*કોરોના વાયરસને પગલે લોકડાઉનની સ્થિતીમાં રાજ્ય સરકાર જતાના જનાર્દનની પડખે* :- *મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાની કોર કમિટીએ નાગરિકો-પ્રજાજનોની સુવિધા સરળતા માટે ૪ જેટલા મહત્વના નિર્ણયો કર્યા*

*સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી એક મહિના માટે ઓફ લાઇન પદ્ધતિએ રાશન-અનાજ અપાશે*
 *અન્ય રાજ્યોમાં લોકડાઉનની સ્થિતીમાં સ્થગિત થઇ ગયેલા ગુજરાતી યાત્રિકો મુસાફરો માટે જે તે રાજ્યમાં આવાસ-ભોજન વ્યવસ્થામાં રાજ્ય સરકાર સહાય સંકલન કરશે – -: હેલ્પલાઇન ૧૦૭૦નો સંપર્ક સાધવાથી મદદ-વ્યવસ્થા કરાશે*:-
 *અન્ય રાજ્યોના ગુજરાતમાં વસતા શ્રમિકો-કામદારોના રહેવા-જમવાની વ્યવસ્થા માટે જિલ્લાતંત્રની ૧૦૭૭ હેલ્પલાઇન કાર્યરત-સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી જિલ્લાતંત્ર મદદરૂપ થશે*
 *બિયારણ-ખાતર અને પેસ્ટીસાઇઝડ આવશ્યક ચીજવસ્તુઓ તરીકે જાહેર કરાઇ-જરૂરિયાત પ્રમાણે વિતરણ થઇ શકશે*
…….
વિશ્વવ્યાપી કોરોના વાયરસની સામે સાવચેતી અને સતર્કતાની જનજાગૃતિ દ્વારા વિજય મેળવવા ભારતભરમાં લોકડાઉનની સ્થિતી જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં આ ર૧ દિવસના લોકડાઉનની સ્થિતીમાં નાગરિકો-પ્રજાજનોને સરળતાએ આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં વ્યવસ્થાઓ ગોઠવાઇ છે.
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળતી કોર કમિટી બેઠકમાં પણ રોજબરોજની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા સાથે પ્રવર્તમાન સ્થિતીમાં નાગરિક સુવિધાના નિર્ણયો પણ લેવામાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીએ કોર કમિટીની આ બેઠકમાં ગઇ મોડી સાંજે લીધેલા નિર્ણયોની ભુમિકા મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આપી હતી.
શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે, રાજ્યમાં આ લોકડાઉનની સ્થિતીમાં એપ્રિલ માસમાં અંત્યોદય અને ગરીબ પરિવારોને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ વિનામૂલ્યે કરવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ અગાઉ કર્યો છે.
હવે, તેમણે એક વધુ સંવેદનાસ્પર્શી નિર્ણય એવો પણ કર્યો છે કે, આ એક માસ પૂરતી આવી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઓફલાઇન પદ્ધતિએ પણ રાશન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવાના ઉદાત્ત ભાવથી એપ્રિલ-ર૦ર૦ના માસ માટે રાશન મેળવવા લાભાર્થી માટેની બાયોમેટ્રિકસ પદ્ધતિનો અમલ કરાશે નહિ.
મુખ્યમંત્રીશ્રીએ આ લોકડાઉનની સ્થિતીમાં ગુજરાતના જે યાત્રિકો કે મુસાફર પરિવારો અન્ય રાજ્યોમાં સ્થગિત થઇ ગયા છે તેમને ત્યાં કોઇ અગવડ રહેવા-જમવાની ના પડે તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરતો મહત્વનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે, આવા અન્ય રાજ્યોમાં ફસાઇ ગયેલા પરિવારો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર ૧૦૭૦ પર સંપર્ક સાધી શકશે.
આવા યાત્રિકો-મુસાફરોની તેઓ જે રાજ્યમાં હાલ સ્થગિત થઇ ગયેલા છે તે રાજ્યના સંબંધિત સ્થળે ત્યાંના જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાતી સમાજના સહયોગથી ભોજન-આવાસ-નિવાસ વ્યવસાઓનું સંકલન ગુજરાત સરકાર કરશે તેવો સંવેદનાત્મક અભિગમ શ્રી વિજયભાઇ રૂપાણીએ દર્શાવ્યો છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસતા અન્ય રાજ્યોના કામદારો-શ્રમિકોને પણ પ્રવર્તમાન લોકડાઉન સ્થિતીમાં રહેવા-ખાવાની વ્યવસ્થાઓમાં કોઇ અગવડતા ન પડે તે માટે રાજ્યના જિલ્લા વિહવટીતંત્રોને પણ સાબદા કર્યા છે.
