કોરોનાના માહોલમાં એટલે કે જ્યારે દેશ અને દુનિયા મહામારી અને ભયંકર કટોકટીમાંથી પસાર થઇ રહી છે, ત્યારે મને અંગત રીતે એવું લાગી રહ્યું છે કે પ્રકૃતિ સમગ્ર જનસમુદાયને ખૂબ ઉત્તમ ગુણોના પાઠ ભણાવી રહી છે. હાલ પુરતા લોકો પણ તે શીખી રહ્યા છે. કદાચ માનવમાંથી મહામાનવ આ જ રીતે તૈયાર થતાં હશે. આવો જોઈએ આ મહામારીમાં લોકો કેવા ગુણો શીખી રહ્યા છે?
૧) સાધુજીવન જીવવું – સાધુ જીવનનો મતલબ છે અતિ સ્વચ્છ, સ્વાશ્રયી અને સંયમી જીવન. એટલે કે ઓછી જરૂરિયાત, પોતાનું કામ જાતે કરવું, આહારમાં મર્યાદા રાખવી તેમજ વિહારમાં પણ મર્યાદા એટલે કે બિનજરૂરી રજડપટ્ટી ન કરવી વગેરે કોરોનાની મહામારીમાં પણ લોકો જાણે-અજાણે શીખી રહ્યા છે. કામવાળા, રસોઈવાળા વગેરે સેવકો વગર(maidની છુટ્ટી) પોતાનું કામ જાતે કરી રહ્યા છે. ઘરમાં ભરેલી વસ્તુને કરકસરપૂર્વક વાપરવાની આદત કેળવી રહ્યા છે, બહારથી લાવેલી દરેક વસ્તુને ખૂબ ચીવટથી સાફ કરી વાપરી રહ્યા છે, સતત હાથ ધોવા તેમ જ સેનીટાઈઝરનો ઉપયોગ અને અન્ય જરૂરી સ્વચ્છતાના પાઠ પણ શીખી રહ્યા છે. આમ સાધુજીવન કેળવાય રહ્યું છે.
૨) સમાજ અને પ્રકૃતિના નિયમોનું પાલન – સામાન્ય રીતે નીતિનિયમો કે શિસ્તસભર જીવન આપણને બહુ અનુકૂળ આવતું નથી. કેમ કે તેમાં કહેવાતો આનંદ નથી, મજા તો નિયમ તોડવામાં આવે છે. કહેવાય છે કે ઇટલીમાં સરકારે કોરોના મહામારીનો સામનો કરવા રજા જાહેર કરી જયારે લોકોએ પીકનીક મનાવી રજાનો આનંદ લીધો કદાચ એની જ આજે સજા ભોગવી રહ્યા હોય. જયારે શિસ્ત પાલનમાં અવ્વલ દેશ જાપાન કુલ વસ્તીના 26% સિનિયર સિટીઝન ધરાવતો હોવા છતાં સૌથી ઓછો અફેક્ટેડ દેશ છે. સ્વચ્છતાના નિયમો, સંયમના નિયમો, દેશ અને સરકારના નિયમો તેમજ પ્રકૃતિના નિયમો (પ્રદુષણ અટકાવવું) વગેરેના પાલન દ્વારા જ સુખ શાંતિમય જીવન મેળવી શકાય તે આજની કોરોના મહામારી આપણને શીખવાડી રહી છે. આપણી પાસે ત્રણ ઓપ્શન છે ઘરમાં રહેવું, હોસ્પિટલમાં રહેવું અથવા ફોટો ફ્રેમમાં રહેવું. પસંદ આપણે કરવાનું છે. સરકારના નિયમો કે સમાજના નિયમોના પાલન દ્વારા આપણે આપણા જીવનને વધુ સાર્થક બનાવી શકીએ છીએ. કોરોના મહામારીમાં ધીરે-ધીરે જનસમુદાય પ્રકૃતિ અને સરકારના નિયમોનું પાલન કરવાનું શીખી રહ્યો છે.
