એકાંતવાસ ને પ્રેરણાવાસ મા બદલવા માટે આના થી વધુ સારું ઉદાહરણ કયું જોઈએ??
અભિનંદન..
મુંબઈ ના લેખક મિત્ર સંજય શાહ ની સમગ્ર પ્રક્રિયા આવો એમના જ શબ્દો મા માણીએ.
સંજય શાહ: મારો અવતાર સારો નથી. ઘણાનો નહીં હોય. દાઢી-વાળ વધ્યાં છે. સૂવાનાં, નહાવાનાં, જમવાનાં ઠેકાણાં નથી. ઘેર બેસીને દાટ વળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર કોઈક લખે કે બૈઠે બૈઠે ક્યા કરે… અને અંતાક્ષરીનો પ્રસ્તાવ મૂકે એ વાંચીને જોડાવાનું મન નથી. કરવાનું શું? આ પ્રશ્નમાંથી સર્જાયું ગીત – આરામ કર, આરામ કર… – કોરોનાવાઇરસ સામે યુદ્ધે ચડેલા વિશ્વને આ બીમારીની જાણકારી મળે, ઘેર રહીને ઉચાટને બદલે શાતા અનુભવાય એવા વિચારને ગીત પ્રોત્સાહન આપે છે.
આ લેખ લખવાનું કારણ આ ગીત લખ્યું એનાથી વિશેષ એ કેવી રીતે સંગીતબદ્ધ થયું, કેવી રીતે ગવાયું, એનો વિડિયો કેવી રીતે બન્યો અને ગીત યુટ્યુબના માધ્યમથી લોકો સુધી કેવી રીતે પહોંચવા માંડ્યું, એ ઇમ્પોસિબલ પ્રોસેસ કેવી રીતે પાર પડી એ વાત શેર કરવાનો છે. બીજું કારણ એટલે લૉકડાઉને મને કેવી રીતે વિડિયો એડિટર બનાવ્યો એ વાત શેર કરવાનું છે.
તો, ગીત લખાઈ ગયા પછી એ રેકોર્ડ કેવી રીતે થયું? કોણે ગાયું? પછી વાત વિડિયો અને યુટ્યુબ સુધી કેવી રીતે પહોંચી…
આ લેખ લખવાનો વિચાર મને મિત્ર શિશિરે (રામાવત) આપ્યો. મને પણ એ વિચાર ગમી ગયો કે લૉકડાઉનમાં કંઈખ શીખ્યાનો આનંદ, ગીત બનાવ્યાનો આનંદ લોકો સાથે એની પ્રોસેસ પણ શેર કરીને વહેંચવામાં મજા પડશે.
વિડિયો એડિટંગ મારું કામ નથી. મને આવડતું નથી. કોરોનાવાઇરસે અને લૉકડાઉને મને એ કામ શીખવી દીધું. આપણાથી એડિટરની જવાબદારી કોઈ કાળે નિભાવી ના શકાય એવો મારો મત હતો. જોકે માણસ મગજ પર લે તો ઘણું શીખી શકે એનો ફરી એકવાર સાક્ષાત્કાર મેં આ ગીતના સર્જનમાં કર્યો. લેટ્સ ગો.
ગયા અઠવાડિયે મને થયું કે બીજું કાંઈ ક્રિએટિવ થાય કે ના થાય, પણ કોરોનાવાઇરસ પર એકાદ ગીત જરૂર લખી શકાય. એને રેકોર્ડ કરીને રિલીઝ કરી શકાય કે કેમ એ દ્વિધા હતી. એમાં મિત્ર-સંગીતકાર ઇકબાલભાઈ (દરબાર)ને ફોન કર્યો. ઇકબાલભાઈ કહે, “પ્રયત્ન થઈ શકે. એક ઓળખીતાને ઘેર સ્ટુડિયો છે, એટલે બહાર જવાની જરૂર નહીં પડે. એની પાડોશમાં આપણો જાણીતો સિંગર રહે છે. એને કશે ગયા વિના ગાવાની સાનુકૂળતા રહેશે.” સરસ, મતલબ કે આગળ વધી શકાય.