શ્રી અશ્વિનીકુમારે આ સંદર્ભમાં કહ્યું કે, આવા શ્રમિકો-કામદારોને રહેવા-જમવાની યોગ્ય વ્યવસ્થાઓ માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની હેલ્પલાઇન ૧૦૭૭ કાર્યરત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર સંપર્ક સાધવાથી સંબંધિત જિલ્લા વહિવટીતંત્ર સ્થાનિક સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી આવા શ્રમિકો-કામદારો માટે ભોજન-આવાસ સુવિધા ગોઠવશે.
રાજ્યમાં લોકડાઉનનો સંપૂર્ણતઃ ચુસ્તપણે અમલ થાય અને નાગરિકો-પ્રજાજનોને જીવન આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે ઘરની બહાર માર્કેટમાં આવવું ન પડે તે માટે પણ મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે પુરવઠા વિતરણ વ્યવસ્થાઓ સુદ્રઢ બનાવી છે.
શ્રી અશ્વિનીકુમારે આ વિગતો આપતાં ઉમેર્યુ કે, જીવન આવશ્યક ચીજવસ્તુઓ, શાકભાજી વગેરેનો પુરવઠો લોકોને સરળતાએ તેમના ઘર-સોસાયટી-શેરી-મહોલ્લા નજીક મળી રહે તે માટે ૨૮૫૦૦ જેટલા પાસ ફેરિયા, લારીધારકો, વેપારીઓને ઇસ્યુ કરવામાં આવ્યા છે.
આવા પાસ સ્થાનિક જરૂરિયાતના આધારે મામલતદાર કક્ષાએથી આપવામાં આવે છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીના સચિવે કોર કમિટીએ લીધેલા અન્ય એક નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું કે, હાલની સ્થિતીમાં બિયારણ, ખાતર અને પાક જંતુનાશક-પેસ્ટીસાઇઝડસનો આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવેશ કરીને તે પણ ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે મળી રહે તે સુનિશ્વિચત કરવામાં આવ્યું છે.
રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતીના ત્રીજા દિવસે દૂધ, શાકભાજી, ફળફળાદિ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓનો પુરવઠો નિર્વિઘ્ને નાગરિકોને મળી રહ્યો છે.
આ વિગતો આપતાં શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું કે, શુક્રવારે સવારે સમગ્ર રાજ્યમાં પ૧.૩૦ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે.
તેમણે ઉમેર્યુ કે, સમગ્ર ગુજરાતમાં શુક્રવારે ૮પ હજાર ૧૩૩ કવીન્ટલ શાકભાજી અને ૪૮૩ર કવીન્ટલ ફળફળાદીનો આવરો થયો છે. જેમાં ર૩૧૮૮ કવીન્ટલ બટેટા, ૯૬૮પ કવીન્ટલ ડુંગળી, ૯૪પ૯ કવીન્ટલ ટામેટા અને ૪ર૮૭૧ કવીન્ટલ લીલાશાકભાજીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ૭૦પ કવીન્ટલ સફરજન, ૭૪૭ કવીન્ટલ કેળાં અને ૩૩૮૬ કવીન્ટલ અન્ય ફળફળાદિ પણ રાજ્યમાં ઉપલબ્ધ છે.
સમગ્ર રાજ્યમાં ૬૯ માર્કેટ-મંડીઓ કાર્યરત રહી છે અને વિતરણ વ્યવસ્થાનું કાર્ય કરે છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે સૌ નાગરિકોને જીવન આવશ્યક ચીજવસ્તુઓ સરળતાએ મળી રહે તે માટે સમગ્ર તંત્ર દિવસ-રાત કર્તવ્યરત છે તેનો વિશ્વાસ આપતાં કહ્યું કે, નાગરિકો પણ બિનજરૂરી સંગ્રહ ન કરે કે ચીજવસ્તુઓ ખરીદી માટે ઘરની બહાર ન નીકળે તે તેમના હિતમાં છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી સાથે સહકાર સચિવશ્રી મનિષ ભારદ્વાજ, અન્ન નાગરિક પુરવઠા સચિવ શ્રી મોહમદ શાહિદ, સહકારી મંડળીઓના રાજ્ય રજિસ્ટ્રાર શ્રી ડી.પી. દેસાઇ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
સીએમ-પીઆરઓ/અરૂણ