૩) કુટુંબજીવનનું મહત્વ – મનુષ્યજીવનનું એક અગત્યનું પ્રેરકબળ એટલે કુટુંબજીવન. પરંતુ કળિયુગનો માણસ પૈસા કમાવાના પાગલપનમાં, સ્પર્ધામાં આગળ નીકળવાના ઝનૂનમાં, દેખાદેખીમાં, લોકો કરતાં અલગ અને ખાસ દેખાવાના ચક્કરમાં, કુટુંબજીવનને તો સાવ ભૂલી જ ગયો છે. જે આજની કોરોના મહામારી સમાજને શીખવાડી રહી છે. હાલમાં લગભગ બધા ફેમિલી સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યા છે.
૪) એકતાના પાઠ – સમૂહજીવન અને એકતા જેવી બીજી કોઇ તાકાત મનુષ્ય માટે નથી, તે આપણે સૌ જાણીએ છીએ. દુશ્મનો આંતરિક હોય કે બાહ્ય, જો કુટુંબ અને સમાજનો સપોર્ટ વ્યક્તિને મળી રહે તો તે ગમે તેવું યુદ્ધ જીતી શકે. કોરોના મહામારી દરેકને એકતાના પાઠ શીખવાડી રહી છે. આપણે સૌએ જોયું કે ૨૨ માર્ચના રોજ 5:00 વાગે થાળી, શંખ કે ઘંટ દ્વારા અવાજના vibration ઉત્પન્ન કરવાની ક્રિયાએ દેશની એકતાના દર્શન કરાવ્યા.
૫) ગરીબ સેવકોની દયા – સામાન્ય રીતે આપણે ઘરે કામ કરતાં સેવકો એટલે કે કામવાળા, રસોઈ વાળા, ડ્રાઇવર વગેરેની ખાસ દયા ખાતા નથી. વળી જો તે રજા માંગે તો તો જાણે આપણા પર આભ તૂટી પડે. પરંતુ આજે કોરોનાના માહોલમાં આપણે સૌ સામેથી એમને રજા આપી રહ્યા છીએ. કદાચ જો તે કામ માટે આવે તો તેને સેનીટાઈઝર પૂરું પાડી મદદ કરી રહ્યા છીએ, જરૂરી માહિતી precaution અંગેની તેને આપી રહ્યા છે. એમ સમજી કે કદાચ અભણ કે અણસમજુ હોવાને કારણે તે માહિતગાર નહીં હોય. આમ જાણે-અજાણે કે મજબૂરીમાં પણ ખૂબ ઉત્તમ પાઠ જનસમુદાય શીખી રહ્યો છે.