પડકાર એ હતો કે આખી પ્રોસેસમાં અમારામાંથી કોઈ એકમેકને મળી શકવાના નહોતા. ગીત કે અન્ય કોઈ પણ ક્રિએટિવ કામ વખતે થતી ચર્ચા, વિચારોની આપલે અગત્યની ભૂમિકા ભજવતી હોય છે. ક્ષતિઓ એનાથી સુધરતી હોય છે. કામને નિખાર આવતો હોય છે. અમારી પાસે આવી લક્ઝરી હોવાનો સવાલ નહોતો. છતાં અમે આગળ વધવાનું ઠરાવ્યું. જેઓ પ્રોસેસમાં ઇન્વોલ્વ થવાના હતા એ પોતપોતાના કામને જાણનારા હતા.
પછી ગીત શું લખવું એ વિચારતાં એક વિચાર પર મન ઠર્યું. ભગવાન રામ આપણને ઘેર રહેવાની, આરામ કરીને પોતાનો, સૌનો ઉદ્ધાર કરવાની શીખ આપતા હોય એવો એ વિચાર હતો. ગીત લખીને મોકલાવ્યું ઇકબાલભાઈને.
તેઓ કહે, “બાકી તો સારું છે પણ આ એક લાઇનથી વિવાદ થઈ શકે હોં.” મેં કહ્યુું ભલે, એ લાઇન બદલી નાખશું. મેં ગીતમાં સુધારો કર્યો. કાગળ પર ગીત તૈયાર થઈ ગયું પેલી લાઇન કઈ હતી એ વિશે ફરી ક્યારેક વાત.
પછી ઇકબાલભઆઈએ ધૂન બનાવીને મને વ્હોટ્સએપ કરી. સાંભળીને મેં મારાં સૂચનો શેર કર્યાં. પછી ફાઇનલ ધૂન બની. ઇકબાલભાઈએ એ મોકલાવી સ્ટુડિયો પર અને થયું રેકોર્ડિંગ.
સ્ટુડિયોમાંથી ગીત આવ્યું કે એનું જરૂરી મિક્સિંગ કરીને ઇકબાલભાઈએ એ મને મોકલ્યું. સાંભળીને મેં ચાર-પાંચ નાના મોટા ફેરફાર સૂચવ્યા. સામાન્ય દિવસોમાં ગીતકાર, સંગીતકાર, ગાયક, રેકોર્ડિસ્ટ સૌ મળીને એક ગીતના સર્જનમાં આના કરતાં ઘણા વધારે સુધારા કરે. હમણાં એ પોસિબલ નહોતું. નેક્સ્ટ ડે, ગીત ફરી રેકોર્ડિંગ સ્ટુડિયો પહોચ્યું અને એકાદ કલાકમાં સુધારા પત્યે ત્યાંથી પાછું પહોંચી ગયું ઇકબાલભાઇના ઇનબૉક્સમાં.
મારી પાસે ગીત આવ્યું કે પ્રશ્ન આવ્યો વિડિયોનો. મારી સાથે (એટલે કંપનીમાં હોં) બે એડિટર છે. બેઉ અપકમિંગ છે. બેઉને ફોન પર સમજાવવું કે આ ગીતનો વિડિયો કેવી રીતે બનાવવો, એ પણ વગર શૂટિંગે, એ સખત અઘરી વાત હતી. વિડિયો બનાવવા બે વિકલ્પ હતાઃ કોઈક ગ્રાફિક પર ગીત ચોંટાડીને અપલોડ કરી નાખવું અથવા, જાતે એડિટર બનવું.
ગ્રાફિક સાથે વિડિયો એટલે ઇન્ટરનેટ પરથી કોઈક ગ્રાફિકલ વિડિયો લઈને એને ગીત પર ચોંટાડી દેવાનો.કામ પૂરું. આપણે જે રીતે વિનએમ્પ, વિન્ડોઝ મિડીયા પ્લેયર કે કારના મ્યુઝિક પ્લેયરમાં ગીત સાથે કલરફુલ ચાલતા જોઈએ છીએ એવું આ હોય.
