ઘરમાં બેઠા આપણે બધા ત્રસ્ત છીએ કે કોરોના ક્યારે દૂર થશે? એવું પણ બને કે આપણામાં કોઈ સારી ક્રિએટિવિટી હોય, જે ધ્યાનમાં જ ન હોય અને તે બહાર આવે. સમસ્યાઓ ઘણીવાર સારા પરિણામો લાવી શકે. ફિલ્મ જગતના પિતામહ પણ આપણને મહામારી પછી જ મળ્યા હતાં.
વર્ષ 1995થી દાદાસાહેબ ફાળકે તેમની પત્ની અને પુત્રી સાથે ગોધરામાં વસ્યાં હતાં. તે સમયના ગોધરાના જમીનદાર અને ધનાઢ્ય એવા ભાઉરાવ દેસાઇ દાદાસાહેબને ગોધરા લાવ્યા હતાં અને સ્ટેશનરોડ પર જગ્યા આપી હતી. હાલમાં આ સ્થળ પર સ્વાગત ગેસ્ટહાઉસ છે. દાદાસાહેબ ફાળકે મુંબઈ અભ્યાસ પૂરો કરીને વડોદરા કોલેજ અંતર્ગત કલાભુવનમાં ફોટોગ્રાફી, પેઇન્ટિંગ તેમજ સ્થાપત્યનો અભ્યાસ કરવા આવ્યા હતાં. આ સમયે સમર્થ કહી શકાય તેવા ટી.કે.ગજ્જર તેમના ગુરૂ હતાં. વડોદરામાં નવરાશના સમયે જાદુ પણ શીખ્યાં હતાં.
મૂળવાત, વર્ષ 1900માં ગોધરામાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. પ્લેગના રોગચાળામાં દાદાસાહેબના પત્ની અને પુત્રી મૃત્યુ પામ્યા. દાદાસાહેબનું મન ગોધરામાંથી ઉઠી જતાં તે વડોદરા આવ્યા પણ મન ન લાગતા મુંબઇ પ્રયાણ કર્યું. રાજા રવિવર્મા સાથે કામ કરતાં ગયાં. આ ગાળામાં ભારતમાં મોશન ફિલ્મોનો દોર શરૂ થયો. રાજા રવિવર્માએ દાદાસાહેબને મોશન ફિલ્મ બનાવવા સલાહ આપી. અનેક સફળ નિષ્ફળ પ્રયાસોના અંતે દાદાસાહેબ ફાળકેએ પ્રથમ ભારતીય ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર બનાવી અને વિશાળ ભારતીય ફિલ્મ ઉદ્યોગની સ્થાપના કરી. વડોદરામાં જે જાદુ શીખ્યા હતાં તેનો ઉપયોગ ફિલ્મમાં ટ્રીક બનાવવા કર્યો.
આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાય છે એ દાદાસાહેબ ફાળકે ગોધરાનો સ્ટુડિયો છોડીને આવ્યા હતાં. જો કે તેમના પત્ની અને પુત્રી ગુમાવવાનું દુઃખ છે પણ પ્લેગ ન આવ્યો હોત તો આ સમર્થ વ્યક્તિત્વ આપણને મળ્યું ન હોત. હમેશા આશાવાદી રહેવું કે કોરોના આપણામાંથી ઘણા બધા માટે ભવિષ્યમાં સુખ અને સામર્થ્ય લાવશે. સમસ્યા અનેક મૂંઝવણ દૂર કરી શકે છે, બે મહિના પહેલાં ઉતરાણ અને લગ્ન સીઝનમાં ક્યાં ખબર હતી કે આ રીતે ઘરે બેસવાની સિઝન પણ આવશે. કુદરતની ચાલ સમજવા આપણા કદ નાના હોય, એવું પણ બન્યું હોય કે પૃથ્વીને સાફસફાઈ માટે સમય જોઇતો હોય જેથી સ્વચ્છ હવા પાણીમાં મનુષ્ય વધુ શ્રેષ્ઠ જીવન માણી શકે…પ્રભુને પ્રાર્થના કે સહુને આરોગ્ય અને દીર્ઘાયુ આપે.