૬) આરોગ્યપ્રાપ્તિમાં જાગૃતતા – કળીયુગના લોકો સૌથી વધુ બેદરકાર પોતાના સ્વાસ્થ્ય બાબતે છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આરોગ્ય આજે મોટાભાગના લોકોનું નબળું છે. અજ્ઞાન, અશક્તિ અને અભાવ ત્રણ કળીયુગના લોકોની વિશેષતા છે. સમજણ ઓછી અને દેખાડો ઉંચો, નબળાઈ અને નાના-મોટા રોગોની મહતા, તેમ જ સતત અછત અને અભાવની પરિસ્થિતિને લઈને દોડ્યા જ કરે છે. ખબર નહીં, કેટલું જોઈએ છે? અને શું જોઈએ છે? પરંતુ કોરોના મહામારીએ લોકોને ઇમ્યુનિટી વધારવા તરફ, હકારાત્મક વિચારો તરફ, યોગ્ય આહાર-વિહાર તરફ અગ્રેસર કર્યા છે. જે ખૂબ આનંદનો વિષય છે. (જો આ પરિવર્તન જીવનપર્યંત ટકી રહે તો)
૭) સદગુણોની પ્રાપ્તિ – સામાન્ય રીતે માણસ માત્રમાં ષટરિપુ એટલે કે છ મુખ્ય અવગુણો જોવા મળે છે. કામ, ક્રોધ, લોભ, મોહ-માયા, અહંકાર અને ઈર્ષા. આપણા મિત્રો, પાડોશી, સગાસંબંધીઓ, સેવકો સ્વસ્થ અને સુખી રહે તેવી આપણી કામના ક્યારેય હોતી નથી. ઊલટું જો બધા સુખી હોય તો સહજ પણે આપણને તેઓની ઈર્ષા થાય છે. જ્યારે આજે, આપણા પાડોશી સૌથી પહેલા સ્વસ્થ રહે એવી આપણી ઈચ્છા છે. વળી આપણા નજીકના તમામ લોકો ચુસ્ત અને નિરોગી હોય, તેમની રોગપ્રતિકારક શક્તિ વધુ હોય એવી આપણે આશા રાખીએ છીએ અને તે અંગે બનતા પ્રયત્નો પણ કરીએ છીએ. આ મહામારીમાં દરેકનું કલ્યાણ ઈચ્છીએ છીએ. કેમ કે તે વગર આપણું ભલું થવું શક્ય નથી.
આમ કોરોનાને કારણે થતા થોડા નુકસાનને સહન કરવાથી, જો આવા મહાન ગુણો જનસમુદાય પ્રાપ્ત કરી શકે કે જેની મનુષ્ય જીવનમાં ખૂબ અગત્યના છે અને કિંમતની દ્રષ્ટિએ તો તે સર્વે અમૂલ્ય છે. તો મને લાગે છે કોરોના મહામારી મારી દ્રષ્ટિએ એક ઉત્તમ સમય છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે એ સમય ઉત્તમ કહેવાય જેમાં પાપ ભોગવાઈ અને પુણ્ય બંધાય. સામાન્ય રીતે સુખમાં(પુણ્યનું ફળ સુખ) માણસ છકકી જાય છે. એટલે કે પુણ્ય ભોગવતા એ પાપ બાંધે છે. ઘણા દુઃખમાં(પાપનું ફળ દુઃખ) ન કરવાના કામો કરે છે એટલે કે પાપ ભોગવતા ભોગવતા પાપ બાંધે છે. આવી તમામ પરિસ્થિતિ, મનુષ્ય જીવન માટે ખતરનાક અને જોખમી છે, જે તેના માટે નર્કનું સર્જન કરે છે. જ્યારે કોરોના મહામારી આપણને સાધુજીવન (સ્વચ્છતા, સંયમ અને સ્વાશ્રયી) કુટુંબજીવન, એકતા, શિસ્ત, આરોગ્ય અને સદગુણોના અમૂલ્ય પાઠ શીખવી રહ્યું છે તે કંઈ ઓછો ફાયદો છે? જરૂરી ફક્ત એ છે કે કપરા પરીક્ષાના સમયમાં શીખેલા આવા અમૂલ્યગુણો જનજીવન સામાન્ય થતા આપણે ભૂલી ન જઈએ. વોટ્સએપ પર ફરતો જાપાન અંગેનો વિડીયો જો તમે જોયો હોય તો તમને ખબર હશે કે જાપાન સારી પરિસ્થિતિમાં એટલે છે કે તેણે આગળની દરેક મહામારીમાંથી બોધપાઠ લીધા છે અને તેનો રૂટિન લાઈફમાં સમાવેશ કર્યો છે. આપણે પણ ઉપર પ્રમાણેના તમામ બોધપાઠને આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ બનાવીએ તો આજીવન સ્વસ્થ અને ખુશ રહેતા આપણને કોઈ રોકી ન શકે. વળી માનવમાંથી મહામાનવ થતા પણ આપણને કોઈ રોકી ન શકે.