બીજો વિકલ્પ એવરેસ્ટ ચડવા જેવો હતો. જિંદગીમાં જેણે વિડિયો એડિટિંગ કર્યું ના હોય એ કેવી રીતે આખા ગીતનો વિડિયો બનાવે? એમાં વળી ઘરના કોમ્પ્યુટરમાં નથી એડોબી પ્રીમિયર કે ફાઇનલ કટ પ્રો. આ બેઉ સોફ્ટવેર આપણે ત્યાં વિડિયો એડિટિંગ માટે સોથી વધુ વપરાય છે. છતાં, સાહસ (કે દુઃસાહસ, એની ખબર છેલ્લે પડવાની) ખેડવાનું મેં ઠરાવ્યું. એની પાછળ એક કારણ હતું. એ હતું પાવરપોઇન્ટ સોફ્ટવેર સાથે રમતાં રમતાં પાછલા થોડા દિવસોમાં એમાં તૈયાર કરેલા અમુક વિડિયોઝ. એની વાત કરીએ.
મારા જેવા લોકો સામાન્યપણે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન બનાવવા વાપરે. એમાં ફોટોગ્રાફ્સ, ટેક્સ્ટ અને ઇફેક્ટ્સ હોય. ઘેરબેઠા, આર એન્ડ ડી (ટૂંકમાં અખતરા, ખણખોદ) કરતાં મને ખબર પડી કે પાવરપોઇન્ટનો વિડિયો બનાવવાનો ઓપ્શન સમજવો અઘરો નહોતો. એમાં મેં પ્રેઝન્ટેશન ક્વોલિટીના અમુક વિડિયો બનાવીને માંગરોળ મલ્ટીમીડિયાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યા જ હતા. છતાં, ગીતમાં સેકન્ડના ચોવીસમા ભાગમાં આવતી ફ્રેમ પણ નકામી લાગે તો કાપવી પડે. ત્યારે વિડિયોમાં જાન આવે. મુદ્દે, પાવરપોઇન્ટમાં વિડિયો બને તો પણ મોજ એવી નહીં પડે જેવી પડવી જોઈએ. છતાં, ન મામા કરતાં કાણો મામો સારો. ગ્રાફિક કરતાં પાવરપોઇન્ટવાળો વિડિયો સારો. મેં ઠરાવ્યુંઃ આગે બઢો.
ગીત ઇમેઇલ પર મળ્યા પછી જરૂર હતી એવા વિડિયોઝની જે કોપીરાઇટના ઇશ્યુ વિના વાપરી શકાય. એ માટે બે સોર્સ ધ્યાનમાં હતા, પિક્સાબે અને પેક્સેલ્સ. બેઉ પર ધડબડાટી બોલાવી. ગમતા વિડિયોઝ ડાઉનલોડ કરવાનું કામ પંદરેક કલાક ચાલ્યું. મુશ્કેલી એ હતી કે ગીત હિન્દી પણ ઇન્ટરનેટ પર કોપીરાઇટ ફ્રી ઇન્ડિયન વિડિયોઝ મેળવવા અઘરા. મારે જેવા મળે એવા વિડિયોઝથી ચલાવવાનું હતું. પછી થયું કે કોરોનાવાઇરસનો પ્રોબ્લેમ દુનિયાનો છે, એટલે ગીતને ગ્લોબલ લૂક એન્ડ ફીલ મળે તો ખોટું નથી. ઇન શોર્ટ,, વિડિયો પછી વિડિયો પછી વિડિયો ડોઉનલોડ કરવાનું લાં…બા અભિયાન ચાલ્યું.
બ્રેક પછી વળી બેઠો ત્યારે ધ્યાન ગયું કે વિન્ડોઝમાં વિડિયો બનાવવા માટે બેએક સોફ્ટવેર હતાં, એક તો ફોટોઝ (એમાં પણ વિડિયો બને એ મને પહેલીવાર ખબર પડી) અને બીજું, મુવી મેકર. પાવરપોઇન્ટ પર કામ શરૂ કરતા પહેલાં મેં આ સોફ્ટવેર ટ્રાય કરવાનું ઠરાવ્યું.
