*૧૫૩ આંતરરાષ્ટ્રીય, ૬૮ રાષ્ટ્રીય, ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ ભાગ લેનાર પતંગબાજોનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫નો અમદાવાદ ખાતે શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી*

*૧૫૩ આંતરરાષ્ટ્રીય, ૬૮ રાષ્ટ્રીય, ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ ભાગ લેનાર પતંગબાજોનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫નો અમદાવાદ ખાતે શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી*

 

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ ૧૧ જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર વોકલ અભિયાન પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી ખુબ મોટો વેગ મળ્યો છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ધારકોને લાખો રૂપિયાની આવક થાય છે. એટલું જ નહિ, ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે સાડા પાંચ લાખથી વધુ લોકો જોડાયાં હતા.

 

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી થયેલા ગુજરાતના પ્રવાસનના વિકાસ અને ગુજરાતના પતંગ ઉદ્યોગ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઈટ મેન્યુફેક્ચરીંગના હબ બન્યા છે.

એટલું જ નહિ, આજે દેશના પતંગ માર્કેટમાં ૬૫ ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુ.કે., કેનેડા જેવા દેશોમાં એકસપોર્ટ પણ થાય છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વર્ષ ૨૦૪૭માં ભારતને વિકસતિ રાષ્ટ્ર બનાવવાની વડાપ્રધાનની નેમ છે, ત્યારે આ નેમને સાકાર કરવા ગુજરાતના વિકાસ પતંગને પર્યાવરણ અને પ્રકૃતિ સાથે તાલમેલ સાધીને વિકાસ વિશ્વમાં ઊંચી ઊડાન ભરાવવાની એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

આ પ્રસંગે ઉત્તરાયણ પર્વની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે,

ઉત્તરાયણ ઉત્સવ દાન તેમજ ધર્મનું અને સૂર્ય નારાયણની ઉપાસનાનું પર્વ છે. એટલું જ નહિ, દાન-મહિમાની પરંપરા સાથે ઉજવાતા આ પર્વમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના પણ સમાયેલી છે. જીવમાત્રની સુરક્ષા માટે સંવેદના દર્શાવીને આ પર્વને સુરક્ષિત રીતે ઉજવવુ જોઈએ તેમજ પતંગ ઉડાડવામાં પણ ખુબ કાળજી રાખવી જોઈએ એવી રાજ્યના દરેક નાગરિકોને મુખ્યમંત્રી દ્વારા અપિલ કરવામાં આવી હતી.

 

આ અવસરે મુખ્યમંત્રી એ ઉતરાયણ અને મકરસંક્રાંતિના પર્વની સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

 

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સ્વાગત પ્રવચન કરતા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ કહ્યું કે, ઉત્તરાયણ એ સૂર્યની ઉપાસના કરવાનો અવસર છે. એટલું જ નહિ પ્રકૃતિ અને પ્રગતિનો સંદેશ પણ આ પર્વ આપે છે. આપણો દેશ ઉત્સવોનો દેશ છે અને ભારતમાં અનેક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં દર વર્ષે આયોજીત થનાર આ પતંગ મહોત્સવ સૌને વિકાસની દિશામાં ઉડવાની પ્રેરણા આપે છે એટલું જ નહી ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું કેન્દ્ર પણ આ પતંગ મહોત્સવ બન્યો છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -૨૦૨૫ની વિગતવાર માહિતી આપતા પ્રવાસન મંત્રીએ કહ્યું હતું કે, આ વર્ષે તારીખ ૧૧ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ ૧૩ જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’નું આયોજન કરાયું છે.

 

વધુમાં તેમણે કહ્યું હતું કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. જેમાં ૫૫ દેશોના ૧૫૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ૧૨ રાજ્યોના ૬૮ રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ પતંગબાજોએ ભાગ લીધો છે.

 

આ અવસરે ઋષિ કુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદનાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ વિશ્વના વિવિધ દેશો અને ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજોની પરેડનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઉપરાંત ઉત્તરાયણ પર્વને લઇને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -૨૦૨૫ના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભામાં સાંસદ નરહરિભાઈ અમીન, અમદાવાદ પૂર્વના સાંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યો, અમદાવાદ કલેક્ટર શ્રીમતી પ્રવિણાબેન ડિ.કે, ગુજરાત ટુરિઝમના સચિવ રાજેન્દ્ર કુમાર, ગુજરાત ટુરિઝમના કમિશનર અને મેનેજિંગ ડિરેક્ટર એસ. છાકછુંઆક, ગુજરાત દેશ -વિદેશથી આમંત્રિત મહેમાનો, પતંગબાજો, રાજદ્વારી પ્રતિનિધિઓ, અમ્યુકોના પદાધિકારીઓ, કાઉન્સિલર્સ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં -૨૦૨૫માં અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, ભૂતાન, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રીકા, ડેનમાર્ક , ઇજિપ્ત, એસ્ટોનીયા, ફ્રાન્સ, જર્મની , ગ્રીસ, હંગારી, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઈટલી, ઇઝરાયલ, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, લેબાનોન, લીથું ઉનીયા, મલટા ,મેક્સિકો, નેધરલેન્ડ, ફિલિપાઇન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનીયા, રશિયન ફેડરેશન, સ્લોવાકિયા, સોલ્વેનિયા, સાઉથ આફ્રિકા, સ્પૈન, સ્વીઝરલેન્ડ, તુર્કી, યુક્રેન, યુનાઇટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ, વીયેતનામના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

 

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *