસનો આનંદ માણી શકે તે માટે ૧૧૧ વિડિયો ઉપરાંત કેસેટનું પ્રકાશન કર્યું. સદ્ગ્રંથો થકી જીવન ઘડતર થાય છે તેમજ સત્સંગની વૃદ્ધિ થાય છે; આથી ૨૦૦ ઉપરાંત જેટલા ધર્મગ્રંથોનું પ્રકાશન કર્યું અને ખૂબ વ્યાજબી કિંમતે લાખો લોકોના ઘેર ઘેર સુધી પહોંચાડ્યા. સત્સંગ પ્રચાર માટે *સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન* હિન્દી ધારાવાહિક – ફિલ્મનું નિર્માણ કર્યું. વિશ્વ પ્રસિદ્ધ સ્કોટિશ બેન્ડ – શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ નાઇરોબી, લંડન, બોલ્ટન, અમેરિકા, મણિનગરની સ્થાપના કરી અને દુનિયાભરમાં પ્રખ્યાત કર્યું. સત્સંગ પ્રચાર માટે અનેક વેબસાઇટોનું પ્રસ્થાપન કર્યું. વિવિધ મહોત્સવ પ્રસંગે પ્રેરણા આપીને અબજોનું મહામંત્ર લેખન તથા જાપ યજ્ઞ કરાવ્યો. સંસ્કાર ભાસ્કર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદસજી સ્વામીજી મહારાજના કાર્યો અપરંપાર અને અવર્ણનીય છે.
ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને અંજલિ રૂપે ઘોડાસર-અમદાવાદમાં વિશ્વ શાંતિ કેન્દ્ર – શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિરનું અદ્ભુત નિર્માણ કરાવ્યું છે. સ્મૃતિ મંદિર ગુરુભક્તિ અને પ્રેમનું અજોડ અને અદ્વિતીય પ્રતીક છે. અહીં ત્રણ મજલામાં સ્વામીબાપાની ભવ્ય જીવનલીલાને અક્ષરસ્થ કરી, ગુરુદેવ પ્રત્યેના આપણા સૌના ઊંડા અને ઉન્નત આદરભાવને વાચા આપી છે.
*નૌતમ નજરાણું ગુરુભક્તિનું, સર્જીને નિર્વિવાદ;*
*ધરણી પર ગુરુભક્તિના, ચાર ચાર લગાવ્યા ચાંદ…*
યુકે – લંડનના કિંગ્સબરીમાં વિશ્વનું સૌ પ્રથમ ઇકો ફ્રેંડલી મંદિરનું નિર્માણ સ્વામીશ્રીએ કરાવ્યું છે. અમેરિકામાં ન્યૂજર્સી-સિકાકસ, શિકાગો, કેલિફોર્નિયા, ડેલાવર, વર્જિનિયા, ઓકાલા, ક્લીવલેન્ડ, મુંબઈ, માઉન્ટ આબુ, સુરત, લંડન, બોલ્ટન – યુકેમાં, પર્થ, સીડની વગેરે ઓસ્ટ્રેલિયામાં, નાઈરોબી – કેન્યા, મોમ્બાસા, અરુસા – ટાન્ઝાનિયા, કંપાલા – યુગાન્ડા વગેરે પૂર્વ આફ્રિકાના એમ ગામે-ગામ અને દેશ-વિદેશમાં અનેકાનેક મંદિરોના નિર્માણ કર્યા છે.
આજના વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે સંસ્કારનું ભાથું મેળવે તે માટે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીએ અમદાવાદ, કચ્છ, પંચમહાલ વગેરે સ્થળોએ શાળા- કોલેજો અને છાત્રાલયો, ભવ્ય શિક્ષણ સંકુલોની સ્થાપના કરી. અહીં રાષ્ટ્રભક્તિ અને સંસ્કૃતિના રક્ષણ, રમતગમત અને શરીર સૌષ્ઠવના પાઠો પણ શીખવવામાં આવે છે. સેવામૂર્તિ પરંતપ: આચાર્ય સ્વામીજી મહારાજનો અપાર પ્રેમ શ્રી સ્વામિનારાયણ છાત્રાલયના વિદ્યાર્થીઓને પણ પ્રાપ્ત થાય છે. વેદરત્ન આચાર્ય સ્વામીશ્રી છાત્રાલયમાં પધારે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે ને પછી વ્હાલથી જમાડે. આ અણમોલ અને અવિસ્મરણીય અવસર વિદ્યાર્થીઓ માટે જીવનભરનું સંભારણું બની જાય. સ્વામીશ્રીની પ્રેમ દોરીએ બંધાઈને છાત્રાલયના વિદ્યાર્થીઓ અને હરિભક્તોના સંતાનો મળીને અનેક યુવાનોએ સંતની ભાગવતી મહાદીક્ષા ગ્રહણ કરી છે.
વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રીના પ્રેમને વશ થઈને અનેક યુવાનો વ્યસનમુક્ત થઈ સંસ્કારી જીવન જીવવા લાગ્યા. સ્વામીશ્રીએ ઠેર-ઠેર વિચરણ કરીને લોકોને કુરિવાજ અને અંધ શ્રદ્ધાથી મુક્ત કર્યા છે. ભૂકંપ, પૂર, દુષ્કાળ જેવી કોઈ પણ હોનારત સમયે લોકોની સારસંભાળ લેવા પરદુઃખભંજક આચાર્ય સ્વામીશ્રી સંતો-ભક્તો સાથે દોડી જાય છે. કચ્છમાં ૨૦૦૧ માં આવેલ ભયાનક ભૂકંપ સમયે સૌ પ્રથમ પહોંચનાર સંત વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીશ્રી જ હતા. દુષ્કાળની પરિસ્થિતિમાં અનેક પાંજરાપોળમાં મૂંગાં પશુઓ માટે ઘાસચારો પહોંચાડ્યો છે. દેશ-વિદેશમાં વિચરણ દરમિયાન દુ:ખી જીવ માત્ર પ્રત્યે કરુણા વહાવી છે.
૨૦ વર્ષ પૂર્વે સરદાર સરોવર – કેવડિયા ખાતે વલ્લભભાઈ પટેલના મૂર્તિનું સૌજન્ય મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આપવામાં આવેલ છે. આમ, સદ્ધર્મજ્યોતિર્ધર સ્વામીશ્રીએ રાષ્ટ્ર ઉત્થાન અને લોકહિત માટે અંદાજીત અબજો ઉપરાંત રૂપિયાના દાનની સરવાણી વહાવી છે. છતાં પોતે વિનમ્ર ભાવે સદાય સાદગીપૂર્ણ જીવન વિતાવ્યું છે.
દાર્શનિકસાર્વભૌમ સ્વામીશ્રીની સ્નેહ તાંતણે ધાર્મિક, રાજકીય, સામાજિક, સાહિત્યિક વગેરે અનેક ક્ષેત્રના લબ્ધ પ્રતિષ્ઠિત અનેક મહાનુભાવો બંધાયા છે. સર્વ શ્રી શ્રી અખંડાનંદ સરસ્વતીજી મહારાજ ( અધ્યક્ષ, અખિલ ભારત સાધુ સમાજ), શ્રી શ્રી રવિશંકરજી ( આર્ટ ઓફ લિવિંગ), શ્રી રામદેવજી મહારાજ (પતંજલિ યોગ ), માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ( વડાપ્રધાન), અટલ બિહારી બાજપાઈ, એચ.ડી.દેવગૌડા, અબ્દુલ કલામ વગેરે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત વિવિધ કાર્યક્રમોમાં પ્રેમસભર આમંત્રણનો સ્વીકાર કરીને ઉપસ્થિત રહ્યા છે અને તેમની સંસ્થામાં યોજાતા કાર્યક્રમોમાં સદ્ધર્મજ્યોતિર્ધર આચાર્ય સ્વામીશ્રીને સસ્નેહે નિમંત્રણ પાઠવ્યા છે.
પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીના ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક વગેરે લોક હિતના કાર્યોની સુવાસથી પ્રભાવિત થઈ અનેક સંતો-મહંતો અને પ્રકાંડ વિદ્વાનોએ સદ્ધર્મરત્નાકર, સદ્ધર્મજ્યોતિર્ધર, સનાતનધર્મસંરક્ષક, સિદ્ધાંતવાગીશ, દાર્શનિકસાર્વભૌમ, સત્સિદ્ધાંતદિવાકર, સેવામૂર્તિપરંતપ:, વિશ્વવાત્સલ્યમહોદધિ, વેદરત્ન, વર્લ્ડ પીસ એમ્બેસેડર વગેરે પદવીઓથી નવાજ્યા છે.
સંસ્કારભાસ્કર આચાર્ય સ્વામીશ્રી મહારાજે અનેકાનેક ઐશ્વર્યો દર્શાવી ૭૮ વર્ષ ૧ માસ અને ૧૮ દિવસ આલોકમાં દર્શનદાન આપી આજે તારીખ ૧૬-૭-૨૦૨૦ ને ગુરુવાર, એકાદશીના પવિત્રતમ શુભ દિવસે મનુષ્ય લીલા સંકેલી લીધી છે. તેઓશ્રીનો અંત્યેષ્ટિ સંસ્કાર ગુરુ શિષ્યના પવિત્ર પ્રેમનું નૌતમ નજરાણું વિશ્વ શાંતિ કેન્દ્ર – શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસર – અમદાવાદના પરિસરમાં કરવામાં આવ્યો હતો.
સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરનાર લાખોના લાડીલા વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રીના ચરણોમાં પુન: કોટી કોટી વંદન.
સ્ટોરી: મુકેશ સાયકલીસ્ટ