ફોટોઝ વિશે ગૂગલ કરીને જોયું તો એનાં વખાણ બહુ મળ્યાં. કામ કરતા ઝાઝી ગતાગમ ના પડી. સોફ્ટવેરમાં ઘણી મર્યાદાઓ હતી. મેં મુવી મેકર સ્ટાર્ટ કર્યું. એડોબી પ્રીમિયર કે એફસીપી જોઈને નોન-એડિટરને ધ્રાસ્કો પડે એવું પણ થયું. મનમાં જોકે નિર્ધાર હતો કે આ સોફ્ટવેરમાં વિડિયો બનાવવા માટે કોશિશ તો કરવી જ. ચાર કલાક મેં ફાળવ્યા હતા એ માટે. એમાં જો મારાથી પાંચ સેકન્ડનો (હા, માત્ર પાંચ સેકન્ડનો) પ્રોપર વિડિયો બને તો આગળ વધવાનું. બાકી, સીધા પાવjપોઇન્ટમાં સાદો વિડિયો બનાવી નાખવાનો. વાત હતી કોશિશ કરવાની.
મેં એક સોફ્ટવેરમાં ગીત તો બીજામાં વિડિયો પ્લે કરવા માંડ્યાં. ગીત સંભળાય અને ડાઉનલોડ કરેલાં વિડિયોઝ પણ જોઈ શકાય. મગજમાં શક્યતાઓ ઉઘડતી જાય. આ શબ્દમાં આ ફ્રેમ ચાલી શકે, આ બીટ પર આ બેસી શકે… મેં વિડિયોઝનું નવેસરથી નામકરણ (રિનેમ) કરવા માંડ્યું. જે વિડિયોમાં મને જે શબ્દ-બીટ માટે કાંઈક ઠીકઠીક લાગે એ પ્રમાણે, અને વિડિયોમાં દેખાતી બાબતો અનુસાર, વિડિયોને આપ્યાં નામ. દૃશ્ય, વ્યકિત, વસ્ત્રો, વસ્ત્રોના રંગો, સવાર-બપોર-સાંજ-રાત મુજબ સમય… બધાં બન્યા દરેક વિડિયોની ફાઇલનાં નામ. દાખલા તરીકે – આધેડ પુરુષ ગિટાર, કિલ્લો, લાલ કપડાં, દિવસ, ફોરેન, હસતો ચહેરો… man guitar fort red clothes day foreign smiling… 350 જેટલા વિડિયોઝ હોય, કુલ લંબાઈ 120 મિનિટથી વધારે હોય અને ગીત માટે માત્ર ચાર મિનિટનો વિડિયો જોઈએ, ત્યારે આવું કરવું પડે. નોન-એડિટરે ખાસ. વગર શૂટિંગે વિડિયો બનાવો ત્યારે ખાસ.
ફાઇનલી, મુવી મેકર પર ગીત પ્રમાણે વિડિયોઝ મૂકવા માંડ્યો. હવે હતો એક ટ્વિસ્ટ. વિડિયોને લીધે પણ ગીતની એક વાર્તા બનવા માંડી. એક વાર્તા પહેલેથી શબ્દો અને સંગીત થકી લખાઈ હતી. એ વાર્તા અને વિડિયોથી સર્જાતી વાર્તા સાથી-પૂરક બને તો વાત બનવાની હતી. મફતમાં મેળવેલાં દૃશ્યો વધુ કરીને વિદેશી અને ગીત હિન્દી, ભારતીય. બહુ મેળ પડે નહીં. છતાં મેં મેળ પાડવાના ધખારા કરવા માંડ્યા… રાત વીતી ત્યાં મારી અંદર મુવી મેકરના જરૂર પૂરતા જ્ઞાનનો સૂર્યોદય થઈ ચૂક્યો હતો. સોમાંથી સિત્તેર માર્ક જેટલો, એમ કહું તો ચાલે. બાકીના 30 માર્ક્સનું જોયું જશે.
એ રાતના ગીતની 10 સેકન્ડ્સને વિડિયોમાં ન્યાય આપવાનું લક્ષ્ય સિદ્ધ થયું. એની ખુશી શબ્દોમાં વર્ણવવી શક્ય નથી. ટૂંકમાં, વિડિયો બની રહેશે એનો વિશ્વાસ આવી ગયો.
એક બ્રેક લઈને, શરીરને ખપપૂરતો આરામ આપીને હું ફરી બેઠો એડેટરની રૂએ. ધૂનકી હતી, જીદ હતી, ઇચ્છા હતી. આપણને મળતાં સારામાં સારાં પરિણામો પાછળ ધૂનકી, ચાનક, જીદ પાયાનું કામ કરે. મને પણ પરિણામ મળ્યું. મારા ગીતનો વિડિયો છેવટે બની ગયો.
