નવાવાડજ ગામમાં આવેલી હોલસેલની ગુટકાની દુકાનનું તાળું તોડીને લૂંટ ચલાવવાનો કેટલાક લોકોએ પ્રયાસ કર્યો છે. પાન-મસાલા, બીડી, તમાકુ અને ગુટકાના હોલસેલર હોવાથી દુકાનમાં મોટો જથ્થો રહે છે. ગઈ રાત્રે એકાદ વાગ્યાની આસપાસ કેટલાક લોકોએ આ દુકાન તોડીને બધો માલ લૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઠેર ઠેર કાળાબજાર થઇ રહ્યા છે તેવામાં ગુટકાની દુકાન તોડીને લૂંટ ચલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે તાળું તોડ્યા બાદ અવાજ થતા સ્થાનિકો જાગી જતા ચોરો ભાગ્યા હતા.
દુકાનદાર શંભુભાઈ પટેલના જણાવ્યા અનુસાર, ગઈ મોડી રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિઓએ દુકાનનું તાળું તોડ્યું હતું. પરંતુ શટર ઊંચું ન થતા અને સ્થાનિકો જાગી જતા ચોરો ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ થતા અમો તુરંત દુકાને પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસની હાજરીમાં જ દુકાનમાં રહેલો માલ સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો.આ મામલે વાડજ પોલીસનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, દુકાનદારે માલસામાનની ચોરી ન થઇ હોવાથી ફરિયાદ કરવાનો ઇન્કાર કરી દેતા ફરિયાદ નોંધવામાં આવી નથી.