*મુકબધીર મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવતું પંચમહાલ જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર*
એબીએનએસ, ગોધરા (પંચમહાલ):: મહિલા અને બાળ વિભાગ હેઠળ રાજ્યમાં મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને વિકાસ માટે વિવિધ કચેરીઓ કાર્યરત છે. જેમાંથી એક છે સખી વન સ્ટોપ સેન્ટર. એક જ છત્ર હેઠળ મહિલાને જરૂર હોય તેવી તમામ સુવિધાઓ પૂરી પાડવાનો મુખ્ય હેતુ સાથે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તાત્કાલિક તબીબી સારવાર, આશ્રય, કાયદાકીય સહાય, પોલીસ સહાય, પરામર્શ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજ્ય તેમજ અન્ય રાજ્યના કોઈ કારણસર તેમજ પોતાની નબળી માનસિક સ્થિતીને કારણે પરીવારોથી વિખુટા પડી ગયેલા પીડિત મહિલાઓને તેમના પરીવારો સાથે મિલન કરાવીને ઘર સુધી સલામત રીતે પહોંચાડવાનું કાર્ય સખી વન સ્ટોપ સેન્ટર સફળતાપૂર્વક કરી રહ્યુ છે. ગોધરાના સિવિલ હોસ્પિટલમાં બીજે માળે છેલ્લા ૬ વર્ષથી સખી વન સ્ટોપ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહે છે. આ સેન્ટરમાં હિંસાથી પીડિત મહિલાઓની તમામ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે છે અને કોઈપણ જગ્યાએથી હિંસાનો ભોગ બનેલ મહિલાઓને આશ્રય આપવામાં આવે છે. તાજેતરમાં એક મુકબધીર મહિલા છેલ્લા ૧૮ દિવસથી ઘરેથી નીકળીને ભૂલી પડી ગઈ હતી જેમને વેજલપુર પોલીસ સ્ટેશન દ્વારા આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર ઉપર લઈ આવવામાં આવી હતી. સેન્ટર પર લાવ્યા બાદ સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક કલ્પનાબેન અને તેમની ટીમ દ્વારા બહેનની પૂછપરછ કરતા બહેન બોલી શકવા અક્ષમ હોવાનું ખબર પડી. બહેનની ઓળખ માટે સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક કલ્પનાબેન દ્વારા બહેનના ફોટોગ્રાફ્સ વિવિધ જગ્યાએ મોકલી આપવામાં આવ્યા અને બહેનને સખી વન સ્ટોપ સેન્ટર પર ૧૭ દિવસ સુધી આશ્રય આપીને તેમને જરૂરીયાત મુજબ દરેક તબીબી સારવાર પણ આપવામાં આવી હતી. સમય જતા જ્યારે બહેનના પતિનો સંપર્ક થયો ત્યારે બહેનના પતિ સખી વન સ્ટોપ સેન્ટર પર બહેનને ઘરે પરત લઇ જવા માટે દોડી આવ્યા હતા. ત્યારે આ બહેન તેમના પતિને જોતાં કેંન્દ્ર પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. બહેનના પતિએ જણાવ્યું હતું કે તેમની પત્ની ઘરેથી નીકળી ગયા બાદ તેઓ સતત તેમની પત્નીને શોધી રહયા હતા પરંતુ તેમને તેમની પત્નિનો કોઇપણ પતો ન મળતા તેઓ નિરાશ થઈ ગયા હતા. તેમને ગામના આગેવાન દ્વારા તેમની પત્નીનો ફોટો બતાવીને જાણકારી આપવામાં આવી કે તેમની પત્ની ગોધરા ખાતે સખી વન સ્ટોપ સેન્ટર ઉપર છે, અને તેની જાણ થતા તેઓ તેમની પત્નીને લેવા માટે સખી વન સ્ટોપ સેન્ટર આવી પહોંચ્યા હતા. બહેનના પતિએ સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક કલ્પનાબેન અને તેમની ટીમ દ્વારા આ મુકબધીર બહેનનું તેમના પતિ સાથે સુખદ મિલન કરાવવા બદલ બહેનના પતિએ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક કલ્પનાબેન અને તેમની ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આમ, પંચમહાલ જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક અને તેમની ટીમની સૂઝબુઝના કારણે એક મુકબધીર મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન થયુ હતું.