એક ક્ષણ યાદગાર હતી. વિડિયોના અંતે મારે સર્જનપ્રકિયામાં સંકળાયેલા લોકોની ક્રેડિટ લખવાની હતી. મારા નામ સાથે એડિટર લખતી વખતે ઝણઝણાટી થઈ. મારા પત્રકાર મિત્રો એને એ વાત સાથે કનેક્ટ કરી શકશે કે જીવનની પહેલી બાયલાઇન છપાય ત્યારે કેવીક એક્સાઇટમેન્ટ થાય. હું અને એડિટર! માય ગોડ!!!
તૈયાર થયેલા વિડિયોને મોકલાવ્યો મારા એડિટર્સને અને પૂછ્યું, “આમાં ગરબડ બતાવો, ખામી જણાવો.” સાથે મારા દીકરા નક્ષત્રને બેસાડ્યો, “કેમ લાગે છે, બોલ.” એ કહે, “પપ્પા, મસ્ત વિડિયો છે. એમ લાગે છે જાણે ગીત માટે જ વિડિયો શૂટ કર્યા હોય. ઓન્લી પ્રોબ્લેમ ઇઝ, આમાં ફોરેનર્સ બહુ છે, બટ ઇટ્સ ઓકે.” એક એડિટરનો ફીડબેક આવ્યો, “સર, એક વિડિયોનો કટકો પતે પછી બીજો આવે ત્યારે (એડિટિંગની ભાષામાં ટ્રાન્ઝિશન) અમુક જગ્યાએ ઇફેક્ટ્સ બાલિશ છે. આ, આ, આ જગ્યાએ.” મેં કહ્યું, “વ્હાલા, ઇટ ઇઝ મેઇડ ઓન મુવી મેકર, જેમાં પ્રીમિયર કે એફસીપી જેવી ઇફેક્ટ્સ પોસિબલ નથી. બટ, આઈ વિલ ટ્રાય ચેન્જિંગ થિન્ગ્ઝ.” બીજો એડિટર કહે, “સર, ચાંગલા વાટતોય વિડિયો. સરસ લાગે છે. અપલોડ કરી શકાય.” ચાલો, ગંગા ન્હાયા. ત્રણમાંથી બે જણ પોઝિટિવ અને એકનાં થોડા સજેશન્સ.
વિડિયો ગયો ઇકબાલભાઈને. એ કહે, “યાર, બીજો અંતરો સારો છે (જેમાં ભગવાન રામ અને રાવણના યુદ્ધની વાત છે) પણ પહેલા અંતરામાં તમે લોચો માર્યો છે. બધા ફોરેનર્સ દેખાય છે અને…” મેં કહ્યું, “ભાઈ, આ સિચ્યુએશનમાં આટલું થયું છે અને, મેસ્ટ ઇમ્પોર્ટન્ટલી, મેં જાણી કરીને પહેલા અંતરામાં ગ્લોબલ ટચ આપ્યો છે એમ કહું તો ચાલે.” આ મોરચે પણ મનમેળ થયો. હવે સમય હતો વિડિયો અપલોડ કરવાનો.
વિડિયો યુટ્યુબ પર અપલોડ કરું એ પહેલાં વળી થયું, “પહેલાં ટ્રેલર મૂકીએ, પછી ગીત.” મારામાં જોકે તાકાત બચી નહોતી ટ્રેલરનો વિડિયો બનાવવાની. શિવાજીના કિલ્લાએ સમી સાંજે દ્વાર બંધ થયા પછી ફસાઈ ગયેલી ગોવાળણ ખીણ ઊતરીને નીચે પહોંચી જાય. કારણ ઘેર ધાવણું બાળક એકલું હોય, પણ બીજા દિવસે શિવાજી મહારાજ કહે કે ગઈકાલે જે રીતે ખીણ ઊતરી એમ આજે પણ ઊતરી બતાવ, ત્યારે પેલીનાં હાજાં ગગડી જાય, એવી મારી હાલત હતી. એક વિડિયો બન્યો, બીજાની વાત જ નહીં. મેં મારા એડિટરને જવાબદારી સોંપી. એણે ટ્રેલર કટ કરીને મોકલાવ્યું. મને એ ના ગમ્યું. ટ્રેલરમાં શું આવવું જોઈએ એ એને સમજાવવું અઘરું હતું. નાછુટકે મારે બીજી વખત એડિટરશિપ કરવાની આવી.
આ કામ વધારે અઘરું હતું કે હવે મારે ગીત પર પણ કાતર ચલાવવાની હતી. ગીત કપાય ત્યારે સંગીતમાં ઝટકો ના આવે એની કાળજી રાખવાની હતી. ઝટકો આવે તો એને સ્મૂધ કરવા, મતલબ સુધારીને અસ્ખલિત સંગીત બનાવવું એકલા હાથે શક્ય નહોતું. ટ્રેલર પણ જોકે બની તો ગયું જ. એમ કહું તો ચાલે કે એમાં કોઈ મોટો પ્રોબ્લેમ નહોતો. આ પણ પત્યું. (ટ્રેલર જોઈને તમે સારી-નરસી ટિપ્પણી શેર કરી શકો છો)
પછી ટ્રેલર અપલોડ થયું. થોડા કલાકો પછી ગીત પણ. જોવાનું રહ્યું કે ગીત લોકોને કેટલું ગમે છે. માંગરોળ મલ્ટીમીડિયાની યુટ્યુબ ચેનલ હજી એટલી પોપ્યુલર નથી કે વિડિયો અપલોડ થાય અને હજારો, લાખો વ્યુઝ આવે. વળી, દરેક સર્જન પોતાનું નસીબ લઈને જન્મે છે. સર્જક માટે સર્જન કરવાથી વિશેષ વિચારવું દરેક વખતે શક્ય થતું નથી. આ ગીત પણ એનું નસીબ લઈને જન્મ્યું છે. પોતાના ભાગના દર્શકો, શ્રોતાઓ એ મેળવી લેશે. જે થાય તે, ગીત બન્યું અને લોકો સુધી પહોંચ્યું એ મોટી વાત.
આ બ્લોગ કે લેખ, જે કહો તે, એને લખવાનો વિચાર શિશિરનો. મેં કહ્યું કે તું લખ, એ કહે તારી આપવીતી તારે લખવાની. મેં કહ્યું ઓકે. અમારી ચર્ચામાં અમુક તારણો પણ નીકળ્યાં. આ રહ્યાં અમુક તારણો.
શિશિર ભૂતકાળમાં વિડિયો એડિટિંગની કડાકૂટમાં પડી ચૂક્યો હતો. એ એની જવાબદારીનો હિસ્સો હતો. ત્યારે એણે જે વાતોનો અનુભવ કર્યો હતો, એવા અનુભવ મેં પણ કર્યા હતા.
મને એડિટિંગ કરવાની મજા પડી એ પાક્કું. લેખક, પત્રકાર કે એડિટર-સંપાદક તરીકે મારા-શિશિર જેવાએ શબ્દો પર ક્રૂરતાપૂર્વક કાતર ચલાવીને નબળા લખાણને વાંચવાલાયક બનાવવાનું કામ વરસોથી કરવાનું આવે છે. એ કામ બારીકીનું, ધૈર્ય માગી લેતું, માથાના વાળ ખેંચાવતું પણ ખરું. પ્રોફેશન માટે અફાટ પ્રેમ અને પેશન હોવાથી, સંપાદન અમને ક્યારેય કંટાળો નથી આપતું. આપસે પણ નહીં. વિડિયો એડિટિંગ એટલે સંપાદનનું ઓડિયો-વિઝ્યુઅલ સ્વરૂપ. મૂળ કામ સરખું, કરવાની રીત અલગ. આ કામમાં મને મજા શાને પડી એ મને પણ કંઈક આ રીતે સમજાયું..
