વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સેવાકાર્ય કરાયુ –    શાકભાજી, કરિયાણું, રોગ પ્રતિકારક શક્તિવર્ધક હોમિયોપેથીક દવાઓ, ઉકાળોની સહિતની સેવાઓ જરૂરીયાતમંદ લોકો સુધી પહોચાડવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા) રાષ્ટ્ર ઉપર નોવેલ કોરોના વાયરસ રૂપી આવી પડેલી મહામારીની આપત્તિ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ દ્વારા નળકાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં આશરે ૧૫૦૦ પેકેટ અંદાજે ૨ ટ્રક ભરીને શાકભાજીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ. સાથે સાથે વિરમગામ નગરની હાથી તલાવડી સેવા વસ્તીમાં ઘેર ઘેર જઈને “રોગ પ્રતિકારક શક્તિવર્ધક હોમિયોપેથીક દવાઓ”  ૧૭૦૦ નંગ વિતરણ કરવામાં આવ્યું અને લોકોને કોરોના સંબંધિત જાગૃતિ માટેની માહિતીઓ પણ આપવામાં આવી હતી. સ્વયંસેવકો દ્વારા સતત ત્રણ દિવસ સુધી ઘેર ઘેર જઈને, આરોગ્યપ્રદ ઉકાળો  ૩૦૦ લોકોને પીવડાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા ખૂડદ, કાદીપુર અને વલાણા ગામોમાં જરૂરત મંદ પરિવારોને આશરે ૧૨ કિલો જેટલું કરિયાણું પણ અર્પણ કરવામાં આવ્યું હતુ. વર્તમાન સમયે ૫૦૦ પરિવારોને ૧૫ થી ૨૦ દિવસ થાય એટલું રાશન પહોચાડવાનો નમ્ર પ્રયાસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા થઈ રહેલ છે. લોકડાઉન દરમ્યાન જરૂરીયાત મંદ લોકોને મદદરૂપ બનવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા સમાજના સહકારથી સેવાકાર્ય કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત સ્વયંસેવકો દ્વારા લોકોને કોરોના વાયરસથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. “તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢુ ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ.