વર્ષો પહેલા મેં કાશ્મીરની પીડીપીની યુવા પાંખના અધ્યક્ષ વાહિદ-ઉર-રહેમાન પર્રાનો ટેલિફોનિક ઈન્ટરવ્યૂ કરેલો. લગભગ પોણો કલાક જેટલી વાત થઈ હશે. એમાંથી મોટાભાગનો સમય હું લિસનિંગ મોડ પર જ હતો. એ માણસ પીડીપીનો અને કાશ્મીરી મુસ્લિમ હોવા છતાં મને ખાસ્સો સેન્સિબલ લાગેલો. પીડીપીની કાયમી નિતિ જે રહી હોય એ, પણ એ માણસ કાશ્મીરમાં પંડિતોને પાછા વસાવવાનો હિમાયતી હતો. એણે કહેલું કે જ્યાં સુધી પંડિતો કાશ્મીરમાં પાછા ન વસે ત્યાં સુધી કાશ્મીરની કાશ્મીરિયત અધુરી છે. અંદરખાને એની મંશા જે હોય એ પણ એ બોલેલો તો આવું જ એ મને પાક્કુ યાદ છે.
ખેર, એ માણસે કહેલી બીજી એક વાત કાયમ મારા મગજમાં વૈચારિક વાવાઝોડું પેદા કરતી રહી છે. તેણે કહેલું કે, ‘અગર હમ ચાહતે હૈ કી સરહદ કે ઈસ પાર આતંકવાદ ન ફૈલે તો હમે યે ભી ખયાલ કરના હોગા કી સરહદ કે ઉસ પાર કોઈ આતંકી પૈદા ન હો.’ એ પાક. ઓક્યુપાઈડ કાશ્મીરની વાત કરી રહ્યો હતો. બીજી ઘણી વાતો એણે કહેલી ને પછી ઉમેરેલું કે ‘ફિર યુદ્ધ તો આખિરી ઉપાય હૈ હી.’
પણ એની એ વાત કે – ‘અગર હમ ચાહતે હૈ કી સરહદ કે ઈસ પાર આતંકવાદ ન ફૈલે તો હમે ઈસ બાત કા ભી ખયાલ કરના હોગા કી સરહદ કે ઉસ પાર કોઈ આતંકી પૈદા ન હો.’ મને ખબર નહીં કેમ?, પણ લોકડાઉનના આ વિકટ સંજોગોમાં મારા મગજમાં ગુંજ્યા કરે છે.
એનું કારણ એ છે કે દેશના સંજોગો ખુબ જ અસામાન્ય છે. આપણે ધારીએ છીએ એના કરતા ક્યાંય વધુ અસામાન્ય છે. કોરોનાની જેટલી સમસ્યાઓ છે એટલી જ સમસ્યાઓ લોકડાઉનની પણ છે. મારી માહિતી મુજબ *આખા દેશમાં, દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક સાથે કર્ફ્ચૂ લદાયો હોય એવું ઈતિહાસમાં ક્યારેય નથી બન્યું. આ કર્ફ્યૂ નહીં, પણ લોકડાઉન છે એ વાત અલગ છે, પણ દેશ આટલી હદે ઠપ્પ ક્યારેય નહોતો. ઈમરજન્સી હતી એ પણ દેશવ્યાપી કર્ફ્યૂ નહોતો. તેમજ પાકિસ્તાન સામેના યુદ્ધો અને ચીન સામેના યુદ્ધ વખતે અસામાન્ય સંજોગો હતા, પણ એ સરહદી રાજ્યો પૂરતા સિમિત હતાં. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી બધુ જ બંધ હોય એ ભારતના ઈતિહાસની આ પહેલી ઘટના છે.* અને 21 દિવસના લાંબા ગાળા માટે તો પહેલી ઘટના છે જ છે.
*કોરોનાએ વિશ્વમાં સર્જેલી ખાનાખરાબી જોતાં લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ હતો જ નહીં. આપણો દેશ એટલો વિશાળ છે કે લોકડાઉન પછી કેટલાય પ્રશ્નો ઉદ્દભવવાના હતા જ અને ઉદ્દભવી પણ રહ્યાં છે. અમિરો થાળી વગાડી પોતાના ઘરોમાં સુરક્ષિત સુઈ ગયા છે અને પોલીસ જેને મારે એની વાહ વાહ કરી રહ્યાં છે અને જ્યાં ભીડ દેખાય એ ભીડને ગાળો દઈ રહ્યાં છે. ત્યારે મને પેલી વાત યાદ આવે છે કે – ‘અગર હમ ચાહતે હૈ કી સરહદ કે ઈસ પાર આતંકવાદ ન ફૈલે તો હમે ઈસ બાત કા ભી ખયાલ કરના હોગા કી સરહદ કે ઉસ પાર કોઈ આતંકી પૈદા ન હો.’*
શું આટલું જ પૂરતું છે? લોકડાઉનની સાથે જ સરકારે એ સુનિશ્વિત કરવાનું છે કે કોરોના તો દૂર કોઈ ભૂખથી ન મરી જાય. કારણ કે આપણે ત્યાં રોજનું કમાઈને રોજ ખાનારા અને જેમના ઘરમાં અઠવાડિયાથી વધુ ચાલે એટલુ રાશન ન હોય એવા લોકો-કુટુંબોની સંખ્યા લાખોમાં છે. સરકાર એ માટેના પ્રયત્નો કરી જ રહી છે. આ સંજોગોમાં ભારતની તુલના કોઈ યુરોપીયન કન્ટ્રી સાથે એટલા માટે ન કરવી જોઈએ કારણ કે ભારતની વસતિ એટલી વધારે છે કે આપણા એકલા ઉત્તર પ્રદેશમાં જ પાંચ-છ નાના યુરોપીયન કન્ટ્રી સમાઈ જાય.
માનીએ છીએ કે શહેરોમાં કેટલાક લોકો એમ જ રખડવા બહાર નીકળી પડે છે એમના કારણે પોલીસ અને અન્ય તંત્રોને વ્યવસ્થા જાળવવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. પણ *શું ઘરની બહાર નીકળનારો દરેક વ્યક્તિ કોઈ જ જરૂરિયાત વિના ઘરની બહાર નીકળે પડે છે? જો પોલીસ અને અન્ય તંત્રો પોતાના જીવના જોખમે ફરજ બજાવતા હોય તો ઘર માટે કંઈક લેવા ફરજિયાત ઘરની બહાર નીકળનારો વ્યક્તિ પણ શું પોતાનો જીવ જોખમમાં નથી મુકી રહ્યો? વિકલ્પ શું છે એની પાસે? જે લોકો રાશનની દુકાને કે બસો, ટ્રકોમાં ભીડ કરી રહ્યાં છે એમને આપણે ગાળો કાઢી રહ્યાં છીએ અને ‘સમાજના દુશ્મન’ કરાર દઈ રહ્યાં છીએ એમની પાસે બીજો વિકલ્પ શું છે? એનો વિચાર કર્યો છે આપણે ક્યારેય? પોતપોતાની સોસાયટીઓમાં તાળાબંધી કરીને પોતાના ફૂલ જેવા છોકરડાંઓને દિવસમાં ત્રણ વાર સેનેટાઈઝ્ડ કરનારાઓ ત્યાં સુધી સુરક્ષિત નથી જ્યાં સુધી આ દેશના રસ્તે રઝળનારા તમામ વ્યક્તિઓ સેનેટાઈઝ્ડ ન થાય. ઝુંપડપટ્ટીમાં નાગડા રખડતા છોકરાઓ સેનેટાઈઝ થાય અને એમને પણ ચેપ ન લાગે એ જોવાની જવાબદારી શું દેશની નથી?* જો એ તમામને ચેપ લાગશે તો એ વહેલો મોડો આપણા સુધી પહોંચવાનો જ છે. આપણી શેરીઓ-ગટરો સાફ કરવા, ચીજો વેંચવા અને પાણીપુરીની લારીઓ લગાવવા એ જ આવવાના છે.