શાબ્દિક અને ઓડિયો-વિઝ્યુઅલ એડિટિંગમાં ફરક પડે સોફ્ટવેરનો. એકવાર સોફ્ટવેર સમજી લો, એના થકી કાતર કેમ ચલાવવાની એ જાણી લો, પછી ધમાલ જ ધમાલ. આ વાતને મેં પણ અનુભવી. પ્રારંભિક શંકા-કુશંકા, અનિશ્ચિતતા અને અવઢવ પછી ખપપૂરતું એડિટિંગ સમજાઈ ગયું ત્યાર પછી, મેં એડિટિંગની પ્રોસેસને બેહદ માણી. જરા પણ ન થાક લાગ્યો. ન ભૂખ લાગી, ન નીંદર આવી.
કોરોનાવાઇરસે બધાને ઘરભેગા કરી દીધા છે ત્યારે, “ સમયનો સદુપયોગ કરશું, પેન્ડિંગ કામ પતાવી નાખશું,” એવું આપણે ધાર્યું હોઈ શકે છે. ક્રિએટિવ લોકોએ વળી, “ફલાણી સ્ક્રિપ્ટ તૈયાર કરી નાખીશ,” એવું પણ વિચાર્યું હોઈ શકે. આ વિચારને સાકાર કરવો આસાન નથી. કારણ સર્જનપ્રકિયા સમયથી વિશેષ ઘણું બધું માગે. માણસના માણસ સાથેના ઇન્ટરેક્શનથી, અરસપરસ હળવામળવાથી, વિચારોના આદાનપ્રદાનથી, નિહાળેલી ઘટનાઓમાંથી જન્મતાં સ્પંદનોથી સર્જકને સારા-ખરાબ, ચિત્રવિચિત્ર વિચારો મળે. એમાંથી પાત્રો, ઘટના, વાર્તા સર્જાય. સાવ ઘરમાં બેસીને અને ચારોકોર કોરોનાવાઇરસ થકી ફેલાયેલી નેગેટિવ ફીલિંગ વચ્ચે, સૌ માટે બેસ્ટ ક્રિએટિવિટી શક્ય નથી.
લગાનના સહલેખક અને અસોસિયેટ ડિરેક્ટર અને મિત્ર કુમાર દવે અને મેં, લૉકડાઉનની શરૂઆત વખતે વિચાર્યું હતું કે ફલાણી સ્ક્રિપ્ટ પર કામ કરીશું. જોકે પહેલાં બે-ચાર દિવસમાં ખ્યાલ આવી ગયો કે જે ગતિમાં લખાવું જોઈએ એ નથી લખાઈ રહ્યું. લખવા પ્રેરે એવા વિચારો ઝટ મળતા નહોતા. એ કામ મંથર ગતિએ આગળ જરૂર વધી રહ્યું છે, પણ લૉકડાઉનમાં પતે એ શક્ય નથી લાગતું.
આ દિવસોની શ્રેષ્ઠ ઉપલબ્ધિ એટલી કે શીખવા ધારો તો ઘણું શીખી શકાય છે એનો પરીવાર સાક્ષાત્કાર થયો. અનાયાસે મેળવેલી તકમાં વિડિયો એડિટિંગની દુનિયામાં પા પા પગલી મૂકીને મારામાં સખત પોઝિટિવિટી અને એક્સાઇટમેન્ટ આવી છે. હવે એના લીધે લખવાના કામમાં જરા સ્પીડ વધશે એવું લાગી રહ્યું છે. એક સોફ્ટવેર આવડ્યું, એક નવું કામ થઈ શક્યું એનો સીધો-આડકતરો લાભ આ લાભ છે. સરવાળે, લૉકડાઉને મને એડિટર બનાવા તરફ વાળ્યો અને એક ગીત લોકો સુધી પહોંચાડવામાં નિમિત્ત બનાવ્યો.
તા. ક. – ફાઇનલી, મારા હાલ સુધર્યા. સર્રસ નાહીને, દાઢી કરીને (માથાના જીંથરાનું લૉકડાઉન પછી જોયું જશે) ફરી કોમ્પ્યુચટર સામે બેઠો છું ત્યારે માહ્યલો પૂછી રહ્યો છે, બોલ, હવે શું લખીશ, શું એડિટ કરીશ તું?!
જે ગીતે મને આ લેખ લખવા પ્રેર્યો, એ જોવા-સાંભળવા આ રહી લિન્ક. જોઈને શુભેચ્છક તરીકે કમેન્ટ લખીને માંગરોળ મલ્ટીમીડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો થેન્ક યુ, વેરી મચઃ