એ લોકોને ભીડમાં ભાગતાં જોઈને ગાળો દઈને અને એમને પડતો માર જોઈને ખુશ થઈને આપણે તો સુઈ જઈએ છીએ. *આપણે એ વિચાર્યું કે આવડો મોટો લોકડાઉન હોય અને આપણે ઈચ્છતા હોઈએ કે એક ચકલું યે બહાર ન ફરકે તો એની પ્રથમ શરત એ હોવી જોઈએ કે ઓલમોસ્ટ સવા અબજની વસતિ એના ઘરમાં બે ટંકના રોટલા ભેગી થવી જ જોઈએ. કારણ કે જો ભુખથી મરવા કે કોરોનાથી મરવા એ બે વિકલ્પો સામે હશે તો વ્યક્તિ ભૂખના બદલે કોરોનાથી મરવાનો જ વિકલ્પ પસંદ કરશે.*
અમારી સોસાયટીનો ચોકીદાર મધ્યપ્રદેશનો છે. કેટલાય દિવસથી એને એના ઘરે પહોંચી જવું છે. એને ખબર છે કે આ સંજોગોમાં એને પોતાને કે ત્યાં ઘરે એના પરિવારમાંથી કોઈને કંઈ થઈ ગયું તો એનો આજીવન પસ્તાવો રહેશે. મર્યા બાદ એ પોતાના પરિવારજનનું કે એને કંઈ થઈ ગયું તો એના પરિવારજનો એનું છેલ્લી વખતનું મોં પણ જોઈ શકવાના નથી. એના ચહેરા પર સતત એક ઉદાસી છવાયેલી રહે છે. એની રોજના જમવાની વ્યવસ્થા સોસાયટીનો એક એક પરિવાર વારાફરતી કરી રહ્યો છે. આવો વ્યક્તિ પોતાના ઘર તરફ જતી કોઈ ટ્રક ભાળે તો એના પર ટીંગાવાનો નથી? પોલીસનો માર ખાઈને પણ એમ કરવાનો નથી?
*દેશનું આ સૌથી મોટું અને સૌથી લાંબુ લોકડાઉન છે ત્યારે હકીકત એ છે કે આપણને, આપણા તંત્રને, આપણી સરકારને આ સ્થિતિને પહોંચી વળવાનો કોઈ અનુભવ જ નથી. કે નથી આપણી પાસે એટલા રિસોર્સિસ કે આપણે દરેક જગ્યાએ પહોંચી શકીએ અને દરેક વ્યક્તિને ઓટલો અને રોટલો પૂરો પાડી શકીએ.* સેલિબ્રિટીઓ આગળ આવીને મદદ જાહેર કરી રહ્યાં છે અને સામાજિક સંસ્થાઓ કાર્ય કરી રહી છે. *એ લોકો મદદ કરી શકે એટલી ફ્લેક્સિબિલિટી લોકડાઉનમાં રાખવી જ જોઈએ. કોરોના જીવલેણ છે, પણ એના બદલે એનું મારણ એવો લોકડાઉન જ જીવલેણ ન બની જાય એટલી ફ્લેક્સિબિલિટી જરૂરી જ છે.* આંખો મિંચીને ધોકાવાળી યોગ્ય નથી.
*આ સંજોગોમાં આપણી ફરજ એ છે કે જે લોકો રસ્તા પર પોલીસનો માર ખાય છે એના પર રાજી થવા અને ભીડ કરતા લોકોને ગાળો ભાંડવાને બદલે થોડો એમનો પણ દૃષ્ટિકોણ સમજવાનો પ્રયાસ કરીએ. થોડું શાંતિથી વિચારીએ અને પોતાની જાતને એમની જગ્યાએ મુકીને વિચારી જોઈએ.*
ગઈકાલના સૌરાષ્ટ્રના સાંધ્ય દૈનિકોમાં રાજકોટના એક વિસ્તારની તસવીર હતી. એ વિસ્તારના લોકોની માંગ હતી કે એમને રાશન પહોંચાડવામાં આવે. ત્યાં બધું ખુટી ગયું છે. જો રાજકોટ જેવા શહેરી વિસ્તારની કોઈ સોસાયટીની હાલત એવી હોય તો જરા વિચાર તો કરો કે ભારત દેશ કેવડો મોટો છે, એના અંતરિયાળ ગામડાંઓ અને પછાત વિસ્તારોની શું હાલત હશે? *શું આખા દેશમાં જે પણ વ્યક્તિ બહાર નીકળે છે એ માત્રને માત્ર મોજમજા માટે નીકળી રહી છે? યુરોપીયન કન્ટ્રી સાથે કંપેર કરતા પહેલા વિચારીએ કે એ દેશોની જેટલી વસતિ છે એના કરતા તો આપણું ઉત્તર પ્રદેશ ક્યાંય મોટું છે* અને યુપી-બિહારમાં ઘણા પછાત અને ગરીબ લોકો વસે છે.
*ફ્રી હિટ :*
આશા રાખીએ કે ગરીબ નાગરિકોના માનવગૌરવ માટે તંત્રની આંખો ખૂલશે.
– રમેશ સવાણી, *(Former IGP & Principal Police Training School, Vadodara)*
– © *Tushar Dave* (Mo. 8905071903)
*Web :* davetushar.com
Twitter : https://twitter.com/tushardave1021
instagram : tushar_dave89
FB : https://www.facebook.com/tushar.dave.395